સુરતના મિલેનિયમ માર્કેટમાં વેપારીએ દુકાન ચાલુ કરવાની જીદ કરતા ભારે હોબાળો

l1

જીએસટીના વિરોધમાં આજે ૧૧માં દિવસે પણ સંઘર્ષ સમિતિ દ્વારા હડતાળનું આંદોલન યથાવત રાખ્યું છે. જીએસટી નાબુદ થવાનો નથી તે જાણીને હવે વેપારીઓ દુકાનો બંધ રાખવી કે ચાલુ રાખવી તે અંગે અવઢવમાં મુકાયા છે.
સુરત ટેક્સ્ટાઈલ જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા અનિશ્ર્ચિત કાળ માટે માર્કેટ બંધના અપાયેલા એલાનનો આજે ૧૧મો દિવસ છે. શહેરની ૧૬૫ માર્કેટોના ૭૫૦૦૦ નાના મોટા વેપારીઓ છેલ્લા દસ દિવસથી માર્કેટો બંધ રાખી જીએસટીનો વિરોધ કરતા હતા. દસ દિવસ દરમ્યાન સંઘર્ષ સમિતિના આગેવાનો દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતો પરથી હવે વેપારીઓ માની રહ્યા છે કે, સરકાર જીએસટી હટાવવા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જીએસટીના કાયદામાં સરળીકરણ માટે સરકારના પ્રતિનિધિઓ મધ્યસ્થી કરી રહ્યા છે. શહેરના વેપારીઓની ધીરજ હવે ખુટી રહી છે. સંઘર્ષ સમિતિના આસ્વાસનો સામે ધંધો ગુમાવવો વેપારીઓને નુકસાનકારક લાગી રહ્યું છે. હવે દુકાનો બંધ રાખીને સંઘર્ષ સમિતિને સમર્થન આપવું કે દુકાનો ચાલુ કરી સરકારને સમર્થન આપવું વેપારીઓ અવઢવમાં મુકાયા છે.
જીએસટીના વિરોધ માટે છેલ્લા દસ-દસ દિવસથી ધંધો રોજગાર ગુમાવ્યા બાદ પણ કોઈ સકારાત્મક પ્રતિક્રિયા સરકાર તરફથી ન મળતા વેપારીઓ હવે દુકાનો શરૂ કરવાના મુડમાં દેખાઈ રહ્યા છે.
આજે બપોરે ૧૨ વાગ્યાના સુમારે મિલેનિયમ માર્કેટમાં એક વેપારી દસ દિવસનો ધંધો ગુમાવી હતાશ અવસ્થામાં આવ્યો હતો. મંગેશ મોરા નામક વેપારીએ દુકાનો ચાલુ કરવાની જીદ કરી હતી. તેને દુકાન ખોલવા માટે અન્ય વેપારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જેથી ભારે હો હા મચી ગઈ હતી. વેપારીએ બુમાબુમ કરતા મોટી સંખ્યામાં વેપારીઓનું ટોળુ જમા થયું હતું. તે દરમ્યાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે માર્કેટ પરિસરમાંથી વેપારીઓને ખસેડવાની કામગીરી કરી હતી. સરદાર અત્તરસિંઘ મિલેનિયમ માર્કેટમાં આવીને મંગેશ મોરાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છતાં સમજ્યો ન હતો. છેલ્લે આ વેપારીઓનો આક્રોશ જોઈને પાછળના ગેટથી મંગેશને અન્ય લોકોએ ભગાડી દીધો હતો. મંગેશ મોરા જાપાન માર્કેટનો વેપારી હોવાનું જાણવા મળ્યું છે. તે સિવાયના અન્ય માર્કેટોના વેપારીઓ દુકાનો શરૂ કરવાના મુડમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *