સ્કૂલ, બાળક, ઘડતર અને ફી

a5

તાજેતરમાં અમદાવાદની એક શાળાએ ૧૩ ટકા જેટલો ફી વધારો એકદમ જ કરી દીધો. વાલીઓ ધન્યવાદને પાત્ર છે કે તેમણે સતત લડત આપીને ફી વધારો પરત ખેંચાયો પણ ક્યાં સુધી? જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને રાજ્ય સરકારનું શિક્ષણ ખાતું મહેરબાન રહેશે ત્યાં સુધી.

હમણાં હમણાં જ મારા ઘરમાં મારી પૌત્રીના શિક્ષણ બાબત (કેળવણી નહીં) મારા આધુનિક પુત્રવધુ અને દીકરો તેમના મિત્રગૃપમાં કોણ ક્યાં ભણે છે તેની ચર્ચા કરે છે. આ બધા માને છે કે ર.૫ વર્ષે બેબી સીટર, યુરો કીડ્સ એટલે કે નર્સરી પહેલાં જ તેને બે કલાક માટે પણ ક્યાંક મોકલવી, પછી નર્સરી, પછી જુ.કેજી., સીની. કેજી, પછી પ્રાથમિક શિક્ષણ પણ માધ્યમ અંગ્રેજી જ જોઈએ અને સીબીએસસી જ જોઈએ. અને એ પણ મોંઘામાં મોંઘી સ્કૂલ-નહીંતર એના મિત્રોમાં વટ કેવી રીતે પડે?

બીજી બાજુ ધો.૧૧-૧ર સાયન્સ માટે સંબંધોના દીકરાઓને મોકલવા છે. આર્થિક સ્થિતિ સામાન્ય છે અને આવી ધો. ૧૧, ૧ર સાયન્સની સેલ્ફ ફાયનાન્સ શાળાઓનો રાફડો ફાટયો છે. ધો. ૧ર માટે બે વર્ષના રૂા. ૧ લાખથી માંડી રૂા. ૩ લાખ ૩૦ હજાર સુધી ફી હોસ્ટેલ સાથે લેવામાં આવે છે. હવે આમાયે શાળાની પસંદગી કરવાની છે. બાળકને ખાસ ખ્યાલ નથી, વાલી ફીની ચિંતામાં છે. દેખાદેખીનો સવાલ છે. તે ફલાણાનો દીકરો ફલાણી સ્કૂલમાં છે અને પછી પ્રારંભ થાય છે ફીના ચક્કર, દેવું કરીનેય બાળકને ભણાવવાનો છે. શાળાઓમાં પાછું ટકાનું ધોરણ તો ખૂબ ઉચું જોઈએ. આ સમાજમાં ૩૫ ટકા લોકો એવા છે, બાળમંદિરતી માંડી કોલેજ સુધી આવી તગડી ફી ભરીને બાળકોને ભણાવી શકે છે. બાકીના ૬૦થી ૬૫ ટકા પ્રજાના બાળકોના શિક્ષણની ચિંતા કોણ કરશે? સરકાર અને સમાજના આગેવાનો તો એક જ છે. બંનેને ખાનગીકરરણમાં રસ છે. શાળાની પસંદગી તો હવે બાળક જન્મે તે સાથે જ ચિંતાનો વિષય છે. અને તગડી ફી ઉઘરાવી ખાનગી શાળામાં આરટીઈ મુજબ ર૫ ટકા સંખ્યા લેવાતી નથી. અને લાભાર્થી માબાપને આ બાબતે કોઈ રસ નથી. સ્કૂલ માટે નવી પેઢી શા માટે હાઈફાઈ છે તે સમજ બહાર છે. સૌથી મોટી વાત માત્ર દેખાદેશી અને સોસાયટી છે.

દરેક સ્થળે ટ્યુશન કલાસ પણ એટલાં જ છે. તેની ફી પણ મોંઘી છે.  કે.જી.થી કોલેજ સુધી ટ્યુશન ફરજીયાત છે. આ આખી શિક્ષણ પદ્ધતિ ફી, ટ્યુશન પ્રથા, ખાનગીકરણ ઉપર ખૂબ જ ચર્ચાઓ, સેમિનાર થાય છે. શિક્ષણ વિશે ચર્ચા કરે છે. પણ વાંજણી ચર્ચાઓનું પરિણામ મળતુ નથી. સરકાર કે સિસ્ટમ પાસે જ તે બધા કોઈ ફેરફાર કરાવી શકતા નથી. સામાયિકોમાં પણ ચર્ચાઓ થયા કરે છે. પરિણામ શૂન્ય છે. અત્યારે તેમા મોટા ઉદ્યોગ જૂથો પાસે પોતાના આધુનિક શિક્ષણ સંકુલો છે. એટલે આ કહેવાતા શિક્ષણવિદોની પીયુડી સાંભળે કોણ હવે આ આખી સિસ્ટમને સુધારવા માટે સામાન્ય પ્રજાએ જ જાગૃત થવું પડે, દરેક મા-બાપે પોતાનો આગ્રહ છોડવો પડે, શાળાઓની પસંદગીની સાથે દરેક વાલીમંડળ બને જે સરકાર, સિસ્ટમ, સંચાલકો અને શાળા સાથે સંયોજન કરી કોમન ફી, અભ્યાસક્રમ, ટ્યુશનપ્રથા જેવી બાબતે હલ્લાબોલ નીતી ઘડી જરૂર પડયે સંચાલકો કે સરકારને બાનમાં લેવા સુધીની કાર્યવાહી કરી શકે તે પ્રકારે નિષ્પક્ષ લોકોને આ વાલીમંડળમાં સમાવવા પડે જેથી મજબૂતાઈ ભરી રજૂઆત કરી શકે. બાકી હવે જો પ્રજા, વાલીઓ, શિક્ષણવિદો, જાગૃત નહીં થાય તો આગામી સમયમાં સામાન્ય વર્ગ, ગ્રામીણ પ્રજા અને દલિત સમાજ કે આર્થિક પછાત લોકોના દીકરા દીકરીઓ માટે ભણતર એ સ્વપ્ન બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *