રાફેલ……આક્ષેપોની ડોગ-ફાઈટ

About Rafale jets

રાફેલ……ભારતીય રાજકારણમાં ‘બોફોર્સ’ બાદ આજે આ શબ્દ સૌથી પ્રચલીત અને ચર્ચાસ્પદ બની ગયો છે.ગુજરાતની ધારાસભા ચૂંટણીથી સુર્ખીયોમાં આવેલા રાફેલ સોદો હવે કોંગ્રેસ માટે મોદી સરકારના ચાર વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર મુદે પ્રહારનો સૌથી પ્રથમ અને સૌથી આક્રમક મુદ્દો બની ગયો છે અને હવે આ વિવાદ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાઈ ગયો છે. ભારતમાં શસ્ત્રોની ખરીદી હંમેશા વિવાદનું કેન્દ્ર બની રહી છે અને ભારતની આઝાદીના પ્રથમ વર્ષ ૧૯૪૮ માં જ સૈન્ય માટે જીપ ખરીદી કૌભાંડ ચગ્યુ હતું. તે સમયના ભારતના બ્રિટન ખાતેના રાજદુત વી.કે.ક્રિશ્ર્નમેનનને સરકારી પ્રક્રિયાના પ્રોટોકોલની ચિંતા કર્યા વગર જ સૈન્ય માટે એક વિદેશી કંપની પાસેથી ૨૦૦ લશ્કરી જીપ ખરીદવા કરાર કરી લીધો અને પુરો સોદો રૂા.૮૦ લાખનો હતો અને તેમાં જબરો ભ્રષ્ટાચાર થયાની ગંધ આવી હતી અને ખુદ જવાહરલાલ નહેરૂ સામે પ્રશ્ર્ન ઉઠયા પણ ૧૯૪૫ સુધી તપાસનાં નાટક થયા અને આખરે તે સમેટાઈ લેવાઈ પછી ક્રિશ્ર્નમેનન જ નહેરૂ સરકારમાં દેશના સંરક્ષણ મંત્રી બન્યા હતા અને ત્યારબાદ કોઈપણ સરકાર હોય તેમાં સંરક્ષણ ખરીદી હંમેશા વિવાદાસ્પદ રહી અને લશ્કરના ટોચના ઓફીસરો પણ તેમાં સંડોવાયેલ હોવાનું જાહેર થયુ પણ ચાર વર્ષમાં પ્રથમ વખત હવે રાફેલ સોદાથી મોદી સરકાર સામે સોલીડ પ્રશ્ર્ન ઉઠાવવાની તક કોંગ્રેસને મળી છે. રાહૂલ ગાંધી અવારનવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંકે છે રાફેલ સોદાની માહીતી જાહેર કરવાની, રાષ્ટ્રપતિનાં ભાષણ પરની ચર્ચામાં પણ તેનો ઉલ્લેખ કર્યો પણ મોદીએ મૌન રહેવાનું પસંદ કર્યુ તે હવે નાણામંત્રી અને સંરક્ષણ મંત્રી આ સોદાને બે સરકાર વચ્ચે થયેલા સોદા ગણાવી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ આ સોદાની માહીતી જાહેર કરી શકાય નહી તેવુ જણાવી કોંગ્રેસ પક્ષને દેશના દુશ્મનોને મદદ નહી કરવા અપીલ કરી હતી. જોકે એ બાબત અલગ છે કે હજુ ગત વર્ષે જ રાફેલનું નિર્માણ કરતી કંપની ડાઓલ્ટ એવીએશન સાથે કરાર થયા તે સમયે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને આ સોદાની તમામ માહિતી જાહેર કરવાની ખાતરી આપી હતી પણ હવે અચાનક જ સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના નામે યુ-ટર્ન કર્યો છે તે આશ્ર્ચર્ય સર્જે તેવું છે પણ સમગ્ર વિવાદની સમીક્ષા કરતાં પૂર્વે રાફેલ-લડાયક વિમાન કેવી ક્ષમતા ધરાવે છે તેના પર નજર કરી લઈએ.
વાસ્તવમાં ભારતીય હવાઈ દળ કાયમ લડાયક વિમાનની જે ક્ષમતા હોવી જોઈએ તેમાં પાછળ જ રહી છે.ભારતની સૈન્ય જરૂરીયાત મુજબ હવાઈદળ પાસે વિમાનની ૪૮ સ્ક્રવોડન હોવી જોઈએ એક સ્ક્રવોડનમાં એક જ ટાઈપના ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં વધુ ૨૪ વિમાન હોય છે પણ ભારતીય હવાઈ દળ પાસે ૩૬ કે તેથી ઓછી સ્ક્રવોડન જ રહે છે અને તેમાં પણ મીગ-૨૧ તથા મીરાજ સહીતનાં વિમાનો તો હવે નિવૃત વય મર્યાદા વટાવી જતાં તેને હટાવી લેવા પડયા હતા. ૧૯૯૯ માં વાજપેયી સરકારના સમયમાં હવાઈદળ માટે નવા આધુનિક વિમાનો ખરીદવાની પ્રથમ તૈયારી થઈ અને તે સમયે ૩૬ રાફેલ વિમાનો ખરીદવાનો પ્રાથમીક સોદો ૨૦૦૦ ના વર્ષમાં થયો પણ તે બાદ સમગ્ર ખરીદીની પ્રક્રિયા-ટેકનીકલ આવશ્યકતા બધાની શરતો નકકી કરવામાં જ સમય જતા ૨૦૦૪ માં મનમોહન સરકાર સતા પર આવી અને છેક ૨૦૧૨ માં ફ્રાન્સ અને વિમાન નિર્માતા કંપની સાથે ૩૬ નહિ પણ ૧૨૬ આ મલ્ટીરોલ કોમ્બેટ વિમાન ખરીદવાના કરાર થયા જેમાં ૩૬ રેડી-ટુ-ફલાય એટલે કે તૈયાર વિમાન પુરા પાડવાના હતા બીજા વિમાનો ભારતની વિમાની કંપની હિન્દુસ્તાન એરોનોટીકલ કોર્પોરેશન સાથે સંયુકત રીતે ભારતમાં ઉત્પાદીત કરવાના હતા. આ પ્રકારના લશ્કરી સોદામાં ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી એટલે કે વિમાનના નિર્માણની ટેકનોલોજી ડ્રોઈંગ નો-હાઉ અને અન્ય માહીતી પુરી પાડવાના કરાર થાય છે. જેથી ભવિષ્યમાં આ પ્રકારના વિમાનો ભારતમાં જ નિર્માણ કરી શકાય. ૧૦૮ રાફેલ આ શરતે જ ખરીદવાના હતા પણ ફ્રાન્સની કંપનીએ બાદમાં જાહેર કર્યુ કે અમો આ વિમાન ફ્રાન્સમાં ઉત્પાદીત કરીએ તો ૩ કરોડ માનવ કલાક જોઈએ પણ જે રીતે હિન્દુસ્તાન એરોનોટીક લી.નું વર્કકલ્ચર છે તે મુજબ ઉત્પાદન સમય લગભગ ડબલ થઈ જાય તે અમોને પોષાય નહી.
કમનસીબી એ છે કે આ કોમેન્ટ આપણા વર્ક કલ્ચર પર પ્રશ્ર્ન ઉઠાવી ગઈ. ભારતમાં વર્ક કલ્ચર ભારતીય કંપનીઓ નથી તેનું હાલનું વધુ એક લેટેસ્ટ ઉદાહરણ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટ છે. ભારતે પહેલા એવા આગ્રહ રાખ્યો હતો કે બુલેટ ટ્રેનનું નિર્માણ ભારતમાં જ થાય પણ તેવુ થયુ નહી. જાપાન સરકારે એ ભૂમિકા પર નિર્માણ કે ટેકનોલોજી આપવા ઈન્કાર કર્યો કે ભારતમાં જો બુલેટ ટ્રેનનું નિર્માણ કરીએ તો પ્રોજેકટ સમયસર પુરો થવાની ગેરન્ટી નથી. ઉપરાંત કામની ગુણવતાની ગેરન્ટી નથી. જાપાનની આ બુલેટ ટ્રેન ઝીરો એકસીડેન્ટ રેકોર્ડ ધરાવે છે. ભારતમાં ટ્રેન માટે સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ જે સ્ટીલ પતરા ઓફર કર્યા તે ગુણવતાસભર ન હતા અંતે આ ટ્રેન પુરી રીતે જાપાનમાંજ નિર્માણ કરવાનું અને ભારતમાં ફકત એસેમ્બલ જ થશે તે શરત ભારતે માન્ય રાખવી પડી હતી. જો કે રાફેલની વાત પર આવીએ તો મનમોહન સરકારે કરેલા સોદો મોદી સરકારે એ ભૂમિકા પર રદ કર્યા કે તે ખર્ચાળ હતો અને ફ્રાન્સની સરકાર સાથે જ ૩૬ રેડી-ટુ-ફલાય વિમાન ખરીદવા સોદો કર્યો. મોદીની ફ્રાન્સ મુલાકાત સમયે આ સોદામાં ટાઈમબાઉન્ડ ડીલીવરી, ભારતીય હવાઈદળના પાઈલોટને ટ્રેનીંગ અને વિમાનમાં જે શસ્ત્રોની જરૂર હોય તે પુરા પાડવાની શરત સામેલ છે. આ સોદાની કુલ વાસ્તવિક રકમ જાહેર થઈ નથી પણ તે રૂા.૫૮૦૦૦ કરોડનો હોવાનું મનાય છે અને તેથી એવી દલીલ થાય છે કે યુપીએ સરકારે જે સોદો કર્યો હતો તેના કરતા આ બહેતર ડીલ છે. જો કે બન્ને માંથી એક પણ સરકારે સોદાની સાચી કિંમત જાહેર કરી જ નથી. મોદી સરકારે સાથોસાથ એ નિશ્ર્ચિત કર્યુ છેકે ભારતમાં જ લડાયક વિમાનના ઉત્પાદન- જે મેઈક- ઈન ઈન્ડીયા પ્રોજેકટ હેઠળ થવાનું છે તેમાં જરૂરી સહાય ફ્રાન્સ કરશે અને જરૂરી સ્પેર્સ પણ સપ્લાય કરશે. ઉપરાંત ડિઝાઈન ટેકનોલોજી (ડ્રોઈંગ) પણ પુરુ પાડશે. જો કે આ કરાર હજુ સહી થયો નથી. હવે કોંગ્રેસ પક્ષ એ પ્રશ્ર્ન ઉઠાવે છે કે આ સોદો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરીસ જઈને કર્યા છે તે સમગ્ર શંકા ઉપજાવે છે. મોદી સરકાર જયારે ફ્રાન્સ સાથે વાટાઘાટ કરતી હતી તે સમયે જ ફ્રાન્સની વિમાન મર્યાદા કંપની નિર્માતા કંપની ડેસોલ્ટ એવીએશન અને અનિલ અંબાણીના રીલાયન્સ ડિફન્સ વચ્ચે રાફેલના સ્પેરપાર્ટસ ભારતમાં નિર્માણ- મેઈક ઈન ઈન્ડીયા હેઠળ કરવાના કરાર થયા. રાહુલ એ પ્રશ્ર્ન ઉઠાવે છે કે રીલાયન્સ ડીફેન્સને વિમાન કે તેના સ્પેરપાર્ટસ નિર્માણનો કોઈ અનુભવ નથી છતાં તેને કેમ આ સોદા સાથે જોડવામાં આવે છે. ઉપરાંત યુપીએ સરકાર સમયે રાફેલના સોદાની જે કિંમત હતી તેના કરતા મોંઘી કિંમતે આ કરાર થયા છે. દાવા સાથે રાહુલે રાફેલ મુદે આક્રમણ કર્યું છે તો સરકારનો જવાબ છે કે સોદાની કિંમત તથા સ્પેસીફીકેશન જાહેર થવાથી વિમાનની લડાયક ક્ષમતા સહીતની વિગતો પણ જાહેર થઈ જાય જે દેશના હિતમાં નથી. ભૂતકાળમાં યુપીએ સરકારે પણ લશ્કરી સોદામાં આ પ્રકારના કારણો આગળ ધર્યા હતા. આમ રાષ્ટ્રીય હિતના નામે બન્ને પક્ષો હાલ રાજકારણમાં વ્યસ્ત છે અને સૌથી કમનસીબી એ છે કે ૨૦૦૦ના વર્ષમાં આ સોદા અંગે પ્રથમ વાટાઘાટ થઈ હતી અને ૨૦૧૮ સુધીમાં હજુ એક પણ રાફેલ વિમાન ભારત આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *