સહારા-બિરલા ડાયરી કેસમાં મોદી સામે તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવાઈ

narendra-modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે મોટી રાહત મળી ગઈ હતી. કારણ કે સુપ્રિમ કોર્ટે સહારા-બિરલા ડાયરીમાં તપાસ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રિમ કોર્ટે સાફ શબ્દૃોમાં કહ્યું હતું કે આમાં કોઈપણ પ્રકારના પુરાવા નથી. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ હાલમાં જ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે નરેન્દ્ર મોદી હતા ત્યારે મોટા કર્પોરેટ હાઉસ તરફથી જંગી કટકી મેળવવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા રજુ કરવામાં આવેલા દસ્તાવેજોમાં કોઈ વિશ્વસનિયતા નથી. વડાપ્રધાન અને અન્યો સામે તપાસ કરી શકાય તેવા કોઈ પુરાવા મળી રહૃાા નથી. કોર્ટે કહ્યું  હતું કે ભૂષણની અરજી મેરીટ ઉપર ટકે તેવી નથી. કાયદાની પ્રક્રિયામાં દુરૂપયોગ કરવામાં આવી શકે છે. પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આ નિર્ણય દેશના નાગરિકો માટે એક ફટકા સમાન છે. સુપ્રિમ કોર્ટની પ્રતિષ્ઠાને લઈને પણ આના લીધે પ્રશ્ર્નો ઉભા થશે.  રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલે આ દસ્તાવેજોને ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચારના સીધા આક્ષેપો કર્યા હતા. નવેમ્બર મહિનામાં પણ સુપ્રિમ કોર્ટે આ કેસમાં તપાસ કરવાના આદેશની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સાથે સાથે ભૂષણ દ્વારા રજુ કરવામાં આવેલા દસ્તાવેજોને પ્રમાણિક ગણાવ્યા ન હતા. આ તમામ દસ્તાવેજોને કાલ્પનિક રીતે ગણવામાં આવ્યા હતા. ગયા સપ્તાહમાં ભૂષણે ઈન્કમટેક્સ સાથે સંબંધિત રિપોર્ટ રજુ કર્યા હતા. પોતાના આક્ષેપો ટકી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. તપાસ કરવા માટે કોર્ટ આદેશ કરી શકે તે હેતુસર આ દસ્તાવેજો રજુ કરવામાં આવ્યા હતા પરંતુ સુપ્રિમ કોર્ટે આજે આ દસ્તાવેજોને ફગાવી દીધા હતા. કોર્ટે કહ્યું હતું કે આ અરજી મેરીટને લાયક નથી. ભૂષણ દ્વારા રજુ કરવામાં આવેલા દસ્તાવેજો અપૂરતા છે. સુપ્રિમ કોર્ટે આ દસ્તાવેજોને શૂન્ય તરીકે ગણાવીને અરજી કરનાર સંગઠનને નક્કર પુરાવા રજુ કરવા માટે કહ્યું હતું. અરજી કરનાર સંગઠન સીપીઆઈએલ દ્વારા સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહેવામાં આવ્યું હતું કે આવકવેરા વિભાગની અપ્રેઝલ રિપોર્ટમાં ડાયરી અને ઈમેઈલ સ્પષ્ટપણે ઈશારો કરે છે કે રાજકીય નેતાઓને લાંચની ચૂકવણી કરવામાં આવી હતી. જેથી સુપ્રિમ કોર્ટે આ મામલામાં તપાસના આદેશ કરવા જોઈએ. એફિડેવિટમાં આ બાબતનો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ ખૂબ જ આશ્ર્ચર્યજનક ઘટના છે. જેમાં નક્કર પુરાવા રજુ કરવામાં આવ્યા હોવા છતાં તપાસનો આદેશ થઈ રહૃાા નથી. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે આ મામલામાં જો તપાસના આદેશ થતા નથી તો સુપ્રિમ કોર્ટ દ્વારા કોઈપણ મામલામાં તપાસના આદેશ કરવાની બાબત ન્યાય સંગત દેખાતી નથી. એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે બિરલા જૂથ ઉપર સીબીઆઈના દરોડા દરમિયાન તથા સહારા ગ્રુપની કંપનીઓ પર આવકવેરાના દરોડા દરમિયાન બિનહિસાબી રકમ, ડાયરી, નોટબુક, ઈમેલ સહિત શ્રેણીબદ્ધ દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજોથી સ્પષ્ટ છે કે આ કંપનીઓ દ્વારા રાજનેતાઓને લાંચની ચૂકવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *