સાક્ષીઓના નિવેદન ઉર્દૂ, સંસ્કૃત, અરબી ભાષામાં અયોધ્યાના મામલે પાંચમી ડિસેમ્બરે સુનાવણી:સુપ્રીમ

aa

અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ ટાઇટલ વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ મામલા સાથે જોડાયેલા કાગળો અને દસ્તાવેજોના અનુવાદ માટે ત્રણ મહિનાનો સમય  આપ્યો છે. સુનાવણી દરમિયાન સુન્ની વક્ફ બોર્ડે કહ્યું હતું કે, મૂળ ઐતિહાસિક દસ્તાવેજ સંસ્કૃત, ઉર્દૂ, પારસી અને અરબી ભાષામાં છે. આનુ અનુવાદનું કામ હજુ પૂર્ણ થયું નથી. ત્યારબાદ કોર્ટે આના માટે વધુ ત્રણ મહિનાની મહેતલ આપી હતી. મામલાની આગામી સુનાવણી હવે પાંચમી ડિસેમ્બરના દિવસે હાથ ધરવામાં આવશે. ત્રણ જજની સ્પેશિયલ બેંચે આ મામલાની સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટમાં સાત વર્ષ બાદ  અયોધ્યા મામલાની સુનાવણી થઇ હતી. કોર્ટે કહ્યું હતું કે, સાત ભાષાવાળા દસ્તાવેજોની સૌથી પહેલા અનુવાદ કરવામાં આવે તે જરૂરી છે. કોર્ટને એમ પણ કહેેવામાં આવ્યું હતું કે, તે આ મામલામાં આગળ કોઇ તારીખ આપશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ મામલા સાથે જોડાયેલા નવ હજાર પેજના દસ્તાવેજ અને ૯૦ હજાર પાનામાં દાખલ કરવામાં આવેલા સાક્ષીઓના નિવેદન પારસી, સંસ્કૃત, અરબી સહિતની ભાષાઓમાં છે જેના ઉપર સુન્ની વક્ફ બોર્ડે આ દસ્તાવેજના અનુવાદની માંગ કરી હતી. અયોધ્યા મામલામાં ટાઇટલ વિવાદને લઇને સુપ્રીમ કોર્ટમાં તમામ પક્ષકારો તરફથી સુપ્રીમ કોર્ટમાં ખાસ અનુમતિ અરજી દાખલ કરવામાં આવી હતી. અયોધ્યાના વિવાદાસ્પદ માળખાને લઇને હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં તમામ પક્ષો તરફથી ખાસ અનુમતિ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજી સુપ્રીમ કોર્ટમાં છ વર્ષથી પેન્ડિંગ રહેલી છે. ગયા વર્ષે ર૬મી ફેબ્રુઆરીના દિવસે સ્વામીને આ મામલામાં પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. સ્વામીએ રામ મંદિર નિર્માણ માટે એક અરજી દાખલ કરી હતી. સ્વામીએ દાવો કર્યો હતો કે, ઇસ્લામિક દેશોમાં કોઇ જાહેર સ્થળથી મસ્જિદને દૂર કરવાની જોગવાઈ રહેલી છે. તેનું નિર્માણ કોઇપણ જગ્યાએ કરવામાં આવી શકે છે. મામલામાં મુખ્ય પક્ષકાર હિન્દૃુ મહાસભા, સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ છે. રામ મંદિર માટે થનાર આંદોલન દરમિયાન ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૯રના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ પણ ચાલ્યો હતો. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહેલો છે. અલ્હાબાદ હાઈકોર્ટે ૩૦મી સપ્ટેમ્બર ર૦૧૦ના દિવસે અયોધ્યા ટાઇટલ વિવાદમાં ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે, વિવાદાસ્પદ જમીનને ત્રણ હિસ્સામાં વિભાજિત કરી દેવામાં આવે અને આખરે આ મામલાનો નિકાલ કરવામાં આવે. જે જગ્યાએ રામલલ્લાની મુર્તિ છે તેને રામલલ્લા સ્થાપનને આપી દેવામાં આવે જ્યારે સીતા રસોડા અને રામ સંકુલને નિર્મોહી અખાડાને સોંપી દેવામાં આવે. અન્ય હિસ્સાને સુન્ની વક્ફ બોર્ડને આપવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. અયોધ્યાના વિવાદાસ્પદ જમીન માળખા પર રામલલ્લા અને હિન્દૃુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. બીજી બાજુ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે પણ હાઈકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમમાં અપીલ દાખલ કરી હતી. ત્યારબાદ અન્યો તરફથી પણ અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ૯મી મે ર૦૧૧ના દિવસે આ સમગ્ર મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર પ્રતિબંધ મુકીને મામલાની સુનાવણીની વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદથી આ મામલો પેન્ડિંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *