શંકરસિંહ વાઘેલાના રાજીનામા અંગે સસ્પેન્સ રાજ્યસભામાં ક્રોસ વોટીંગ કરનારા કોંગ્રેસના સાત ધારાસભ્યોના વિધાનસભામાંથી રાજીનામા

ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કરનારા અને શંકરસિંહ વાઘેલાના જૂથના સાત ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાના નિવાસસ્થાને મોડી રાત્રે જઈને રાજીનામા ધરી દીધા હતાં.
મહેન્દ્રસિંહ વાઘેલા, અમીત ચૌધરી, કરમશી પટેલ, ભોળાભાઈ ગોહિલ, રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સી.કે. રાઉલજીએ તેમના વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય તરીકે રાજીનામા આપી દીધાી હતાં.જો કે, શંકરસિંહ વાઘેલાના રાજીનામા અંગે હજુ સસ્પેન્સ રહ્યું હતું.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ આજે જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાત ધારાસભ્યોએ ગઈકાલે ત.૧૦ને ગુરૂવારના રોજ રાત્રે ૯-૩૦ કલાકે મારા નિવાસ્થાને આવીને પોતાના વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય તરીકે કોઈપણ દબાણ કે ધાકધમકી વિના પોતાની રાજીખુશીથી મને સ્વૈચ્છીક રીતે રાજીનામું આપ્યું છે.
આ સાત ધારાસભ્યએામાં અમીતભાઈ એચ. ચૌધરી, (માણસા વિધાનસભા, જિ. ગાંધીનગર), સી.કે. રાઉલજી (ગોધરા વિધાનસભા, જિ. પંચમહાલ), રાઘજી પટેલ, (જામનગર ગ્રામ્ય વિધાનસભા, જિ. જામનગર), ભોળાભાઈ બી. ગોહિલ (જસદણ વિધાનસભા, જિ. રાજકોટ), કરમશીભાઈ વી. પટેલ, (સાણંદ વિધાનસભા, જિ. અમદાવાદ), ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (જામનગર ઉત્તર વિધાનસભા, જિ. જામનગર), મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા (બાયડ વિધાનસભા, જિ. અરવલ્લી)નો સમાવેશ થાય છે.
અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ ધારાસભ્યોને મેં ફરજના ભાગરૂપે પૂછયું હતું કે, આપ કોઈ દબાણવશ કે ધામધમકીથી, લોભ-લાલચથી કે અધિકારી/ પદાધિકારીના કહેવાથી રાજીનામું આપી રહ્યાં છો કે, તમારી જાતે, રાજીખુશીથી રાજીનામું આપો છો? તેના પ્રત્યુત્તરમાં બધા ધારાસભ્યોએ એક સાથે જણાવ્યું હતું કે, તેઓ પોતાની રાજીખુશીથી રાજીનામું આપ્યું છે. જેથી, કોંગ્રેસના સાત ધારાસભ્યોના રાજીનામાંનો મેં સ્વીકાર કર્યો છે. આ અંગે નિયમોનુસાર થતી ઘટતી કાર્યવાહી પણ કરવામાં આવશે, તેમ પણ અધ્યક્ષે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *