વિશ્વ ક્રિકેટમાં ધોનીનો કોઈ વિકલ્પ નથી:એમએસ પ્રસાદ

prasad and dhoni

સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમ જાહેર કર્યા બાદ પસંદગી સીમીતીના અધ્યક્ષ પ્રસાદે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા અને ધોની વિશે પેટ છુટી વાતો કરી હતી. પ્રસાદે ધોની વિશે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ૨૦૧૯ના વર્લ્ડ કપ સુધી મહેન્દ્રસિંહ ધોની જ ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટ કીપર રહેશે. અમે આ દરમિયાન કેટલાક યુવા ખેલાડીઓને તક આપી હતી પરંતુ તેઓ મહેન્દ્રસિંહ ધોનીની આસપાસ પણ નજર આવ્યા ન હોતા અને જેને કારણે વર્લ્ડ કપ સુધી મહેન્દ્રસિંહ ધોની જ ભારતીય ટીમના વિકેટકીપર રહેશે અને ત્યારબાદ જ અન્ય યુવા વિકેટકીપરોને તક આપવામાં આવશે. પ્રસાદે વધુ એક સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે દિલ્હીનો યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પસંદગીકર્તાઓના રડાર પર નથી અને તેણે હવે વધુ રાહ જોવી પડશે. મને લાગે છે કે ધોની હજુ પણ વિશ્વનો નંબર વન વિકેટકીપર છે અને છેલ્લા કેટલાક સમયથી અમે તે નોટિસ કર્યું છે. શ્રીલંકા સામે હાલમાં ચાલી રહેલી શ્રેણીમાં ધોનીએ વિકેટ પાછળ શાનદાર પ્રદર્શન કર્યું છે. જે રીતે ધોનીએ સ્ટમ્પિંગમાં અને કેચ પકડવામાં ચપળતા દેખાડી છે તેનો ખરેખર જવાબ નથી. અન્ય કોઇ પણ ભારતીય વિકેટકીપરની સરખામણી ધોની સાથે કરવી યોગ્ય નથી. હાલના સમયમાં ધોની કરતાં વધુ સારો વિકેટ કીપર કોઇ પણ દેશની ટીમ પાસે નથી.

સુરેશ રૈના અને યુવરાજસિંહની સાઉથ આફ્રિકા પ્રવાસમાં પસંદગી કરાઈ નથી તે અંગે એમએસકે પ્રસાદે કહ્યું કે, યુવરાજ અને રૈના બંનેએ યો-યો ટેસ્ટ પાસ કરવામાં ઘણો સમય લીધો હતો. ઘણી વખત આ લોકો ટેસ્ટમાં ફેલ ગયા હતા. સારું છે બંનેએ યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે.

યુવરાજસિંહ સાથે ફિટનેસની સમસ્યા રહી છે અને તે સતત ક્રિકેટ પણ રમતો નથી આથી તેને સિલેક્ટ કરી શકાય તેમ નહોતું. રૈનાને ટીમમાં સામેલ ન કરવાનું કારણ તેનું ફોર્મ છે. રૈનાએ આ વર્ષે ઉત્તર પ્રદેશ તરફથી રણજી ટ્રોફીની ૧૨ ઇનિંગમાં માત્ર ૧૦૫ રન જ બનાવ્યા હતા. અશ્વિન અને જાડેજાના સ્થાને સામેલ કરાયેલા કુલદીપ અને ચહલ અંગે પ્રસાદે કહ્યું કે, આ બંનેને ચેમ્પિયન્સ ટ્રોફી બાદ અમે વધુમાં વધુ મેચમાં સામેલ કરી રહ્યા છીએ અને અક્ષરને પણ તક આપી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *