હેલ્થ લાયસન્સ આપવાની સત્તા છીનવાતા તંત્રની વાર્ષિક આવકમાં ૧૦ કરોડ સુધી નોંધપાત્ર ઘટાડો

તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી હેલ્થ લાયસન્સ આપવાની સત્તા છીનવી લેવામા આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વાર્ષિક રૂપિયા ૧૦ કરોડની રકકમનો ઘટાડો થવા પામશે.

આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હેલ્થ લાયસન્સ આપવાની કોઈ જ સત્તા ન હોવા છતાં છેલ્લા ૧૦ વર્ષથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા આવેલી નાની-મોટી રેસ્ટોરા,હોટલો સહિત ખોરાકી ચીજોનુ  વેચાણ કરતા  અંદાજે બે લાખ ઉપરાંત એકમોને હેલ્થ લાયસન્સ લેવા માટે ફરજિયાત દબાણ કરવામા આવતુ હતુ.રાજયમાં  અમદાવાદ સિવાય અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઘણા સમય પહેલેથી આ પરવાના આપવાની પ્રથા બંધ કરી દેવામા આવી હતી.આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા ફૂડ સેફટી એકટની જોગવાઈ હેઠળ હેલ્થ લાયસન્સ લેવુ ફરજિયાત હોવાનુ કહી લાયસન્સ લેવા માટે દબાણ કરવામા આવતુ હતુ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ પાસેથી  હેલ્થ લાયસન્સ અંગેની સત્તા છીનવી લેવામા આવ્યા બાદ મ્યુનિસિપલ તિજોરીની વાર્ષિક આવકમાં રૂપિયા ૧૦ કરોડ જેટલી આવકનો ઘટાડો થશે એમ મ્યુનિસિપલ હેલ્થ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે.દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડો.ભાવિન સોલંકીની મળેલી પ્રતિક્રીયા અનુસાર,અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફૂડ સેમ્પલ લઈને તેને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવાની કામગીરી  મ્યુનિસિપલ હેલ્થ વિભાગ અને ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા જારી રાખવામા આવશે.અત્રે નોંધનીય છે કે,તાજેતરમાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા કરવામા આવેલા કેસોની સામે રૂપિયા એક કરોડથી વધુની રકમનો દંડ પણ વસુલવામા આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *