વીઆઈપી સ્ટેટસ સાવ નાબૂદ કયારે થશે ?

diwali crackers4

કાર ઉપરની લાલ લાઇટ અને સાયરનથી પ્રજાને રીતસર ડરાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે એવું નોંધ્યું હતું કે આ રીતે સામાન્ય જનમાનસમાં ભય ઊભો કરવો એ સત્તાનું સિમ્બોલ બની ગયું છે
કેટલાક શિષ્ટાચાર કે પ્રોટોકોલે કાયદાનું સ્થાન લઇ લીધું હોય એવું લાગે. કાનૂની કાયદાની જેમ જ એના પાલનનો આગ્રહ રખાય અને જડતાપૂર્વક અને અનુસરવામાં આવે. રેલવેમાં છેલ્લાં ૩૬ વર્ષથી અનુસરવામાં આવતા પ્રોટોકોલને રેલવે પ્રધાન પીયૂષ ગોયલે હોદ્દો સંભાળતાની સાથે જડમૂળથી ઉખેડીને ફગાવી દીધા. રેલવે બોર્ડના ચેરમેન કે બોર્ડના અન્ય સભ્યો ઝોનલ મુલાકાતે આવે ત્યારે તેમના આગમન કે વિદાય વેળાએ હાથમાં પુષ્પગુચ્છ કે ભેટસોગાદ લઇ જઇને ભવ્ય સ્વાગત કરવાના વીઆઇપી કલ્ચરને ગોયલે કચડી નાખ્યું. વીઆઇપી કલ્ચરની ગાડીને પાટા પરથી ઉતારી નાખવાનું રેલવે મંત્રાલયનું આ એક અભૂતપૂર્વ સરાહનીય પગલું છે. ૧૯૮૧માં આ પ્રકારના શિષ્ટાચારને ફરજિયાત બનાવતા સરક્યુલરને ૨૮મી સપ્ટેમ્બરે પાછો ખેંચી લેવાયો કે તરત જ રેલવે બોર્ડના ચેરમેન અશ્ર્વની લોહાનીએ સાફ શબ્દોમાં કહી દીધું કે હવેથી એક પણ અધિકારીનું પુષ્પગુચ્છ અને ગિફટ સાથે ભવ્ય સ્વાગત કરવાના પ્રોટોકોલને અનુસરવામાં નહીં આવે. આ પૂર્વે રેલવે સ્ટેશનો કે એરપોર્ટ પર બોર્ડના ચેરમેન કે સભ્ય ઊતરે કે તરત જ એમના સ્વાગત માટે અધિકારીઓ- કર્મચારીઓના કાફલો પહોંચી જતો. નવા આદેશ મુજબ આ પ્રોટોકોલનું ગળું ઓફિસ પૂરતું જ ઘોટી દેવાયું નથી. પોતાના ઘરમાં રેલવેના કર્મચારીઓ પાસેથી કામ કરાવતા તમામ સિનિયર અધિકારીઓને પણ રેલવેની કર્મચારીઓ પાસેથી ઘરકામ કરાવવા પર મનાઇ ફરમાવાઇ છે. અંદાજે ૩૦ હજાર ટ્રેક મેન સિનિયર અધિકારીઓના ઘરકામ કરતા હોવાનું સાંભળીને ઘણાંને આંચકો લાગશે, પણ આ હકીકત છે. છેલ્લા એક મહિનામાં છથી સાત હજાર રેલવે કર્મચારીઓ સિનિયરોના ઘરકામ છોડીને રેલવેની ઓફિસોમાં ડયૂટી પર લાગી ગયા છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ કોઇ ખાસ સંજોગોને બાદ કરતાં ઘરકામ કરનારા તમામ રેલવે કર્મચારીઓને પાછા બોલાવી લેવાશે.
વીઆઇપી કલ્ચરને ખતમ કરવાના અન્ય એક પ્રશંસનીય કદમમાં રેલવે પ્રધાને સિનિયર અધિકારીઓને ટ્રેનના એક્ઝિકયુટીવ કલાસની મુસાફરી કે રેલવેના કૂપેમાં આરામદાયક સફર બંધ કરીને સ્લીપર કે એમાં થ્રી ટાયરની ટ્રાવેલ કરવાનું ફરમાન કર્યું છે. રેલવેના ૫૦ ડિવિઝનોમાં પ્રત્યેક ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરો, રેલવે બોર્ડના સભ્યો, રેલવે ઝોનના જનરલ મેનેજરોને આ વાત લાગુ પડે છે. આ તમામે હવેથી વીઆઇપી ટ્રીટમેન્ટ ભૂલીને સામાન્ય નાગરિકની જેમ સફર કરવી પડશે.
આ પ્રકારના વણલખ્યા નિયમ જેવા બની રહેલા પ્રોટોકોલનું નિયમિત રીતે અવલોકન કે સમીક્ષા થવી જોઇએ. ૧૪મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે આવા લાલ લાઇટવાળા વીઆઇપી કલ્ચરનો કેસ હાથમાં ઝાલ્યો હતો. સુપ્રીમ કોર્ટે પ્રજાના મનમાં ભય ઊભો કરતા વીઆઇપી કલ્ચરનો ઉધડો લીધો હતો. જાણીતી સિનિયર કાઉન્સેલ હરીશ સાળવીની પિટિશનમાં વીઆઇપી કલ્ચરની કેટલીક ચોંકાવનારી વિગતો હતી. કાર ઉપરની લાલ લાઇટ અને સાયરનથી પ્રજાને રીતસર ડરાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે એવું નોંધ્યું હતું કે આ રીતે સામાન્ય જનમાનસમાં ભય ઊભો કરવો એ સત્તાનું સિમ્બોલ બની ગયું છે. ૧૯૭૦ના દાયકામાં માત્ર રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનના વાહનો પર રેડલાઇટ (એ પણ ઝબુકયા વિનાની) જોવા મળતી. સીએમના કાફલામાં એક મોટરસાઇકલ, પાયલટ અને એક જીપ રહેતી. એક પણ કેબિનેટ પ્રધાન, સરકારી અમલદાર કે પોલીસ ઓફિસર રેડલાઇટ રાખતા નહીં. ભારતીય પોલીસ પણ વીઆઇપી કલ્ચરનો નાનકડો હિસ્સો બનવા માટે જવાબદાર છે. ૧૯૭૦ના દાયકામાં સમગ્ર ભારતની પોલીસે લશ્કરી ઓફિસરોની કોપી કરીને પોતાનાં વાહનો પર સ્ટાર લગાવવાની શરૂઆત કરી હતી. આમ ઓફિસરની રેન્ક મુજબ પછીથી ફલેગ, સ્ટાર અને રેડલાઇટ વાહનો ઝળકવા લાગ્યા. સરકારી અમલદારોને લાગ્યું કે તેઓ વીઆઇપી કલ્ચરમાં જ આવે છે. એટલે તેમણે નિયમમાં સુધારો કરીને પોતાની કાર પર લાલ લાઇટો ઝબકાવવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ પ્રધાનો પોતાને વીઆઇપીમાં ખપાવવા લાગ્યા, વીઆઇપી કલ્ચર વિકસાવવામાં ત્રાસવાદનું શસ્ત્ર તેમના હાથમાં આવી ગયું પરંતુ એને લીધે સામાન્ય લોકોના માનસમાં ભય પેદાં થઇ રહ્યો છે, માનની લાગણી નહીં એ વાત વિસરાઇ ગઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *