‘લોકપાલ’ની નિમણૂંકમાં વિલંબની પરંપરા

સુપ્રીમ કોર્ટના આદેશ પછી ભારતીય લોકતંત્રમાં લોકપાલની નિમણૂંકની આશાઓ વધી ગઈ છે. જો કે, એ નક્કી નથી કે તે પદે કયારે નિમણૂંક થશે અને કાયદા તથા સિધ્ધાન્તો પ્રમાણે તે વિષે વ્યવસ્થા થશે? અદાલતે સરકારની એ બધી દલીલો નકારી કાઢી, જેના આધારે એનડીએ સરકારે પોતાની રચનાના ત્રણ વર્ષ પછી પણ જાહેર જીવનમાં સ્વચ્છતા માટે બનેલી આ સંસ્થાની રચના મુલત્વી રાખી છે.
આખરે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર લોકપાલની નિયુકિત માટે જે અવરોધોની વાત કરી રહી છે, તે ગંભીર નથી. તે મુદ્દાઓ વિના પણ નિમણૂંક થઈ શકે છે. અદાલતે એમ પણ જણાવ્યું છે કે, ૨૦૧૩ના લોકપાલ અને લોકાયુકત કાનૂન પર્યાપ્ત છે, જે ૨૦૧૪થી અમલમાં છે અને તેના આધારે અસરકારક રીતે કામ થઈ શકે છે. સ્પષ્ટ છે કે, ટોચની અદાલતના આ ચુકાદા પછી હવે લોકપાલ અધિનિયમને દેશમાં લાગુ કરવાની જવાબદારી સરકાર પર આવી પડી છે.
સર્વાંશે જોતાં લોકપાલ નિયુકત ન કરવા માટે જેટલી પણ સરકારની દલીલ હતી, તે અદાલતમાં ટકી શકી નહીં. તો હવે શું માનવાનું રહે છે. કે એ દિવસો આવી ગયા છે, જ્યારે લોકપાલની નિમણૂંક થઈ શકશે? શું સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરીને સરકાર લોકપાલની નિમણૂંકની દિશામાં આગળ વધી શકશે?
મહત્વની બાબત એ છે કે, નાની-નાની બાબતોમાં ગૃહમાં હંગામો કરનાર અને કાર્યવાહી ઠપ્પ કરનાર વિપક્ષ આ મુદ્દા પર પણ ગૃહમાં સરકારને સાથ આપશે?
સરકારે આપેલા નિર્દેશ પ્રમાણે સરકાર લોકપાલના હાલના સ્વરૂપમાં અનેક સુધારા કરવા માગે છે અને આ કારણથી, ૨૦૧૩ના લોકપાલ અને લોકાયુકત કાયદા અનુસાર લોકપાલ પદે નિમણૂંક કરવા માંગતી નથી. લોકપાલના હાલના સ્વરૂપને લાગુ કરવામાં સૌથી મોટો અવરોધ લોકપાલની નિમણૂંક કરનાર પસંદગી સમિતિમાં વિપક્ષના નેતાને સામેલ કરવાનો મુદ્દો હોવાનું માનવામાં આવે છે. એ સ્પષ્ટ છે કે, લોકસભામાં વિધિવત અને ઔપચારિક રીતે વિપક્ષના નેતા નથી. કોંગ્રેસ સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે. પરંતુ કોંગ્રેસને મુખ્ય વિપક્ષનો દરજ્જો અપાયો નથી કે તેમના સંસદીય પક્ષના નેતાને વિપક્ષના નેતાનો દરજ્જો અપાયો નથી.
હાલની કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે પસંદગી સમિતિના ત્રણ સભ્યોમાં વડાપ્રધાન, મુખ્ય ન્યાયમૂર્તિ કે તેમના પ્રતિનિધિ તરીકે વરિષ્ઠ ન્યાયાધીશ ઉપરાંત લોકસભામાં વિપક્ષના નેતા હોવા જરૂરી છે. અત્યારે વિપક્ષના નેતાનું પદ ખાલી છે કારણ કે, નિયમો પ્રમાણે સૌથી મોટા વિરોધપક્ષ પાસે પણ આ માટે જરૂરી ૧૦ ટકાની સભ્યસંખ્યા નથી.
અભ્યાસીઓ માને છે કે, કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે વિધિસરનો વિપક્ષ તથા વિપક્ષી નેતા ન હોય તો પણ હાલની પરિસ્થિતિમાં સરકાર ઈચ્છે તો આ માટે કેાઈ ઉપાય શોધી શકાય તેમ છે. આ માટે સરકારની ઈચ્છા જરૂરી છે. જો તે ઈચ્છે તો આ કાનૂની અવરોધને પાર કરીને લોકપાલની નિમણૂંક કરી શકે છે, તેમ અભ્યાસીઓ માને છે.
એ નોંધનિય છે કે, લોકપાલની નિમણૂંક ભલે થઈ ન હોય. પરંતુ તે નિમણૂંક સંબંધી જે આંદોલન થયું, તેના પરિણામે તે આંદોલનમાં ભાગ લેનાર કેટલાક આગેવાનો પ્રસિધ્ધિ અને લોકપ્રિયતા મેળવીને સત્તાસીન થયા છે. આ માટે ૨૦૧૧થી ૨૦૧૩ સુધીના સમયમાં લોકપાલ સંસ્થાની રચના માટે જે લોકપ્રિય આંદોલન થયું, તે એ પ્રકારનું હતું કે, જો દેશમાં લોકપાલની રચના નહીં થાય તો ગંભીર ઉથલ-પાથલ થઈ જશે.
આ આંદોલનના પગલે ૨૦૧૩માં લોકપાલ કાયદો ઘડવામાં આવ્યો. એ ઉલ્લેખનીય છે કે, લોકપાલ શબ્દની ચર્ચા સૌથી પહેલાં કોંગ્રેસના સાંસદ એલ.એમ. વિંઘવીએ કરી હતી. આઝાદી પછી જવાહરલાલ નેહરૂ પ્ર્રથમ વડાપ્રધાન હતા, તે સમયમાં જ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારની શંકાઓ વ્યકત કરવાનું શરૂ થયું હતું. તે સમયમાં ભારત-ચીન વચ્ચેના યુધ્ધ દરમિયાન ખરીદ કરવામાં આવેલી જીપોમાં ભ્રષ્ટાચારની શંકા સર્જાઈ હતી. તે સ્થિતિમાં સરકારના તંત્રમાં થતા ભ્રષ્ટાચારની તપાસ માટે નિષ્પક્ષ લોકપાલનો મુદ્દો ઉઠયો હતો. તે પછીના પાંચ વર્ષ બાદ ઈંદિરા ગાંધીના સમયમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં વધારો થયો હોવાના આક્ષેપો થયા હતાં.
તે સમયે ૧૯૬૮માં પહેલીવાર ચોથી લોકસભામાં લોકપાલ વિધેયક રજુ થયું હતું. એ સ્પષ્ટ છે કે, કાયદો ઘડવામાં ૪૫ વર્ષ લાગી ગયા તો કાયદો ઘડાયા પછી લોકપાલ નિયુકત થવામાં કેટલા વર્ષો લાગે તે એક પ્રશ્ર્ન છે.
અત્યારે લોકપાલ કાયદો ઘડાયાને ચાર વર્ષ વીતી ગયા છે. એવી શંકા દર્શાવાય છે કે, લોકપાલ જેવી સંસ્થાને કોઈપણ પાર્ટી ત્યારે પસંદ કરે છે, જ્યારે તે સરકારમાં ન હોય અને વિપક્ષમાં હોય. સત્તામાં આવતાં જ તે તેના ઔચિત્ય વિે તમામ પ્રકારના સવાલ ઉઠાવવા માંડે છે. કોંગ્રેસ શાસન પદે હોય કે ભાજપા હોય, સૌએ લોકપાલ તથા લોકાયુકતની નિમણૂંકમાં પોત-પોતાની રીતે અવરોધ સર્જીને વિલંબ કર્યો છે.
એ એક વિડંબના છે કે, જે અરવિંદ કેજરીવાલે લોકપાલની રચના માટે આંદોલન દરમિયાન ધરતી- આકાશ એક કરી દીધા હતાં. તે હવે તેનું નામ લેતા નથી. તેમની એવી દલીલ છે કે જે કાયદો ઘડાયો છે, તે એટલો સબળ નથી કે પોતે ઈચ્છતા હતાં તેવા શકિતશાળી લોકપાલની રચના થાય. પરંતુ મૂળ મુદ્દો એ છે કે, લાંબા આંદોલન અને સંસદીય પ્રયાસો પછી જે સંસ્થા આ દેશના લોકતંત્ર અને જનતાને મળી છે તેને શા માટે મૂર્ત સ્વરૂપ અપાય નહીં? એ જોવાનું રહે છે કે, લોકપાલનો ઉદ્ભવ કયારે થશે અને તે કઈ રીતે કામ કરશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *