સંસ્કૃતિ, સભ્યતા અને ટ્રેડીશનની વચ્ચે ઝૂમતો નોરતાનો ટ્રેન્ડ ગાય તેનો ગરબો ને ઝીલે તેનો ગરબો, ગરબો તો ગુજરાતની ગરવી મિરાત છે

a1

બસ આ શબ્દ કાને પડતા જ હૈયું થડકો લેવાનું ભૂલી જાય, તનમાં તરવરાટ ઉપડી જાય અને એક ગુજરાતીના શરીરમાં ધસમસતું રુધિર પણ ઠેસ લેવા લાગે તેનું નામ ગરબા. લગ્ન હોય, સગાઇ હોય, બર્થ ડે હોય કે પછી હોય કોઈ પણ ઓકેશન પણ તારક મહેતાના દયાકાકીના હોઠે એ હાલો…. આવી જાયને સાહેબ, તે ગુજરાતી ગરબા. ગરબા તો ગુજરાતની ગરવી મિરાત છે. સ્થૂળ કાળનું પણ ભાન ભુલાવી દે તેવા આ ગરબાના તાનમાં ને મસ્ત મિજાજી ઉલ્લાસમાં ઝુમતું પર્વ એટલે નવરાત્રિ.
નવરાત્રિ તો ગુજરાતની ઓળખ છે. ધ લોંગેસ્ટ ફેસ્ટીવલ ઓફ ધ વર્લ્ડની ટેગલાઈન ધરાવતા આ પર્વ સાથે દરેક ગુજરાતી અલૌકિક રીતે જોડાયેલો છે. ગરબે ન રમનારના પગ પણ ગરબાની ધૂન સાંભળીને થીરકવા લાગે છે. નવરાત્રિ એટલે જોમ, જુસ્સો અને હિલોળા લેતા યૌવનના તરવરાટનો સમંદર. ભરાવદાર બાંધાને ઓપતું ઘેરવાળું કેડિયું, સાડાત્રણ પાટાનું ચૂડીદાર ચોરણીયું, માથે પાધડી ને ભરાવદાર મૂંછો ધરાવતા નારની સામે હિંચ લેતી નારીની પચરંગી ચુંદડી, ચણીયાચોળી, ને ભરચક ઘેરવાળો આભલા જડિત ઘાઘરો તેમજ ઝાંઝરના ઝનકારને સંભાળીને તો ધરણી પણ નૃત્ય કરવા લાગે, તેવા ગુજરાતના ગરબાની તો વાત જ અલગ છે. પરપ્રાંતિ કે વિદેશી પ્રજા જયારે ગુજરાતની આ ગરવી મિરાતને નિહાળે છે ત્યારે એક પ્રશ્ર્નનો જવાબ મળતો નથી કે આટલા બધા લોકોના સ્ટેપ્સ એક સાથે કેવી રીતે પડે છે? કોણ પૂરે છે આટલું જોમ? કોણ આપે છે આટલી શક્તિ? પણ સાહેબ આ તો આદ્યશક્તિ માં અંબાની કૃપા છે. જે સ્વયં શક્તિ છે, જેના મંડપમાં પગ મુકતા જ શરીરે શક્તિનો સંચાર તો આપમેળે જ થઇ આવે છે.
અને ગુજરાતીને ગળથૂથીમાં મળતા ગરબાનો આભાસ તો ગરબા ગ્રાઉન્ડમાં વડિલોના પગલે પગલાં માંડતા અને ટોળાની તાલીએ તાલી મિલાવતા ટાબરિયાઓને જોઈને જ થઈ આવે છે. દિનપ્રતિદિન ગરબાની લોકપ્રિયતા વધતી જાય છે. ત્યારે એટલું જરૂર કહી શકાય કે ગાંધીજી પછી ગુજરાતનું વિશ્ર્વફલક પર થયેલ જો કોઈ મોટું એક્ષપોર્ટ હોય તો તે ગરબા છે. જે ગુજરાતી તહેવાર ભલે કેહેવાતો હોય પણ લગભગ વિશ્ર્વના દરેક દેશના દરેક રાજ્યમાં ગુજરાતી ગરબા રમાય છે. ગરબા એક એવું ફ્યુઝન છે જેને જે પાત્રમાં ઢાળવામાં આવે તેમાં તે ઢળીને પોતાનું અદકેરું સ્વરૂપ જન્માવે છે.
જેનો ઠુમકો રાજસ્થાની ઘૂમરમાં પણ જોવા મળે છે, અને મરાઠી લોકગીતોમાં પણ, અને આ તમામ ખેલંદાઓના રાસને જીવતા રાખવામા ગરબા ગાયકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. ભલે આજના ગરબામાં આધુનિક ટચ જોવા મળતો હોય પણ ગરબાએ પોતાનું મૂળ સ્વરૂપ નથી જ ગુમાવ્યું.
અમર સદા અવિનાશ
ગુર્જર સાહિત્યનુ ગૌરવ અને જેમના વિના ગરબો કદાચ તાલ, હીંચ, કે ઠેસ લેવાનું ભૂલી જાય તેવા સંગીતકાર સ્વ.અવિનાશ વ્યાસે ગરબાને જીવાડીને અંજણપાણી છાંટયા છે. જેને નવા ગરબા લખીને તેને સ્વરબધ્ધ પણ કર્યા, જે આજે પણ ગવાય છે. જો કે એ વાત છે કે અવિનાશભાઇના ગરબામાં ભક્તિ તત્વ વધારે પ્રમાણમાં હોય છે, જે માત્ર ધાર્મિક પરંપરા પૂરતા જ હોય છે. પરંતુ અવિનાશભાઈએ ગરબાને દરેક ગુજરાતીને માથે ઘૂમતો કરીને પ્રજાજીવનનું અભિન્ન અંગ બનાવ્યું છે. જેમણે ધાર્મિક પરંપરા ઉપરાંત લોકજીવન, નારી સંવેદના, સ્ત્રી પુરુષના સંબંધોની નજાકત વર્ણવતા ગરબાનું નિર્માણ પણ કર્યું છે. જેના લીધે લોકોમાં ગરબા પ્રત્યેનો રસ વધ્યો અને ગરબા કે નવરાત્રિ માત્ર એક ધાર્મિક તહેવાર જ ના રહેતા લોકજીવનનો ઉત્સવ બન્યો છે.
અવિનાશભાઈએ વર્ષો પહેલા રચેલા ગરબા આજે પણ એટલા જ પોપ્યુલર છે. અવિનાશભાઈના સ્વરસાદ વગર તો નવરાત્રિ નામે દરિયામાં માત્ર ઓટ જ વર્તાય તેવું છે. જેમકે હે… રંગલો જામ્યો કાલિંન્દીને ઘાટ, છેલા જી રે…., તારી બાકી રે પઘલાડીનું…, જેવા ગરબા ગુજરાતમાં જ નહીં સાહેબ વિશ્ર્વના જે ખૂણામાં ગરબા લેવાતા હશે ત્યાં ફરી એકવાર આ ગરબા થકી અવિનાશભાઈ જીવંત થતાં હશે. પરંતુ અવિનાશભાઈના ગયા પછી ગરબાની શેરી સાંકળી થતી ગઈ છે. એવું નથી કે અવિનાશભાઈના ગયા પછી ગરબાનું સર્જન જ નથી થયું, ઘણા બધા સંગીતકારોએ ખૂબ સરસ ગરબા આપ્યા છે. પરંતુ આ રચનાની સંખ્યા ખૂબ જ નહિવત પ્રમાણમાં રહી છે.
આપણાં ગુજરાતનાં ફાલ્ગુની પાઠક, ઐશ્વર્યા મજમુદાર જેવા ઘણા બધા યુવા કલાકારોએ ગરબાને યૌવન તો બક્ષ્યું જ છે, પણ તેમણે અવિનાશભાઈ કે બે ચાર કલાકારોની બાઉન્ડરીને ઓળંગીને વિસ્તરવાનો પ્રયાસ જ નથી કર્યો, ફાલ્ગુની કે પછી બીજા કોઈ પણ કલાકાર પોતાના બચાવમાં એવું કહી શકે છે કે પોતે સંગીતકાર કે લેખક નથી, પણ તેમણે કોઈ સંગીતકાર કે કમ્પોઝર સાથે મળીને તેવા ખાસ્સા પ્રયાસ પણ નથી કર્યા. આ કોઈ વ્યક્તિ વિશેષને માટે નહીં પણ અન્ય કલાકારોને પણ લાગુ પડે છે. જોઈએ તેટલી નવી કૃતિ ના મળવા છતાં ગરબાએ સમય સાથે બદલાવ કેળવ્યો છે. અને આજે જયારે ગુજરાતી ગરબા વિશ્ર્વભરમાં ગુંજવા લાગ્યા છે ત્યારે અવિનાશભાઈના જ જૂના ગરબાએ નવોન્મેષ ધારણ કર્યો છે. જેમાં લય અને તાલે જુવાનીયાઓના જોમ અને જુસ્સાની સાથે સહેજ સ્પીડ પકડી છે. અને તે સાથે જ ગરબાએ એક નવી ઓળખ પણ મેળવી છે. અત્યારનો યુવા વર્ગ જે ડિસ્કો અને ડીજેની રીધમ પર ગરબા રમે છે તેને કદાચ ખબર નહિ હોય કે તેના પ્રણેતા મુંબઈના બાબલા શાહ છે. પ્રખ્યાત સંગીતકાર એવા કલ્યાણજી-આણંદજીના ભાઈ બાબલા શાહે ગુજરાતી ગરબાને નવી ઓળખ પ્રદાન કરી છે. જેમણે ગરબાને શીમ સેવાળેથી તાણીને વિશ્ર્વફલક પર રમતો કર્યો છે. મૂળ કચ્છના રહેવાસી બાબલા શાહને નાનપણથી જ ગરબા પ્રત્યે અનહદ પ્રેમ રહ્યો છે.
અવિનાશભાઈ પછી તેનાથી જરા હટકે ને ગરબાને વિશ્વભરમાં ઘૂમતો કરવાનું અમોલખ કાર્ય બાબલાએ કર્યું છે. બાબલાભાઈ ઉચ્ચકોટીના પર્કશન આર્ટીસ્ટ છે. જે સંગીતમાં હંમેશા નવા નવા પ્રયોગ કરતા, એકવાર તેમને આ નવીનતાનો લેપ ગુજરાતી ગરબાને ચોપડવાનું મન થયું. જેમને જુના ગરબાના જુના તાલ સાથે રોટોડ્રમ, મશીનડ્રમ, ઓક્ટોપેડ, ગીતાર, અને વાયોલીન જેવા વાદ્યોનો સુમેળ સાધ્યો અને દાંડિયાની સાથે ડિસ્કોનું ફ્યુઝન ઉમેર્યું. અને સન ૧૯૮૧-૮૨માં બાબલા શાહે સૌ પ્રથમ વાર લોકો સમક્ષ ડિસ્કો દાંડિયા નામે આલ્બમ રજૂ કર્યું, અને એ સાથે જ ગરબાના નોનસ્ટોપ આલ્બમના શ્રી ગણેશ થયા. ફિલ્મી ગીતો અને ગરબાના તાલના ફ્યુઝન પાછળ લોકોમાં એવી તે ચાહ જાગી કે બાબલા શાહના ગરબા વિના તો નવરાત્રિ જ સુની લાગવા લાગી. દેશ-વિદેશ અત્ર-તત્ર, સર્વત્ર દરેક જગ્યાએ ગરબાના ચાહક વર્ગના સ્પીકરમાં બાબલા શાહ જ ધબુકવા લાગ્યા.અને પછી તો અલગ અલગ મ્યુઝિકલ ગૃપ અને કલાકારોએ જાણે બાબલા શાહને જ હૃદયમાં પ્રસ્થાપિત કરી દીધા હોય તેમ એક પછી એક આલ્બમ આપવા માંડ્યા.
રમઝટના પ્રણેતા બાબલા શાહ
બાબલા શાહે તો નવરાત્રિની પ્રથા જ બદલી નાખી. પહેલા તો ગરબા સૌરાષ્ટ્રના ગામડા ગામના પાદરમાં કે શહેરોની સોસાયટીમાં રમાતા, જેમાં પોતાની જ પોળની મહિલાઓ ગીતો ગાતી અને પુરૂષો ઢોલ, મંજીરા, ત્રાંસા, જેવા વાદ્યો વગાડીને જલસો કરતા. ધીમે ધીમે લોકો પ્રોફેશનલ ગાયકો બોલાવતા થયા, જેમાં ગાયક-ગાયિકા ગાતા જાય અને લોકો રાસ રમતા જાય, જેમાં અવાજ, વાદ્યો અને જોશ પણ કદાચ માર્યાદિત જ રહેતો. આ તમામ જુનવાણી ઢબને પડખે મુકી બાબલા શાહે ૧૯૮૧-૮૨માં સર્વ પ્રથમ વાર મુંબઈના ઉપનગર બાંદરાના ડ્રાઈવન થિયેટર પાસેના મેદાનમાં પ્રથમ લાઇવ પ્રોગ્રામ કર્યો. જેમાં કલાકારો અને અદભૂત વાદ્યો મનમૂકીને વરસ્યા અને પછી તો તમારી ને મારી નવરાત્રિ રમઝટમાં ફરી વળી. તમામ લોકો ઠેર ઠેર ગ્રાઉન્ડમાં ઉભી કરાયેલ રમઝટમાં લાઇવ નોરતા રમવા જવા લાગ્યા. બાબલાએ પરંપરાગત અને વેસ્ટર્ન વાદ્યો સાથે જુનવાણી ગરબાને નવો ઓપ આપ્યો છે, ત્યારે એક પ્રશ્ર્ન સહજ રીતે થઇ આવે કે આમાં પરંપરાગત ગરબાનું ફોર્મ ક્યાં જળવાય રહ્યું? પરંતુ મિત્રો, બાબલાએ તો કોરા ઠાઠ કપડાની ઉપર જીણેરા મોર ચિતરયા છે., સહેજ આભલા ટાંકીને ચળકાટ આપ્યો છે. આજે લોકો જે ડિસ્કોની રીધમ પર રમતા થયા છે તે તાલ તો અવિનાશભાઈ અને ભાણદાસજીના ગરબાનો જ છે. આ જ તો ગરબાની ખાસિયત છે. રમઝટના પ્રણેતા બાબલાએ પણ રીધમ તો મૂળ ગરબાની જ રાખી છે. જેમાં મથુરામાં વાગી મોરલીને ગોકુળમાં કેમ રેવાય…ના તાલ પર ટીંટોળો લેવાય છે તો ઇંધણા વીણવા ગઈતી મોરી સૈયર….ના બીટ્સ પર દોઢીયો, ત્યારે ટૂંકમાં કહેવું એટલું જ રહ્યું કે ગરબા નથી બદલાયા બસ તેનો વેશ બદલાયો છે.
આ તો થઇ ગરબાના બદલાયેલા ટ્રેન્ડની હકારાત્મક વાતો,પણ તેનાથી નીપજેલ નકારાત્મક વાતો સામે પણ આંખ આડા કાન તો ના જ કરી શકાય. શહેરોમાં આજે જ્યાં જોઈએ ત્યાં રમઝટ અને દાંડિયા નાઈટના પોસ્ટરો જોવા મળે છે. અને એમાય મોટા નગરોની રમઝટુમાં તો ખેલૈયાઓને આકર્ષિત કરતી સેલીબ્રીટીનું આગમન, મોંઘી દાટ ટીકીટો, તમતમતા ખાણા પીણા અને મોડી રાત્રી સુધી સ્કૂટર પર થતા ટેસડા જ આજે નવરાત્રિનું બીજું નામ બની ગયા છે. ત્યારે આજથી થોડા વર્ષો પહેલા ગામના પાદરે આજુબાજુના પાંચ ગામ ભેળા થઈને જે ગરબી લેતા તે સમાજનું એક અભિન્ન અંગ બની રહેતી. જેના એક જ ઓટલે પાંચેય ગામ સમાય જતા, જયારે આજે એક જ રમઝટમાં અલગ અલગ પચાસ ટોળકી જોવા મળે છે. ગરબાની સાર્થકતા તો એકમેકની આત્મિયતામાં છે, અને આજે તો તહેવાર જ માણસથી દૂર થતો જાય છે ને તેથી જ દોસ્તો માનવ અને તહેવાર તેમજ મનુષ્ય મનુષ્ય વચ્ચે જયારે આત્મિયતા કેળવાશે ત્યારે જ ખરા અર્થમાં નવરાત્રિ ઉજવાઈ કહેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *