લીંબડી તાલુકાનાં બે ગામોમાં ફસાયેલા ૧ર લોકોને પાણી વચ્ચેથી બચાવાયા

ઝાલાવાડ પંથકમાં મેઘતાડંવ તથા ઠેર ઠેર નદી નાળા અને ડેમો ઓવર ફલો થતા ઠેર ઠેર પાણી ફરી વળ્યુ હતુ. જેમા લીંબડી તાલુકાના શીયાણી અને ઘાઘરેટીયા વચ્ચેના નાળા ઉપર પાણી ફરી વળતા શીયાણી અને નટવરગઢ ગામની સીમમાં ખેત મજુરી કરવા ગયેલા ૧ર ખેડુતો ફસાઈ ગયા હતા. જેઓને લીંબડી પ્રાંત અધિકારી વી.કે.પટેલ, મામલતદાર વશરામભાઈ જીડ અને લીંબડી ડીવાયએસપી પ્રદિપિંસહ જાડેજા દ્વારા બચાવ કામગીરી શરૂ કરી તાત્કાલીક અમદાવાદથી નેશનલ ડીઝાસ્ટર રીલીફ ફોર્સ (એનડીઆરએફ) ની મદદ લઈ રાત્રીના ૩ કલાકે શીયાણીની સીમમાં હુડકુુ નાખીને ૯ ખેડૂતોનો આબાદ બચાવ કર્યો હતો. જયારે વહેલી સવારે નટવરગઢ ગામની સીમમાંથી ઈન્ડીયન એર ફોર્સના હેલીકોપ્ટરની મદદથી ૩ ખેડૂતોને બચાવી લીધા હતા.

લીંબડી તાલુકામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ શીયાણીનું નાળુ બેસી ગયુ છે અને જાબું,પરનાળા, પરાલી, રાણાગઢ, મુળબાવળા, નટવરગઢ અને છેવાડાના ગામડાઓના નદી નાળા તુટી જતા ભારે તારાજી સર્જાઈ છે. તમામ ગ્રામ્ય પંથકમાં ઉભા પાકને ભારે નુકસાન પહોચ્યુ છે ત્યારે લીંબડી તાલુકાને જોડતા તમામ રસ્તા બંધ થતા હાલ તમામ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે.

ચોટીલા પંથકમાં ર૦ ઈંચ થી વધુ વરસાદ ખાબકતા વઢવાણનો વડોદ ડેમ ઓવર ફલો થતાની સામે લીંબડી પ્રાંત અધિકારીની સુચનાથી ડેમના ૬ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ભોગાવા નદીમાં પાણીનો ફોર્સ વધતા ભોગાવા નદી વિસ્તારના નીચાણવાળા વિસ્તારો અને ઉંટડી, ચોકી, ખંભલાવ, પાણશીણા ગામોમાં રેડ એલર્ટ કરી લોકોને નદી ઓળંગીને ખેતરમાં નહી જવા ચેતવણી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *