સોલર પાર્કથી વીજ ઉત્પાદન વધારાશે

solar-panels

સોલર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલર પાવર પ્રોજેક્ટની ક્ષમતા ૨૦,૦૦૦ મેગાવોટથી વધારીને ૪૦,૦૦૦ મેગાવોટ કરવાની યોજનાને સરકારે મંજૂરી આપી દીધી છે તેમ પાવર, કોલસો, રિન્યુએબલ એનર્જી અને ખાણ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું.

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ લીધેલા નિર્ણયથી દેશના જુદા જુદા ભાગોમાં ૫૦૦ મેગાવોટની ક્ષમતાના ઓછામાં ઓછા ૫૦ સોલર પાર્ક સ્થાપવા પડશે. હિમાલયની આસપાસ આવેલા અને પહાડી વિસ્તારોમાં નાના પાર્ક સ્થાપવામાં આવશે જ્યાં જમીન મેળવવી એક મુશ્કેલ મુદ્દો છે અને પાર્ક સ્થાપવા માટે યોગ્ય જમીનની અછત છે.

રાજ્યો તરફથી સોલર પાર્કની વધતી માંગને ધ્યાનમાં રાખીને સોલર પાર્ક સ્કીમની ક્ષમતા વધારવાનો નિર્ણય લેવાયો છે. ૨૦૧૯-૨૦૨૦ સુધીમાં સોલર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેના માટે કેન્દ્ર સરકાર રૂ.૮,૧૦૦ કરોડની નાણાકીય સહાય કરશે.

આ યોજના હેઠળ દર વર્ષે ૬૪ અબજ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે અને દર વર્ષે કાર્બનમાં ૫.૫ કરોડ ટનનો ઘટાડો કરી શકાશે. ગોયલે કહ્યું કે આ સ્કીમથી દેશને લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા મળશે અને કાર્બન એમિશન તથા કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડા દ્વારા સ્થિર ઇકોલોજિકલ વૃદ્ધિને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત સોલર અને સંલગ્ન ઉદ્યોગો જેવા કે ગ્લાસ, મેટલ્સ, હેવી ઇન્ડસ્ટ્રિયલ ઇક્વિપમેન્ટ વગેરેમાં પરોક્ષ અને પ્રત્યક્ષ રોજગારીની તક સર્જાશે.આ સ્કિમ હેઠળ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો લાભ લેવાને પાત્ર છે. રાજ્ય સરકાર સોલર પાર્ક ડેવલપરને નોટિફાઇ કરશે અને પ્રસ્તાવિત સોલર પાર્ક માટે જમીન પણ નક્કી કરશે. આ દરખાસ્ત રિન્યુએબલ એનર્જી મંત્રાલયને મોકલાશે જે પ્રતિ મેગાવોટ રૂ.૨૦ લાખ અથવા પ્રોજેક્ટ ખર્ચના ૩૦ ટકામાંથી જે ઓછા હોય તેટલી સહાય કરશે. અત્યાર સુધીમાં ૨૦,૦૦૦ મેગાવોટના ૩૪ સોલર પાર્ક મંજૂર થયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *