રાજ્ય સરકાર ૧૦ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરશે:રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૬૮માં વન મહોત્સવનો રાજ્ય પ્રારંભ કરાવતા જાહેર કર્યું કે, ગુજરાતમાં દસ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ રાજ્ય સરકાર કરશે. ‘એક બાળ એક ઝાડનો સંકલ્પ પાર પાડવા તેમણે જનસમૂહને આહવાન કર્યું હતું.

રૂપાણીએ સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તાર પાલ-દઢવાવમાં વીરાંજલી વનનો લોકાર્પણ કરી રાજ્યવ્યાપી વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ વૃક્ષો વનોથી ગ્લોબલ વોર્મિંગના તારણોપાય અને કલાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા રાજ્ય સરકારે જનજાગૃતિ જગાવી છે તેની વિશદ ભૂમિકા આપી હતી. તેમણે સૌર પવન, પાણી જેવા કુદરતી સંશાધનોનો વિનિયોગ કરીને તથા વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારીને પર્યાવરણ જતનની નેમ દર્શાવી હતી.

મુખ્યમંત્રીએ આ વન મહોત્સવ પ્રારંભ વેળાએ સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ ગામોમાં આરોગ્ય સુવિધા પહોંચાડવા ૧ર પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ચાર કરોડ ૪૧ લાખના ખર્ચે અર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના અન્ય વિસ્તારોના વિકાસ સાથે આદિજાતિ વિસ્તાર પણ સમય સાથે વિકાસ પામે એવું નક્કર આયોજન કર્યું છે. તેઓએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પાંચ વર્ષમાં પાંચ કરોડ ગેસ કનેકશન આપવાનો સંકલ્પ કર્યો છે. તેના ભાગરૂપે આજે ૬૦૦ લોકોને ગેસ કનેકશન આપવામાં આવ્યા છે. જેનાથી ગ્રીન ગુજરાતના સંકલ્પ સાથે પર્યાવરણની જાળવણી પણ થાય છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને લઈ માત્ર ગાંધીનગરમાં ઉજવાતા વન મહોત્સવ રાજ્યમાં પ્રજા વચ્ચે લઈ જવામાં આવ્યા તેના પરિણામ સ્વરૂપે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિવિધ વન નિર્માણ પામ્યા છે. આજે પાલમાં વીરોને અંજલિ આપવા વિરાંજલી વનનું નિર્માણ તેમની સ્મૃતિ હંમેશાં ચિરંજીવ રાખી ભાવાંજલીરૂપ રહેશે.

તેમણે જણાવ્યું કે પાલ પ્રવાસીઓ માટે પ્રવાસનનું કેન્દ્ર બની રહેશે. ગુજરાતમાં પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાની મહેરબાની થઈ છે ત્યારે સૌએ વૃક્ષ ઉછેરવાની તક લેવી તે આપણી ન્ૌતિક ફરજ છે. તેમજ આ વર્ષે ૧૦ કરોડ વૃક્ષો રાજ્ય સરકાર વાવશે.

છોડવામાં રણછોડ છે ત્યારે વધુ વૃક્ષો વાવી ગુજરાત આ ક્ષેત્રે પણ નંબર વન બને તે અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.

વન મંત્રી ગણપતિંસહ વસાવાએ જણાવ્યું હતું કે, વનવાસી વિસ્તારમાં આ વન મહોત્સવનું અનેરૂ મહત્ત્વ છે. પ્રજાકીય ભાગીદારી વધે તેવા આશયથી વન મહોત્સવની ઉજવણી રાજ્યના જિલ્લાઓમાં શરૂ કરી છે. આપણી સંસ્કૃતિએ વૃક્ષમાં ભગવાનના દર્શનની સંસ્કૃતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *