વદરાડના સેન્ટર ઓફ એક્સલન્સની ૧૦,૦૦૦થી વધુ ખેડૂતોએ મુલાકાત લીધી

વડાપ્રધાનની ખેડૂતોની આવક ર૦રર સુધીમાં બમણી કરવાના લક્ષ્યને સિદ્ધ કરવાની દિશામાં રાજ્યમાં બાગાયત ખાતું સતત પ્રયત્નશીલ છે. રોજિંદા જીવનના ભાગરૂપે બાગાયતી પાકો અને એમાં પણ શાકભાજી પાકો વ્યક્તિના જીવનમાં સવિશેષ સ્થાન ધરાવે છે. જેથી તેની માંગ બજારમાં હર હંમેશ હોય છે. શાકભાજી પાકો ટૂંકા ગાળાના વધુ આવક આપતી ખેતી છે.

પરંતુ આ આવક મેળવવા વૈજ્ઞાનિક અભિગમથી ખેતી, બજાર વ્યવસ્થા, સારું અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન વિ.જેવી બાબતોનું ખેડૂતોને જ્ઞાન હોવું જરૂરી છે. આમ શાકભાજી પાકોની ખેતીના તમામ પાસાઓ આવરી ખેડૂતોને માર્ગદર્શનરૂપ થવા અને વિશેષ સમજ આપતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વદરાડ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને બાગાયતી પાકોની ખેતી અને તેમાં શાકભાજી પાકોની ખેતી તરફ વાળવામાં તેમજ તેઓની આવકમાં વધારો કરી શકાય તે માટે બાગાયત કાતું હાઈબ્રીડ બિયારણથી શાકભાજી પાકોની ખેતી માટે હેક્ટરે રૂ. ર૦,૦૦૦/- જેટલી સહાય પૂરી પાડે છે.

આ સેન્ટર ખાતે ખેડૂતોને શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી માટે તાલીમ આપવી તેમજ નિદર્શનોની કામગીરી કરવામાં આવે છે. સેન્ટર ખાતે ખેડૂતોને શાકભાજી પાકોની ખેતી માટે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ તેમજ જુદા જુદા શાકભાજી પાકોની ખેતી પદ્ધતિ, ઓપન ફિલ્ડ તેમજ રક્ષિત ખેતી વિ. માટે તાલીમ આપવામાં આવે છે.

છેલ્લાં ૪ વર્ષમાં સેન્ટર દ્વારા ૧૦,૦૦૦ ખેડૂતોને તાલીમ આપવામાં આવેલ છે અને ૩૫,૦૦૦થી પણ વધુ ખેડૂત મુલાકાતીઓએ આ સેન્ટરની મુલાકાત લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *