વીવીઆઈપીઓનાં ભ્રષ્ટાચાર:દેશમાં સામાન્ય નાગરિક હોવું એ ‘કાનૂની’ જફા છે!

2

આજ કાલ ‘છાપે’ ચડેલા પી. ચિદમ્બરમ કે લાલૂ યાદવ તેના કર્યા ભોગવી રહ્યા હોઈ, તેની ચિંતા કે ચર્ચા કરવાની જરૂર નથી પણ ભ્રષ્ટાચાર કરે કોક અને તેના માઠા પરિણામ ભોગવે દેશ એ સ્થિતિ સમજવી જરૂરી છે. પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કીર્તિ ચિદમ્બરમનાં વિશ્ર્વના ૧૪ દેશોમાં મળી ૨૧ બેન્ક એકાઉન્ટસમાં રોકડ તેમજ આલિશાન મહેલો જેવા આવાસો સહિત પાંચ લાખ કરોડ (રિપીટ, પાંચ લાખ કરોડ)ની બેનામી સંપતિ હોવાનો ખુલાસો ભાજપ સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો છે. બીજી બાજુ લાલૂ યાદવ ૧૦૦૦ કરોડના કૌભાંડમાં સીબીઆઈના રડારમાં છે. બેઉને ત્યાં દરોડા પડ્યા, તપાસનો ધમધમાટ ચાલે છે, બેઉની ગમ્મે ત્યારે ધરપકડ સંભવ છે છતાં એકપણનું રૂવાડૂંય ફરકતું નથી. ઊલ્ટાના મોદી સરકાર પર માછલાં ધોતાં ફરે છે અને ધમકી આપી રહ્યા છે કે અમો ડરી જનારા નથી! ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવો અને ઉપરથી ખુલ્લેઆમ ધમકીઓ દેવી એ દર્શાવે છે કે રાજકારણ એ કોલસાની એવી દલાલી છે જેમાં સૌનાં હાથ કાળા છે. એટલે કોઈ રાજનેતા કાયદા-બાયદાના બાપથી ફાટી પડતો નથી. આજે આવા ખંધા રાજકારણીઓ અને તેની ‘માયા’જાળ વિશે જાણવું પ્રાસંગિક છે. ભ્રષ્ટાચાર, રાજકારણીઓ માટે જાણે શિષ્ટાચાર બની ગયો છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ બે-ત્રણ દિવસની સુનાવણી પછી આજે બપોરે ફૈંસલો સૂણાવી દેશે કે પાકિસ્તાને ગિરફત્તાર કરેલા કુલભૂષણ જાદવને ફાંસી થશે કે જીવતદાન મળશે. આવો ત્વરિત્ અને સટડૂક (સટિક) ન્યાય ભ્રષ્ટાચારીઓનાં કેસમાં કેમ સંભવ નથી એ પ્રશ્ર્ન છે. ભ્રષ્ટાચાર એ માત્ર તેના કરનારા પૂરતો પ્રશ્ર્ન નથી. ભ્રષ્ટાચાર કરે ગમ્મે તે પણ સરવાળે નુકસાન સમૂચા દેશને થતું હોઈ આ પ્રશ્ર્ન વ્યકિતગત નહીં બલ્કે ‘રાષ્ટ્રદ્રોહ’નો હોવો જોઈએ. તમારી જાણ ખાતર યાદ અપાવું કે વર્લ્ડ બેન્કનો રિપોર્ટ હતો કે ભ્રષ્ટાચારનાં કારણે ભારતને દર વર્ષે જીડીપીના ૦.૫ ટકા જેટલું રાષ્ટ્રીય નુકસાન વેઠવું પડે છે. ૦.૫ ટકાનો આંકડો હળવાશથી ના લેશો. આ રકમ અરબો-ખર્વોમાં થતી હોય છે. વર્ષ ૨૦૧૧માં પ્લાનિંગ કમિશનના ઈન્ટરનલ રિપોર્ટમાં કહેવાયું હતું કે ભ્રષ્ટાચારથી ભારતને તેના જીડીપીનાં વર્ષે ૧.૫ ટકાનું નુકસાન થાય છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે કણ કણ મેં હૈ ભગવાન. એ વિષય શ્રધ્ધાનો છે, પણ ભ્રષ્ટાચાર કણ કણમાં છે તેનાં તો ‘પરચા’ અપરંપાર અને હજરાહજૂર મળ્યા જ કરે છે.
ભારત શાયદ દુનિયાનો પહેલો એવો દેશ હશે જયાં બર્થ સર્ટિફિકેટ લેવાથી માંડી ડેથ સર્ટિફિકેટ લેવા સુધી લાંચ આપવી પડતી હોય. પછી ભલે તેને ‘ચા-પાણી’નાં ખર્ચામાં ગણાવાતો હોય. ભારતમાં સરકારી નોકરી મેળવવા ૧ લાખ રૂપિયા અને ડ્રાઈવિંગ લાયસન્સ માટે ઓછામાં ઓછા ૬૦૦ રૂપિયા આપવા પડે છે. પાસપોર્ટના વેરિફિકેશન માટે લગત પોલીસ થાણેથી ‘સાહેબો’ આવે ઈવડા ઈ ખાલી હાથે પાછા જતા નથી. પાસપોર્ટ વેરિફિકેશનથી માંડી રિન્યૂઅલ સુધીના કામ માટે સાહેબો ૧૦૦૦થી ૧૦ હજાર સુધીનો ‘ભાવ’ ખાય છે. તમારા બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવું છે? રૂા.૨૦૦૦૦થી માંડી ૧ લાખ સુધી ઢીલા કરો. તેનું સ્વરૂપ ભલે ડોનેશનનું હોય, એક પ્રકારની લાંચ જ છે. આ બધ્ધા આંકડા મારા મનઘડત નથી. વર્લ્ડ બેન્ક અને પ્લાનિંગ કમિશનનાં રિપોર્ટમાં દર્શાવ્યા તે છે. એક અનુમાન અનુસાર ભારતના શહેરોમાં રહેનારા લોકો એક વર્ષમાં સરેરાશ ૨૬,૯૩૨ રૂપિયા લાંચ પાછળ ખર્ચે છે!
નેશનલ કાઉન્સિલ ઓફ એપિલીડ ઈકોનોમિક રિસર્ચનો ૨૦૧૫નો રિપોર્ટ ગયા વર્ષે જાહેર થયો હતો. તેમાં તારણ હતું કે શહેરી વિસ્તારોમાં એક પરિવાર વર્ષે સરેરાશ ૪૪૦૦ રૂપિયા અને ગામડાંમાં રહેતા લોકો ૨૯૦૦ રૂપિયા યેનકેનપ્રકારેણ લાંચ પાછળ ખર્ચે છે. હવે આપણે આવીએ ભ્રષ્ટાચારનાં એપી સેન્ટર સમા રાજનેતાઓ તરફ. જયાં લાલૂ યાદવો અને પી. ચિદમ્બરમોનો પાર નથી. ગ્લોબલ કરપ્શન બેરોમિટર નામની સંસ્થાનો ૨૦૧૩નો રિપોર્ટ કહે છે કે ભારતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર રાજકીય પક્ષોમાં થાય છે. તે પછીનાં ક્રમે પોલીસ, સાંસદ, ધારાસભ્ય અને સરકારી કર્મચારીઓ આવે છે. મારી દ્દષ્ટિએ આ રિપોર્ટ પણ અધૂરો છે. પત્રકારો અથવા મીડિયા માફિયાઓ તેમાં શામેલ કેમ નથી? અમારી બિરાદરી પણ સાવ દૂધે ધોયેલી નથી, ખેર! આજે પી. ચિદમ્બરમ્ કે લાલૂ યાદવનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારે છે એટલે આજે રાજકારણીઓના ભ્રષ્ટાચારનું વિગતવાર વિશ્ર્લેષણ કરીએ એ જૂદી વાત છે.
હું અને તમે તનતોડ મહેનત કરીએ અને માલિક રાજી થઈ જાય એવું પરફોર્મન્સ દાખવીએ છતાં, ઈમાનદારીથી કહેજો, આપણી આમદાનીમાં (વેતનમાં, પગારમાં) બહુ-બહુ તો કેટલો વધારો થાય, ૧૦ ટકા, ૨૦, ટકા, ૩૦ ટકા? આપણાં દેશમાં વર્કિંગ કલાસ એટલે કે કામ કરનારા અને વેતન કલાસ અર્થાત્ પગારદાર વર્ગમાં વર્ષે વેતન વધારાની મેકિસમમ્ ટકાવારી ૩૦ ટકાનાં આળેગાળે રહે છે. તમે જાત નિચોવી નાંખો તોય ૧૦૦ ટકા વધારો ક્યારેય નહીં મળે. આ પ્રકારનો બમણો-તમણો- ચોગણો વધારો મેળવનારો તો એક જ વર્ગ છે. અને એ રાજકારણીઓ! તેની સંપતિમાં માત્ર પાંચ જ વર્ષમાં ૫૦૦ ટકાથી માંડી ૪૪૦૦૦ ટકા સુધીનો વધારો ઓન રેકોર્ડ નોંધાયો છે! વાર્તામાનાં રાજાની કૂંવરીની જેમ રાજકારણીઓની આવક ‘દિન દૂની, રાત ચૌગૂની’ વધતી જ જાય છે. જેને ચૂંટણી લડવી હોય તેને ચૂંટણી પંચ સમક્ષ પોતાથી (બતાવી શકાય તેવી) સંપતિનો હિસાબ રજૂ કરવાનો હોય છે. દર પાંચ વર્ષે આવા કાગળિયાં રજૂ કરવા પડતાં હોય છે. જનતાની ‘સેવામાં’ ગળાડૂબ નેતાઓને ખ્યાલ પણ નથી રહેતો કે પાંચ વર્ષ પહેલાંની તેમની સંપતિમાં ૫૦૦ થી ૪૪૦૦૦ ટકા સુધીનો વધારો કયારે અને કઈ રીતે થઈ ગયો? હાલની મોદી સરકારમાં મૌજૂદ-૪ સાંસદો એવા છે જેની સંપતિ ૨૦૦૯ થી ૨૦૧૪ દરમિયાન ૧૨૦૦ ટકા સુધી વધી ગઈ. જયારે કે ૨૨ સાંસદો એવા છે જેની સંપતિનો વૃદ્ધિ દર ૫૦૦ ટકા ઉપર રહ્યો છે. દાખલા તરીકે સમાજવાદી પક્ષના મુખિયા મુલાયમસિંહ યાદવ પાસે ૨૦૦૯માં ૨.૨૩ કરોડની સંપતિ હતી જે ૨૦૧૪માં વધીને ૧૫.૯૬ કરોડની અર્થાત્ ૬૧૩ ટકા વધી ગઈ. આ પ્રકારની વૃદ્ધિમાં કોઈ પક્ષ બાકી નથી. ભાજપનાં યુવા સાંસદ વરુણ ગાંધી પાસે ૨૦૦૯માં ૪.૯૨ કરોડની સંપતિ હતી જે ૨૦૧૪ સુધીમાં ૬૧૩ ટકાના દરે વધી ૩૫.૭૩ કરોડને વટી ગઈ. લોકસભાનાં જ સાંસદો માલામાલ થયા એવું નથી, રાજયસભાનાં અમૂક સાંસદોને પણ ‘બખ્ખા’ છે.
અર્થશાસ્ત્રીઓની સલાહ હોય છે કે સોનામાં મૂડીરોકાણ સૌથી સલામત. અમૂક મધ્યમવર્ગીય લોકો ફિક્સ ડિપોઝિટમાં નાણા મૂકે છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સોનાના ભાવ ઘટતા રોકાણકારોને ધાર્યું વળતર ન મળ્યું. ઊલ્ટાનું ઓછું થયું. આવી જ રીતે એફડીનાં વ્યાજદર ઘટતાં તેના રોકાણકારોને પણ અમૂક ટકા મૂડી ઓછી કરવાની નોબત આવી. આમ છતાં દેશનાં સામાન્ય નાગરિકો ધારો કે કંઈક ચમત્કારિક ઢબે થોડી મોટી ગણાતી રકમ હાંસલ કરે તો ઈન્કમટેક્સ ફટ્ટ દઈને નોટિસ વળગાડે. બતાઓ, રૂપિયા આવ્યા કયાંથી? બીજી તરફ લાલૂ યાદવો, પી. ચિદમ્બરમો હજજારો-કરોડનાં ધપલા કરે છતાં રાતી રા’ણ જેવા થઈને ફરે. દરોડા પડે તો પણ ફાટી પડતા નથી. ઊલ્ટાની સીનાજોરી કરે. ધીકતો ધંધો બની ગયેલા પોલિટિક્સ પર હવે કમર્શિયલ ટેક્સ વસુલાવો જોઈએ એવું નથી લાગતું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *