સુરતમાં જીએસટીના વિરોધમાં વેપારીઓની વિશાળ રેલી

g2

કાપડના વેપારીઓ પર ૫ ટકા જીએસટી લાગુ થતા છેલ્લા છ દિવસથી શહેરની માર્કેટોમાં તમામ દુકાનો બંધ રાખી અનિશ્ર્ચિત હડતાળમાં જોડાયા હતા. આજે વેપારીઓ દ્વારા જીએસટીના વિરોધમાં સાલાસર ગેટથી કિન્નરી સર્કલ સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી.
સુરત ટેક્સટાઈલ જીએસટી સંઘર્ષ સમિતિના કન્વીનર તારાચંદ કાસટ અને પૂર્વ ફોસ્ટા અધ્યક્ષ સરદાર અત્તર સિંઘના માર્ગદર્શન હેઠળ જીએસટીના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે. સોમવારે ૩ જુલાઈથી શહેરની ૧૬૫ ટેક્ષ્ટાઈલ માર્કેટોના નાના મોટા ૭૫ હજાર વેપારીઓ અનિશ્ર્ચિતકાળ માટે હડતાળ ઉપર ઉતર્યા છે. રિંગરોડ જે.જે. માર્કેટ સામે બ્રીજ નીચે ભજન કિર્તન દ્વારા સરકારને કાપડ વેપારીઓ પરથી જીએસટી નાબુદ કરવા માટેની સદ્બુદ્ધિ મળે તે માટે ધાર્મિક કાર્યક્રમો દ્વારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવતો હતો. આજે જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા મહારેલીનું આયોજન કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાના હતા. શહેર પોલીસ દ્વારા જીએસટી સંઘર્ષ સમિતિને મહારેલીની પરમીશન માત્ર રિંગરોડ સાલાસર ગેટથી કિન્નરી સર્કલ થઈ સહારા દરવાજા થઈને પાછા સાલાસર ગેટ સુધી બે થી ત્રણ કિલોમીટરની જ પરમીશન આપી હતી. કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે માત્ર સંઘર્ષ સમિતિના આગેવાનો જ જવાની પરવાનગી આપવામાં આવી હતી. જ્યારે ૧૧ વાગ્યાથી જ રિંગરોડ જે જે માર્કેટ ખાતે વેપારીઓ મોટી સંખ્યામાં મહારેલીમાં ભાગ લેવા માટે ભેગા થયા હતા. અરૂણ જેટલી હાય હાય, વેપારી એકતા ઝીંદાબાદના નારા સાથે બપોરે ૧૨ વાગે મહારેલી નીકળી હતી.
જીએસટી હટાઓ વેપાર બચાઓ, જીએસટી મુક્ત હો વેપાર હમારા. ના નારા અને પોસ્ટરો સાથે કપડા વેપારીઓની રિંગરોડ પર આજે વિશાળ મહારેલી નીકળી હતી. આ રેલી ઉપર પોલીસે ડ્રોન કેમેરાની મદદથી નજર રાખી હતી. હજારોની સંખ્યામાં વેપારીઓ રેલીમાં હાજર હોય અને ત્રણ દિવસ અગાઉ જ વેપારીઓ પર થયેલી લાઠીચાર્જના પગલે પોલીસ અગાઉથી જ સતર્ક થઈ હતી. મહારેલીના રૂટ પર રિંગરોડની બંને બાજુએ પોલીસે બ્લેક કમાંડોની ફોજ ખડકી દીધી હતી. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે રિંગરોડ પરથી આક્રોશિત વેપારીઓની મહારેલી નીકળી હતી. બપોર સુધી રિંગરોડ પર કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ વગર મહારેલી સંપન્ન થઈ હતી. વેપારીઓની મોટી સંખ્યામાં હાજરી એજ વેપારીઓની એકતા દેખાતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *