૮ એક વાસ્તવિક દ્રશ્યથી પર્દાફાસ થયો વાસ્તવિકતા સ્થિતિનો

indian poor reg pickers1

સાહેબ આ દવા ફરી આપોને….

એક તબીબ પાસે ગરીબ- કચરો વિણતી મહિલાની વિનંતી:આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા ખુલ્લી પાડી ગઈ છે
આ એક વાસ્તવિક દ્રશ્ય છે. ચિકન ગુનિયાની સારવાર માટે એક વૈદરાજ પાસે બેઠો હતો ત્યાંજ એક ભિખારી જેવા મહિલા આવ્યા. તબીબને ઓળખતા હશે એટલે સીધા અંદર ચાલ્યા આવ્યા, બોલે, સાહેબ તમોએ આ દવા આપી હતી તેવી બીજી ત્રણ-ચાર દિવસની દવા આપો. તેણે હાથમાં પ્લાસ્ટીકમાં રાખેલી ત્રણ ચાર ટેબ્લેટ દેખાડી તબીબ પણ સમજી ગયા. તેણે ડ્રોઅરમાંથી તેવી જ ટેબ્લેટ કાઢી ચાર દિવસનો ડોઝ આપી દીધો. આ મહિલાએ સાડી કે તેવા ફાટેલા વસ્ત્રોમાં ગાંઠ મારી બાંધેલી રૂા.૧૦ ની એક નોટ કાઢી અને સાહેબ આટલા છે લઈ લો પછી બીજા આપી દઈશ. પણ તબીબે કહ્યું જરૂર નથી તમો જોઈએ ત્યારે દવા લઈ જજો. પૈસા નથી જોઈતા, હું આ દ્રશ્ય જોતો હતો બન્નેના ચહેરાનો ભાવ નિહાળતો હતો. તબીબને આપણે દેવદુત કહીએ છીએ. કદાચ તે દ્રશ્ય એક નાના સ્વરૂપે પણ જોવા મળતુ હતું. આ મહિલાએ જતા પહેલા કહ્યું કે સાહેબ તમારી દવાથી સારૂ થયુ છે હાથ પગ દુખતા હતા તે ઓછા થયા છે અને મજુરીએ જઈ શકાય છે. તબીબે મારી સામે જોઈને કહ્યું કે તેને પણ તમારી જેમ ચિકન ગુનિયા થયો હતો. તેના પણ પગ-સાંધા દુખતા હતા પણ હવે તે ચાલવા લાગ્યા છે. તેના પર ખુદનો અને બાળકોનો ભાર છે. મારી કલીનીક પાસે રોજ પ્લાસ્ટીકનો કચરો વિણવા આવે છે એક દિવસ જોયું કે તે ચાલી શકતા ન હતા છતાં ગમે તેમ કરીને ચાલીને આસપાસનું પ્લાસ્ટીક કે તેઓ કચરો વિણતા છતા હું સમજી ગયો કે તેને ચીકન ગુનિયા છે મે તેને બોલાવી દવા આપી. પછી સમજયો દવા ભુખ્યા પેટે ખાશે તો… તેથી પાસેની ચાની દુકાનેથી બીસ્કીટ લઈને આપીને ચા બીસ્કીટ ખાવા કહ્યું પછી દવા ખાવા સુચના આપી આથી તેને રાહત થશે અને આજે તે ચાલી શકે છે. ચાલો તેને મજુરીમાં તો રાહત થઈ છે મને આખી વાતમાં તબીબ પ્રત્યે સ્વાભાવીક માન થયુ પૂછયુ સાહેબ, આ રીતે કેટલા ગરીબો દવા વગર પણ પીડા સહન કરીને મજુરીએ જવા મજબુર હશે.
તબીબનો જવાબ હતો તમારે ઝુંપડપટ્ટી કે ગરીબ વિસ્તારની આસપાસ જશો તો અડધા ઘરોમાં કોઈને કોઈ બિમાર છે. ઘરનુ એક જણ માંદુ હોય તો પણ બીજાએ મજુરીએ જવુ જ પડે છે. દવાના નામે કોઈ સરકારી દવાખાને જાય છે તો ઘરના એક સભ્યની રોજી પડે છે. તેથી તેઓ આસપાસના દવાખાનામાં જે સસ્તા હોય ત્યાં દવા લે છે આ બહેનનું પણ તેવુ જ છે. વાયરલ તાવ સહીતની બિમારીઓએ ચારે તરફ ભરડો લીધો છે. જેઓને સીકલીવ કે ખાનગી હોસ્પીટલની સારવારની સુવિધા છે તેની હું ચિંતા કરતો નથી પણ કોઈ ગરીબને દવા વગર જોઉ તો મને પિડા થાય છે થાય એટલી દવા આપુ છું કદાચ તેમના નસીબ જ ગરીબ છે, નથી તેઓ દવા સુધી પહોંચી શકતા નથી દવા તેના સુધી પહોંચી શકતી.
દ્રશ્ય-૨
વૈદરાજ પાસેથી બહાર નીકળ્યા બાદ જોયું તો તે મહિલા ખુદ બિસ્કીટ ખાતી હતી અને તેના બાળકો પણ… સ્વાભાવિક આ મહિલાને જોયા પછી ગરીબી શું છે તેનો ખરેખર હૃદય હચમચાવે તેવો અનુભવ થયો. આ મહિલાના ચહેરા પર ગરીબીના શકય હોય તે તમામ ચિન્હો મૌજુદ હતા. લાચારી-ટપકતી હતી શરીર પર ચાર-પાંચ કપડા સાડી-બુશકોટ પહેર્યા હતા તે તમામ કોઈએ આપેલા. ખુબ મેલા ચહેરા પર કરચલી ધૂળનો મેલ હતો તેના બાળકો પણ અર્ધનગ્ન અને તેવા જ ગરીબીના પ્રતિક. કદાચ ઈશ્ર્વર તેને કયાં જન્મની સજા કરતો હશે પણ આવી સજા હોય શકે? મે તે મહિલાને વધુ એક બીસ્કીટ પેકેટ આપ્યું. દયા ભાવ કરતા મારે તેની વધુ માહીતી લેવી હતી તેથી જ જાણવુ હતું એ સત્ય જે આપણે છેક ૧૯૭૦ થી ઈન્દીરા ગાંધીના શાસનથી ગરીબી હટાવથી આજે નરેન્દ્ર મોદીના શાસનમાં સૌનો સાથ સૌનો વિકાસ સાંભળી રહ્યા છીએ. મારે એ જાણવુ હતું કે કેમ સરકાર પછી તે ગમે તે પક્ષની હોય પણ શા માટે આ મહિલા સુધી તે પહોંચી શકી નથી. શા માટે તે સરકારી દવાખાના સુધી પહોંચી શકતી નથી કે શા માટે તે કદાચ ગરીબ-સંઘર્ષ અને તે પણ રોજરોજનો કરવો પડે તેવી સ્થિતિમાં છે. સ્વાર્થ હતો એટલે બિસ્કીટ મે લઈ દીધુ પણ એમા તબીબે જેણે આ મહિલાને દવા- મફત આપી અને બિસ્કીટ પણ ખવરાયા તેની કક્ષામાં તો હું નથી જ અને એક જ અફસોસ થશે કે તે સમયે મારી પાસે મોબાઈલ ન હતો. નહીતર એ મહિલા અને તેના બાળકોની તસ્વીર ખેચી લેત- અને પ્રસિદ્ધ કરત કે આપણે સૌ જોઈ શકીએ કે ગરીબી કેવી છે.
જો તે મહિલાને પુછયું બહેન કયા રહો છો. તેને હું કોઈ અધિકારી જેવો લાગ્યો. કદાચ તેને ડર હતો કે હું કંઈક સ્વાર્થ માટે તેને બીસ્કીટ આપું છું તેનું એ તબીબ પાસે જઈને કહ્યું કે મારે આ બધાની વાત સાંભળવી છે. તબીબે તે મહિલાને વિશ્ર્વાસ આપ્યો કે હું કોઈ તેને હેરાન નથી કરતો. પત્રકાર કે છાપા વાળો કહું તો પણ તેને એ દુનિયાની ખબર હશે કે કેમ તે પ્રશ્ર્ન હતો પછી તે મહિલાએ તેની વાત કહી, પતિ તરછોડી ગયો- બે બાળકોની ભેટ આપી ને તે કાગળ-પ્લાસ્ટીક વિગેરે વીણે છે. બે બાળકો સાથે એક ઝુંપડપટ્ટીમાં રહે છે. જયાં નથી લાઈટ કે કોઈ સુવિધા નાના છોકરા સૂતા હોય ત્યાં વહેલી સવારે ૩ વાગ્યે કાગળ વિણવા નીકળે છે. છ-સાત વાગ્યા સુધીમાં ત્રણ વાર કોથળા ભેગા કરીને વેચે છે જે મળે તે ઘર ચલાવવા માટે લઈ જાય છે. બપોર પછી ફરી છોકરીઓને સાથે લઈને પ્લાસ્ટીક વિણે છે. મતલબ કે તેનું અને છોકરાઓનું તે પાલન કરવા દિવસભર આ રીતે સંઘર્ષ કરે છે મે પૂછયું તાવ હતો તો શું તેણે કહ્યું કે એવુ તો ચાલે રાખે ન નીકળું તો સાંજે શું શું ખાવ, શું ખવરાવું, સરકારી દવાખાને કેમ ન ગયા તો કહે કે ઈ તો મારુ કામ જ નહી દિવસ આખો બગડે. દવા લેવામાં પછી ડોકટર દવા લખી આપે તો અડધી તો બહારની લેવાના પૈસા જ નથી, આધારકાર્ડ- માગે- ઈ-શું એ તો કયાંથી કાઢું. આમ તેની કથની સાંભળી તબીબ પણ તેમાં જોડાયા.
આ આખી પ્રસ્તાવના લખવા પાછળનું કારણ છે. આજનું વાતાવરણ- આજે આપણે ચારે તરફ વિકાસના દેકારા સાંભળીએ છીએ કોઈ કહે છે વિકાસ થયો છે કોઈ કહે છે નથી થયો. સૌથી મોટા પક્ષના દાવા આંકડા રજુ કરો પણ પ્રશ્ર્ન એ છે કે વિકાસ થયો છે. કદાચ હું તે મહેસૂસ કરી શકું છું. સારા રોડ પર ફરૂ છું. સારી વિજળી, પાણી, સુવિધા મેળવુ છું. સરકારી સેવા પણ મને ઉપલબ્ધ છે. લાભો છે- તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી. મારા અને આપણા મોટાભાગના લોકોના સંતાનો સારુ શિક્ષણ મેળવે છે. સારી નોકરી પણ કરે છે. મારા પિતા એ જે સંઘર્ષ કર્યો તેનાથી કદાચ એ ઓછો કર્યો છે. બધુ અનુભવ થાય છે તેથી સારુ તો થયું જ છે તેનો ઈન્કાર નહી પણ કેમ આ મહિલા કે તેના જેવા લાખો ગુજરાતીઓ કે કરોડો ભારતીયો માટે આ સુવિધા ઉપલબ્ધ નથી. શા માટે તેઓને કમસે કમ એવું જીવન ઉપલબ્ધ નથી કે એક નાનું આવાસ- બાળકોને શિક્ષણ- આરોગ્ય- તેમને ખર્ચ જે લઘુતમ જોઈએ તે ઉપલબ્ધ નથી. સરકારી દવાખાના છે. આરોગ્ય કેન્દ્ર પણ છે. ગરીબોને માટે તેમાં ફ્રી સારવાર પણ છે. બીપીએલ કાર્ડ જેવી વ્યવસ્થા છે. તેઓને ઓછા દરે રાશન આપવા તેમના બાળકોને મફત શિક્ષણ પણ છે છતાં શા માટે તમોને તે ઉપલબ્ધ નથી.
શા માટે સરકારી યોજનાના લાભો તેમની સુધી પહોચતા નથી! કોઈ રાજકીય પક્ષ કે નેતા કે કોઈ સીસ્ટમ શા માટે આ પ્રશ્ર્ન કદી વિચારતા નથી!
આપણે વિકાસના આંકડા રજુ કરીએ છીએ. આપણે શ્રેષ્ઠ સ્માર્ટ સીટી બનાવવાની જાહેરાતો કરીએ છીએ.જાહેર સ્થળો પર વાઈ-ફાઈ સુવિધાના વચન આપીએ છીએ. બજેટમાં ગરીબો- પછાતો માટે જે આંકડા કરોડો-અબજોને જાહેર થયા છે તેનો ૭૦ વર્ષનો સરવાળો કરો તો કેવી રકમ થાય! કદાચ તમો ગણી ન શકો! ગરીબી નાબુદીની વાતો ૧૯૭૦થી થાય છે. અને આગળ પણ થતી રહેશે. ચૂંટણીમાં ગુજરાતની માથાદીઠ આવક રૂા.૧ લાખથી વધુ હોવાના દાવા થાય છે તો તેમાં આ ગરીબના ‘માથા’ કેમ ગણાતા નથી! એવું કયું રાવણનું માથું છે જે દશ માથાનું છે અને બાકીના નવ માથાની આવક ખાઈ જાય છે. પ્રશ્ર્ન એ ઉઠે કે સરકારી દવાખાનામાં જો ગરીબોને દવા જ આપવાની હોય તો શા માટે ચાર્જ જો ધારાસભ્ય નિવૃત થઈ જાય પછી પણ તેને મફત સરકારી આરોગ્ય સુવિધા (ખાનગી હોસ્પીટલ સહિત) તો પછી શા માટે ગરીબોને તે નહી!
દરેક સરકાર ખુદને ગરીબોની સરકાર ગણાવે છે પણ કદી કોઈ મુખ્યમંત્રી મત માંગવા સિવાય ઝુપડપટ્ટીમાં જઈને ગરીબોની હાલત નિહાળી છે કેમ એવી વ્યવસ્થા ખાસ કરીને હાલના રોગચાળા જેવી સ્થિતિમાં થઈ શકે કે સરકારી તબીબી ટીમ ઝુપડપટ્ટી કે ગરીબોને આવાસોમાં જઈને મફત સારવાર- દવા ન આપે શા માટે તેને રોજબરોજની મજુરી તૂટે છે તો તેને ટેકો નહી! શા માટે તેઓ કાયમી રીતે ગરીબીમાંથી બહાર નીકળી જાય તે રીતે તેમને સ્વરોજગાર કે તેવી તાલીમ નહી- શા માટે તેમના સંતાનો કાયમી શાળાએ જાય અને એક સ્તર સુધી અભ્યાસ કરે તેવી વ્યવસ્થા નહી!
કહેવા માટે તો ઘણું છે અને સરકાર દાવા પણ કરે કે ગરીબો માટે તે શું કરે છે! પણ જે કરે છે તો પરિસ્થિતિ કેમ સુધરતી નથી!
આ કોઈ એક પક્ષની કે એક રાજયની સરકારની વાત નથી. સમગ્ર દેશને તે લાગુ પડે છે. પ્રશ્ર્ન એ છે કે ચૂંટણીમાં આપણે રાજકીય પક્ષો અને નેતાઓના દાવાથી લઈને વાયદા સાંભળીએ છીએ. ૭૦ વર્ષની આ સ્થિતિ છે અને ૭૦ વર્ષથી એ ગરીબો પણ છે. ફકત ચહેરા જ બદલાય છે. ગરીબી યથાવત જ છે. અનેક વખત કોઈ વૃદ્ધ કે મહિલાની આપવીતી સાંભળીએ તો પ્રશ્ર્ન એ થાય કે શું આપણે યોગ્ય સીસ્ટમથી દેશ ચલાવીએ છીએ? જયાં દરેકને સમાન રીતે સરકારના લાભો મળે! આરજે દેશમાં અનામતની બુમો છે, કોઈ લઘુમતી ગણાવવા છેક સુપ્રીમમાં જાય છે. આ બધા ખુદને પછાત ગણાવવા માંગે છે. જેથી પછાતોને મળતા લાભ મેળવી શકે પણ જેઓ ગરીબ છે જેને કોઈ જાતિ નથી કે લઘુમતી કે બહુમતીમાં તેને શું? આપણી અદાલતો પણ કોઈ યુગમાં જીવે છે કે ફકત સામાજીક પછાત એટલે તે અનામતને યોગ્ય! ગરીબી એક પછાત પણું જ છે. આર્થિક અસમાનતા સામાજીક અસમાનતા લાવે જ છે તે સૌ સ્વીકારે છે તો પછી ગરીબોના બાળકોને કોઈ હકક નહી!
પ્રશ્ર્નનો જવાબ આપણા જ્ઞાતિ જાતિ- લઘુમતી- બહુમતી આધારીત રાજકારણ છે. કઈ જ્ઞાતિના કેટલા મત છે તેના પર ઉમેદવાર પસંદ થાય છે અને તેઓ પણ જ્ઞાતિને જ સાચવે છે. પછાત અનામત વર્ગ જેઓ રીઝર્વ કેટેગરીમાં ઓછા છે તેના નેતાઓ તેમના મતદારોને પણ પછાત રાખવા માંગે છે. જો તે પછાત ન રહે તો પછી મત આપતા પુર્વે વિચારશે અને પછાતો પરનો ઈજારો તૂટશે. ખૂદ ચૂંટાશે નહી- કોઈ એક એવો દલિત નેતા ન જોવા મળ્યો કે તે છાતી ઠોકીને કહી શકે કે તે ચૂંટાયા બાદ મારા મતદારોને દલિત-પછાત પણામાંથી બહાર કાઢયા છે અને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવી દીધા છે અને જે અનામતોના લાભ સરકારમાં મળે છે તે ખાનગી ક્ષેત્રમાં આપવાની વાત છે પણ દેશની શ્રેષ્ઠ કંપનીઓમાં કદી જ્ઞાતિ-જાતિ કે ધર્મના નહી તેની હોશિયારી- સ્કીલ મેરીટના આધારે પસંદ થાય છે ત્યાં સહકર્મચારી દલિત છે કે લઘુમતીતેની કોઈ ચિંતા કરતું નથી. લ્યો ખભેખભા મીલાવીને કંપનીને શ્રેષ્ઠ બનાવે છે. કારણ કે તેઓ વર્ગ-ભેદ નથી.
આપણે આજે એસટી-એસસી-ઓબીસી નેતા જોઈએ છીએ. હવે પાટીદારના નેતા પણ આવી ગયા છે પણ ગરીબના નેતા કોણ! કેમ કોઈ એક એવો નેતા નથી જે જાહેર સભામાં કહે કે હું કઈ જ્ઞાતિ-જાતિનો નહી પણ ગરીબનો નેતા છું.
ચૂંટણીમાં જરૂર પડે સૌ પોતાની જ્ઞાતિ-સ્ટેટસનો ઉપયોગ કરે છે. આઘાત તો ત્યારે લાગે કે આપણા વડાપ્રધાન પણ પોતાના ઓબીસી સ્ટેટસને આગળ ધરે અરે કમ સે કમ એક ચહેરો તો એવો રહેવા દો કે તે દેશના ગરીબોનો હોય. કોને મુખ્યમંત્રી બનાવવા. કોને મંત્રી બનાવવા તે પણ જ્ઞાતિના આધારે નકકી થાય છે અને પછી દાવા કરાય છે કે અમોએ સંતુલન સાધ્યું છે પણ કેમ કોઈ એવું નથી કહેતું કે અમોએ ગરીબોને પ્રતિનિધિત્વ આપ્યું છે. આજે ચૂંટણીમાં જે વિકાસનું દ્વંદયુદ્ધ જોવામાં છે તે વાસ્તવમાં સતાનું દ્વંદયુદ્ધ છે પણ હવે એ અવાજ ઉઠાવવાની જરૂર છે કે કોઈ પણ પક્ષની સરકાર હોય શા માટે ગરીબ આજે પણ મજબૂર છે.
શા માટે મતદાનના દિવસે તમારા કામથી નહી પણ ગરીબ ક્ષેત્રમાં દારુ-રૂપિયાના જોરે મતો લેવાય છે! રાજકીય નકાબ હવે ચીરાવા જ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *