હાર્દિકની સેક્સ સીડી: રાજકારણની આ છે વાસ્તવિક્તા!! દરેક સેલિબ્રિટીના આ પ્રકારના વીડિયો ફરતા હોય છે.

a1

આ પૈકીના મોટા ભાગના વીડિયો ફેક ને મોર્ફ કરેલા હોય છે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ગરમી બરાબર પકડાઈ ગઈ છે ત્યારે જ ગુજરાતમાં મોટો ધડાકો થયો. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ભાજપના નેતાઓની ઊંઘ હરામ કરી નાખી છે ને હાર્દિકને કઈ રીતે નાથવો તેની વેતરણમાં ભાજપના નેતાઓ રાતના ઉજાગરા કર્યા કરે છે ત્યારે સોમવારે એક ટીવી ચેનલે હાર્દિક પટેલની કહેવાતી સેક્સ સીડી બહાર પાડી દીધી. આ સેક્સ સીડી મૂળ તો યુટ્યૂબ પર ચડાવાયેલી ને ત્યાંથી ટીવી ચેનલે આ વીડિયો ઉઠાવીને ચલાવી દીધો તેમાં હાહાકાર મચી ગયો.
આ સેક્સ સીડી કોણે મૂકી તે ખબર નથી પણ આ સેક્સ સીડી બે ભાગમાં છે. પહેલા ભાગમાં હાર્દિક જેવી લાગતી વ્યક્તિ એક યુવતી સાથે ગુજરાતીમાં વાતચીત કરે છે. યુવતીનો ચહેરો દેખાતો નથી પણ એ જે વાતો કરે છે તેના પરથી તેની ઓળખ છતી થઈ જાય છે. આપણે એ યુવતી કોણ છે ને શું કહે છે તેની વાત નથી કરવી પણ સીડીમાં બધું સાફ સંભળાય છે. બીજી સીડીમાં હાર્દિક પટેલ જેવી દેખાતી વ્યક્તિની આ જ યુવતી સાથેની સેક્સલીલા બતાવાઈ છે. આ સીડી અંધારામાં ઉતારાયેલી છે પણ પહેલી સીડીને જુઓ તો લાગે કે બીજી સીડી એ જ સ્થળે ઉતારાયેલી છે. પહેલી સીડી અને બીજી સીડીનું બેકગ્રાઉન્ડ એકદમ સરખું જ લાગે એવું છે. ગુજરાતની ચૂંટણીમાં પાટીદાર અનામતનો મુદ્દો ગરમ છે ને હાર્દિકે ભાજપને ફીણ પડાવી દીધું છે ત્યારે જ આ સીડી બહાર આવી છે તેના કારણે ટીવી ચેનલોને તો ગોળનું ગાડું મળી ગયું. તેમણે આ વાતને પકડી લીધી ને ગુજરાતમાં પાછો હાર્દિક છવાઈ ગયો. મજાની વાત એ છે કે હાર્દિક પટેલે હજુ અઠવાડિયા પહેલાં જ એવું કહેલું કે, હજુ તો મારી સેક્સ સીડી બહાર આવશે. આ વાતને એ વખતે લોકોએ બહુ હળવાશથી લીધેલી પણ સાચે જ એવી સીડી બહાર આવી ગઈ. આ સીડી બહાર આવતાં જ હાર્દિકના વિરોધીઓ તેના પર તૂટી પડ્યા ને હાર્દિક ચારિત્ર્યહીન ને લંપટ માણસ છે તેવા આક્ષેપોનો મારો ચલાવી દીધો. હાર્દિકને લંપટ ગણાવનારા માણસોમાં મોટા ભાગના તેના જ પાટીદાર સમાજના લોકો છે પણ એ બધા લાંબા સમયથી હાર્દિકની સામે પડેલા છે. આવા જ એક હાર્દિક વિરોધીએ તો તાબડતોબ અમદાવાદમાં પત્રકાર પરિષદ પણ કરી નાખી ને હાર્દિક તથા તેની આખી ટીમ સામે બેફામ આક્ષેપોનો મારો પણ ચલાવી દીધો. હાર્દિકને આ સીડી ખોટી છે તે સાબિત કરવા પણ પડકાર ફેંકી દીધો. સામે હાર્દિકની તરફેણમાં બોલનારા પણ મેદાનમાં આવી ગયા. હાર્દિકે પોતે આ સીડીને નકલી ગણાવી છે ને તેની સામે કાનૂની પગલાં ભરવાની જાહેરાત પણ કરી નાખી. હાર્દિકના સંગઠનની સામે પડેલું લાલજી પટેલનું સરદાર પટેલ ગ્રુપ (એસપીજી) પણ હાર્દિકની પડખે ઊભું રહી ગયું ને કૉંગ્રેસ પણ તેના બચાવમાં કૂદી પડી. આશ્ર્ચર્યજનક રીતે ભાજપે આ મામલે ચુપકીદી સાધી છે ને ભાજપના નેતાઓ મોમાં મગ ભરીને બેસી ગયા છે. હાર્દિક પટેલની આ સીડી સાચી છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. અત્યારે ટૅકનોલૉજી એ હદે આગળ વધી ગઈ છે કે તમે ગમે તેનાં કપડાં ઉતારીને તેને ગમે તેની સાથે સૂવાડી શકો. સોશિયલ મીડિયા પર ફરતા ફેક સેક્સ વીડિયો જુઓ તો પણ આ વાત સમજાય. દરેક સેલિબ્રિટીના આ પ્રકારના વીડિયો ફરતા હોય છે. આ પૈકીના મોટા ભાગના વીડિયો ફેક ને મોર્ફ કરેલા હોય છે. હાર્દિકનો વીડિયો ખોટો જ છે એવું કહેવાનો જરાય આશય નથી પણ કોઈ છાતી ઠોકીને એવું પણ ના કહી શકે કે, આ વીડિયો હાર્દિકનો જ છે. વૈજ્ઞાનિક રીતે તેની તપાસ થાય પછી જ એવું છાતી ઠોકીને કહી શકાય. જો કે વીડિયો હાર્દિકનો જ છે એવું સાબિત થાય તો પણ આ કોઈ અપરાધ તો છે જ નહીં.
હાર્દિક સંત છે કે દેવનો દીકરો છે એવું કહેવાનો જરાય આશય નથી પણ તેને પોતાના અંગત સંબંધો રાખવાનો અધિકાર છે એ કબૂલવું પડે. એ અંગત જિંદગીને આ રીતે જાહેરમાં ઉછળાય એ હલકાપણાની ચરમસીમા કહેવાય. હાર્દિક પટેલ અપરિણીત છે ને તેને કોઈની સાથે અંગત સંબંધો હોય તેમાં કશું ખોટું નથી. આ દેશનું બંધારણ હાર્દિક પટેલને અંગત સંબંધો રાખવાનો અધિકાર આપે છે ને તેને જાહેરમાં લાવવા એ શરમજનક કહેવાય.
સીડીમાં જે વાતચીત છે તેના પરથી યુવતી પરિણીત છે તેવું લાગે પણ માત્ર તેના કારણે કશું અનૈતિક થયું છે તેવું ના કહી શકાય. આ યુવતી ડિવોર્સી પણ હોઈ શકે ને હાર્દિક સાથે કાયમી સંબંધોમાં પણ હોઈ શકે. એ પોતાની મરજીથી હાર્દિક સાથે સંબંધો રાખે તો તેમાં કશું ખોટું નથી. યુવતી ફરિયાદ કરે તો ચોક્કસ કાનૂની રીતે અપરાધ બને પણ એક સ્ત્રી ને એક પુરૂષ સંબંધો રાખે તેમાં કોઈ અપરાધ જ નથી. જો કે મુખ્ય મુદ્દો તો આપણે ત્યાં રાજકારણનું સ્તર કઈ હદે નીચું ઊતરી ગયું છે એ છે. રાજકીય મુદ્દાની લડાઈ રાજકીય રીતે લડાવી જોઈએ. તેના બદલે ગમે તે રીતે વિરોધીઓને બદનામ કરવા ને તેમને સીધી રીતે પહોંચી ના શકાય એટલે અંગત જિંદગીને બહાને બદનામ કરવાનો રસ્તો ગંદી રાજનીતિનો વરવો નમૂનો છે. આ ગંદી રાજનીતિ કોઈ રાજકીય પક્ષ રમે છે કે પછી હાર્દિકની લોકપ્રિયતાથી જલનારા તેના જ સમાજના લોકો રમી રહ્યા છે એ કહેવું મુશ્કેલ છે પણ આ રમત વખાણવા જેવી નથી.
આ સેક્સ સીડી હાર્દિકને નુકસાન કરવા વહેતી કરાઈ છે તે કહેવાની જરૂર નથી પણ તેના કારણે હાર્દિકને નુકસાન થાય જ એ જરૂરી નથી. હાર્દિકને દબાવી દેવા ભાજપે પણ ઘણા પ્રયત્નો કર્યા ને તેના વિરોધીઓએ પણ જાત જાતના દાવ કર્યા પણ હાર્દિક એ બધા આંચકાને પચાવી ગયો. એ ઉલટાનો મજબૂત બનીને બહાર આવ્યો કેમ કે પાટીદાર સમાજમાં એક વર્ગ એવો છે કે જે માને છે કે હાર્દિક સમાજના હિતની વાત લઈને બહાર પડ્યો છે તેથી આ બધા ઉધામા થાય છે. આ વખતે પણ એવું થાય ને હાર્દિકની સીડી બૂમરેંગ થાય એવું બને. પાટીદારોનો મોટો વર્ગ તેને પડખે ઊભો રહે એવું બની શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *