વલસાડ ૯.૪ ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર

અમદાવાદ સહિત ગુજરાતભરમાં પણ હાલમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના અનેક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં આંશિકરીતે વધારો થયો હોવા છતાં ઠંડીનો અનુભવ લોકો કરી રહૃાા છે. આની સાથે જ ગરમ વસ્ત્ર બજારમાં પણ જોરદાર તેજી આવી ગઈ છે.

બીજી બાજુ રાહતની બાબત એ પણ છે કે, કોલ્ડવેવ માટેની કોઇ ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી નથી.  રાજયના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો હાલ ગગડી જતા લોકોએ કાતિલ ઠંડીના ચમકારાનો અનુભવ કરતા લોકો રીતસરના ઠંડીમાં ઠુઠવાઈ જવા પામ્યા હતા. રાજયમાં આજે સૌથી ન્યૂનત્તમ તાપમાન વલસાડમાં ૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પાટનગર ગાંધીનગર ખાતે ૧૦.ર ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામ્યુ હતુ જ્યારે અમદાવાદ શહેરમાં પારો ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ પર રહેવા પામ્યો હતો.જયારે નલિયા ખાતે પારો ૧૦.૫ ડિગ્રી સેલ્સિયસ પર રહેવા પામ્યો હતો.

હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની કોઇ આગાહી કરવામાં આવી નથી.

આ અંગે મળતી માહિતી અનુસાર, રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો વહેતા શીત પવનોની સાથે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહૃાા છે ત્યારે રાજયના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૦થી ૧૩ ડિગ્રી વચ્ચે રહૃાો હતો.

રાજયમાં ઉંમરલાયક વૃધ્ધોની સાથે બાળકો અને શ્ર્વાસને લગતી વિવિધ બીમારીનો શિકાર એવા લોકો માટે  વહેતા થતા ઠંડા પવનોને કારણે મુસીબતમાં વધારો થવા પામ્યો છે આ ઉપરાંત રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દિઓની હાલત કફોડી બની જવા પામી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પૂર્વીય અફઘાનિસ્તાનની સાથે પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવા પામ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *