સુરક્ષાના કારણોસર રાહુલનો રોડ શો રદ કરાયો આજથી રાહુલનો સૌરાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ

l3

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે તા.ર૫મી સપ્ટેમ્બરથી તેમના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવાસની યાત્રાએ નીકળશે. તા.ર૫થી તા.ર૭ સપ્ટેમ્બર સુધીની ત્રણ દિવસની યાત્રાનો  રાહુલ ગાંધી દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી પ્રારંભ કરશે. રાહુલ ગાંધીનું ખુલ્લી જીપમાં રોડ શોનું આયોજન રાખવાની ઇચ્છા હતી પરંતુ સુરક્ષાના કારણોસર રાહુલ ગાંધીનો રોડ શો રદ કરવામાં આવ્યો હતો.

બીજીબાજુ, રાહુલ ગાંધી માટે ખાસ તૈયાર કરાયેલી હાઇફાઇ અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ લક્ઝરી બસનો પણ ઉપયોગ થાય તેવી શકયતા છે.   તા.ર૫મી સપ્ટેમ્બરે રાહુલ ગાંધી તેમની ચૂંટણી પ્રવાસની યાત્રાનો દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી પ્રારંભ કરશે. જયાં કલ્યાણપુર, ભાટિયા અને ખંભાળિયામાં લોકોને મળશે. ત્યારબાદ જામનગર પહોંચશે, જયાં વિશાળ રો-શોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ચાંદીબજારમાં રાહુલ ગાંધી સ્થાનિક વેપારીઓ અને સમાજના અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરશે. તા.ર૫મીએ જામનગરમાં રાત્રિરોકાણ કર્યા બાદ તા.ર૬મીએ ધ્રોલ, લતીપુર થઇ તેઓ મોરબીના ટંકારા પહોંચશે. ટંકારામાં રાહુલ ગાંધી સ્થાનિક ખેડૂતોને સંબોધન કરશે. ત્યાંથી તેઓ સીધા રાજકોટ આવશે અને ત્યાં અલગ-અલગ વિસ્તારોમાં ફરશે. તા.ર૭મીએ તેઓ બામણબોર થઇ ચોટીલા જશે અને ત્યારબાદ જસદણ, આટકોટ થઇને વિરપુર જલારામ મંદિરે દર્શન કરી ત્યાંથી ખોડલધામ મંદિરે દર્શન કરી જેતપુરમાં જાહેરસભા સંબોધશે. દ્વારકાથી તેઓ જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ થઇ અમદાવાદમાં પ્રવાસની પૂર્ણાહુતિ કરશે. આ સમગ્ર ચૂંટણી પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધી ભાજપ સરકારની નિષ્ફળતાઓ, નોટબંધી, જીએસટી સહિતના મુદ્દાઓને પ્રજા સમક્ષ ઉજાગર કરશે અને કોંગ્રેસની  સત્તા આવશે તો પ્રજાલક્ષી ખાસ કરીને ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને નાના તેમ જ લઘુઉદ્યોગને લગતી પ્રોત્સાહક નીતિઓ અમલમાં લાવશે તેની પ્રજાને હૈયાધારણ આપશે.

રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસ દરમ્યાન ખાસ પ્રકારે તૈયાર કરાયેલી આ હાઇફાઇ લક્ઝરી બસમાં સુરક્ષાને લઇને પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. હાઇફાઇ લક્ઝરી બસની ફરતે ચારેબાજુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે કે જેથી બસની આસપાસ કે ફરતે થઇ રહેલી કોઇપણ શંકાસ્પદ ગતિવિધિ કે હિલચાલ પર નજર રાખી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *