રાજ્યમાં કાયમી ડીજીપીની ટૂંકમાં નિમણૂંક કરાશે:સરકાર

ગુજરાત રાજયમાં પોલીસ મહાનિર્દેશક(ડીજીપી)ના મહત્વના હોદ્દા પર કાયમી નિમણૂંક રાજય સરકાર દ્વારા નહી કરાઇ હોવાના મુદ્દે પૂર્વ આઇપીએસ રાહુલ શર્મા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં આજે ગુજરાત સરકાર દ્વારા તેનું વલણ સ્પષ્ટ કરાયું હતું.

રાજય સરકાર દ્વારા સાફ કરી દેવાયું હતું કે, રાજયમાં કાયમી ડીજીપીની નિમણૂંક અંગેની સરકાર દ્વારા ગંભીર અને પુખ્ત વિચારણા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આ નિમણૂંક કરી દેવાશે. સરકારની આ રજૂઆત ધ્યાને લીધા બાદ હાઇકોર્ટે સરકારપક્ષને આ અંગેનું જરૂરી સોગંદનામું રજૂ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી તા.૧લી નવેમ્બર પર મુકરર કરી હતી.

પૂર્વ આઇપીએસ રાહુલ શર્મા દ્વારા કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત રાજયમાં છેલ્લા ઘણા સમયથી ડીજીપી જેવા મહત્વના હોદ્દા પર કાયમી નિમણૂંક રાજય સરકાર દ્વારા કરવામાં આવતી નથી અને ઇન્ચાર્જ ડીજીપીથી કામ લેવાઇ રહ્યું છે, જેની સીધી અસર રાજય પોલીસ તંત્રની કામગીરી અને નાગરિકોની સુરક્ષા સહિતની બાબતો પર પડી રહી છે. છેક  એપ્રિલ-ર૦૧૬થી રાજયનું પોલીસ તંત્ર ઇન્ચાર્જ ડીજીપીના નેજા હેઠળ ચાલે છે. રાજય સરકાર પાસે ડીજીપીના હોદ્દા પર નિયુકિત અંગેના છ વિકલ્પો ઉપલબ્ધ હોવાછતાં કોઇ નિમણૂંક કરાતી નહી હોવાથી પોલીસ તંત્રની કામગીરીને અસર થઇ રહી હોવાનો મુદ્દો પણ પિટિશનમાં ઉઠાવાયો હતો.

અરજદારપક્ષ દ્વારા તાત્કાલિક અસરથી ડીજીપીના પદ પર કાયમી નિયુકિત કરવા માટે રાજય સરકારને હુકમ કરવા માટે પિટિશનમાં દાદ માંગવામાં આવી હતી. અરજદારપક્ષની રજૂઆત ધ્યાને લીધા બાદ હાઇકોર્ટે આ સમગ્ર મામલે રાજય સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. આ કેસની હાથ ધરાયેલી સુનાવણીમાં આજે રાજય સરકારે મહત્વની રજૂઆત મારફતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *