હરામની કમાણી:એક પણ નેતાનો વાળ વાંકો થશે?

3

મોદીએ વચનો દ્વારા હવા જમાવી દીધેલી ને તેમાં કોંગ્રેસનું રામ બોલો ભાઈ રામ થઈ ગયું પણ મોદીએ શું કર્યું ? મોદીએ વચનો આપેલાં એ બધાં હવામાં જ છે ને લોકો રાહ જુએ છે કે મોદી ક્યારે ભ્રષ્ટાચારીઓને પાંસરા કરશે ને કાળાં નાણાંના ખેલાડીઓને અંદર કરશે.
ભારતમાં મોટા ભાગના રાજકારણીઓ કોઈ કામધંધો કરતા નથી છતાં તેમની સંપત્તિ પેલી વાર્તામાં આવતા રાજકુમારની જેમ દિવસે ના વધે એટલી રાતે વધે છે ને રાતે ના વધે એટલી દિવસે વધે છે. પહેલી વાર ચૂંટણી લડતો રાજકારણી પોતાની સંપત્તિ જાહેર કરે ત્યારે એ હજારોમાં કે લાખોમાં હોય છે. એક વાર એ ચૂંટાય ને પાંચ વરસ કાઢી નાંખે પછી બીજી વાર ચૂંટણીમાં ઊભો રહે ત્યારે તેની સંપત્તિ કરોડોમાં થઈ જતી હોય છે. પાંચ વરસ લગી જનતાની સેવા કરવામાંથી તેને ક્યારે ફુરસદ મળી ગઈ કે તેણે એવો જબરો વેપાર-ધંધો કરી નાંખ્યો કે તેની સંપત્તિ સીધી સો-બસ્સો કે પાંચસો ગણી થઈ ગઈ? અદાણીઅંબાણી પણ આ ઝડપે પોતાની સંપત્તિ વધારી શકતા નથી ત્યારે આપણા રાજકારણીઓ એવા તે કેવા સુરમા બિઝનેસમેન છે કે આ ઝડપે તેમની સંપત્તિ વધી ગઈ છે ?
આ સવાલ સૌને થતો હોય છે પણ કોઈ પૂછી શકતું નથી કેમ કે બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે ? ક્યાંય ફરિયાદ પણ કરી શકાતી નથી કેમ કે બધે તેમનું રાજ છે. તેના કારણે જનતા મન મારીને બેસી રહે છે.
આ માહોલમાં સોમવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશના ૭ સાંસદો અને ૯૮ ધારાસભ્યોની સંપત્તિમાં થયેલા આવા જંગી વધારાની તપાસ કરવા તૈયાર થઈ છે. મોદી સરકાર સત્તામાં આવી તેના પહેલાં ભાજપવાળા જેમના જાકુબીના ધંધાની વાતો કરાંજી કરાંજીને કરતા હતા તેમાંથી કેટલા ભ્રષ્ટાચારીઓ સામે તેમણે કશું કર્યું ? બીજા બધાંની વાત છોડો ને રોબર્ટ વાડરાની વાત જ કરો. રોબર્ટ વાડરાને તો ભાજપે ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવેલો. ડિસેમ્બર ૨૦૧૩માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારથી ભાજપ આ મામલે મચી પડેલો છે ને વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે વચન આપેલું કે તે સત્તામાં આવશે તો વાડરાનાં કાળાં કરમોની તપાસ કરાવશે. ભાજપ રાજસ્થાનમાં જીતી ગયો પછી રાત ગઈ, બાત ગઈની જેમ ભાજપ આખી વાતને ભૂલી ગયેલો. એ પછી લોકસભાની ચૂંટણી આવી એટલે તેને પાછા રાહુલ ગાંધીના સૂટેડ બૂટેડ ‘જીજાજી’ યાદ આવી ગયેલા ને એ વખતે તેણે પાછું લોકો સામે એ જ ગાજર લટકાવી દીધેલું. મોદીએ રોબર્ટ વાડરાના ભ્રષ્ટાચારની વાતો કરી કરીને એવી હવા ઊભી કરી દીધેલી કે પોતાની સરકાર આવશે તો રોબર્ટ વાડરા સહિતના બધા ચોર જેલની હવા ખાતા થઈ જશે. ઉમા ભારતી તો એવું કહેતાં કે, ભારતમાં ભ્રષ્ટ જમાઈઓને હાથીના પગ નીચે કચડીને મારી નાખવાનું ચલણ છે. કેન્દ્રમાં મોદીની સરકાર આવી એ વાતને ત્રણ વરસ થઈ ગયાં ને ત્રણ વરસમાં વાડરાને કશું થયું છે ખરૂં ?
વાડરાની વાત છોડો પણ નરેન્દ્ર મોદીએ તો બીજા ભ્રષ્ટાચારીઓને પણ પાંસરા કરવાનાં બણગાં ફૂંકેલાં. તેમણે જાહેર કરેલું કે, પોતાની સરકાર આવશે તો ભ્રષ્ટાચાર કાબૂમાં આવી જશે. ભ્રષ્ટાચારના મુદ્દાને કાળાં નાણાં અને વિકાસ સાથે જોડીને તેમણે એલાન કરેલું કે, કેન્દ્રમાં પોતાની સરકાર આવશે તો ભ્રષ્ટાચારીઓએ દેશની તિજોરીને લૂંટી લૂંટીને જે નાણાં વિદેશની બૅંકોમાં જમા કરાવ્યાં છે એ અમે અહીં ઘસડી લાવીશું ને એ નાણાંનો ઉપયોગ દેશના વિકાસમાં કરીશું. આ વાત મોદી ડંકે કી કે ચોટ પર કહેતા.
મોદીએ આ વચનો દ્વારા હવા જમાવી દીધેલી ને તેમાં કોંગ્રેસનું રામ બોલો ભાઈ રામ થઈ ગયું પણ મોદીએ શું કર્યું ? મોદીએ વચનો આપેલાં એ બધાં હવામાં જ છે ને લોકો રાહ જુએ છે કે મોદી ક્યારે ભ્રષ્ટાચારીઓને પાંસરા કરશે ને કાળાં નાણાંના ખેલાડીઓને અંદર કરશે. આ મોદી સરકારનો રેકોર્ડ છે ને આ રેકોર્ડ જોયા પછી એ ભ્રષ્ટ રાજકારણીઓ સામે કશું કરે તેવી આશા રખાય ખરી ? રામ રામ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *