વેજલપુરના યુવાને નોટો મંગાવી હતી: નોટો હાથમાં આવતા ફરાર થઈ જવાનો હતો રદ કરાયેલી ૨.૫૭ કરોડની નોટો સાથે ૧૧ પકડાયા

l1

શહેરના વસ્ત્રાપુર વિસ્તાર તેમજ થલતેજ વિસ્તારમાંથી પોલીસે ચાર કારમાંથી રદ થયેલી રૂા.૨.૫૭ કરોડની ચલણી નોટો સાથે ૧૧ જણાંને પકડી પાડ્યા હતાં.
જાણવા મળતી માહિતી અનુસાર બાતમીના આધારે શહેરના થલતેજ સ્મશાનગૃહ નજીકથી વસ્ત્રાપુર પોલીસે સ્વીફટ, એસજીવી અને અલ્ટો કારને આંતરી હતી.
પોલીસે તેમાં તલાશી લેતા તેમાં રહેલા થેલાઓમાંથી રૂા.૧ હજાર અને રૂા.૫૦૦ના દરની રદ થયેલી નોટોનો જથ્થો મળી આવ્યો હતો.
કારમાં બેઠેલા રૂપેશ પી. શાહ (રે. બોધી એપાર્ટમેન્ટ, વેજલપુર), હસમુખભાઈ પટેલ (રહે. વૈકુંઠ-૧, વાઘોડિયા રોડ, વડોદરા), બળદેવભાઈ પટેલ (રહે. રામબાગ સોસાયટી હિંમતનગર), મોઈનુદ્દીન ફારૂકી (રહે. પાડા પોળ, પાટણ), સંજય પટેલ (રહે. લાડોલ, વિજાપુર), વિરાજ ખટીક (રહે. આશાપુરીનગર, વડોદરા) અને અશોક રામજીભાઈ પટેલ (રહે. વૈકુંઠ-૧, વાઘોડિયા રોડ, વડોદરા)ની આ નોટો બાબતે પૂછપરછ કરતાં તેઓ ૧૫ ટકા કમિશનની લાલચથી આ રૂા.૨.૩૭ કરોડની નોટો બદલવા આવ્યા હતાં. તે જ સમયે બાતમીના આધારે વસ્ત્રાપુર સરકારી વસાહત રોડ ઉપરથી પસાર થતી અલ્ટોકારને આંતરી તેમાંથી રૂા.૨૦ લાખની રદ થયેલી રૂા.૫૦૦ અને રૂા.૧૦૦૦ની નોટો કબજે કરી હતી.
ખેડબ્રહ્માના કુલદીપસિંહ ચૌહાણ, ખેડબ્રહ્માના દેવીનગર ખાતે રહેતા નિકુલ સોની, ગઢડા, શામળાજીના નટવરસિંહ ચૌહાણ અને ખેડબ્રહ્માના સરકારી વસાહતમાં રહેતા કિશોર ગામેતીને પોલીસે ઝડપી પૂછપરછ કરતાં આ નોટો અન્ય વ્યકિતઓની હોવાનું તેમજ કમીશનની લાલચથી નોટો બદલવાના હોવાનું જણાવ્યું હતું.
પોલીસે રૂા.૨.૫૭ કરોડની રદ થયેલી ચલણી નોટો અને ૪ કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વસ્ત્રાપુર પી.આઈ. ઘરસાંડિયાના જણાવ્યા મુજબ વેજલપુરના બોધી એપાર્ટમેન્ટમાં રહેતા રૂપેશ આ નોટો મંગાવી હતી અને તે નોટો લઈને ફરાર થઈ જવાનું હોવાનું ખુલ્યું હતું. પકડાયેલી ચલણી નોટો જુદી જુદી વ્યકિતઓની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *