રાજસ્થાનના ફતેહપુરમાં માઈનસ ૧ ડિગ્રી તાપમાન

snowfall_in_desert_1515572768_618x347

રાજસ્થાનના ફતેહપુરમાં તાપમાન માઈનસ ૧ ડિગ્રી થઈ જતાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. આજે ફતેહપુરના રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન કેન્દ્રમાં તાપમાન માપક યંત્ર પર માઈનસ ૧.૨ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આજે સવારે જ્યારે લોકો ઘરની બહાર નિકળ્યા તો તેમને લોખંડની રેલિંગ પર, મોટરકારના કાચ પર વૃક્ષો તેમજ છોડના પાન પર અને ખેતરોમાં ઉભેલા પાક ઉપર બાજેલા ઝાકળના ટીપા બરફમાં રૂપાંતરિત થયેલા નજરે પડ્યા હતા. હાડ કંપાવી દે તેવી ઠંડીથી ત્રસ્ત લોકો સવારે ૧૦ વાગ્યા સુધી પોતાના ઘરોમાં ભરાઈ રહ્યા હતાં.
હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી ૧૪મી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ સુધી કાતિલ ઠંડીનો આ દોર ચાલુ રહેશે. રાજસ્થાનના અન્ય ભાગો જેસલમેર,બાડમેર અને બિકાનેરમાં બોર્ડર પર આજે ૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે સવારે સમગ્ર રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. ચુરુ, પિલાની અને માઉન્ટ આબુમાં તાપમાન બે ડિગ્રી નીચે રહ્યું હતું. જ્યારે જયપુર, અજમેર અને જોધપુરમાં લઘુત્તમ તાપમાન ૬.૩ ડિગ્રીની આસપાસ રહ્યું હતું.
જો કે, રાજ્યમાં દિવસ દરમિયાન તડકો રહેવાથી લોકોને ઠંડીમાં થોડી રાહત રહી હતી પરંતુ રાત શરૂ થતાં ચાર કલાક બાદ ફરીથી કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ રહ્યો છે.
જયપુરમાં જિલ્લા તંત્રએ તમામ સ્કૂલોનો સમય દિવસમાં સવારે ૧૦ વાગ્યાનો કરી દીધો છે. જ્યારે ફતેહપુર જેવા વિસ્તારોમાં શાળાઓમાં ૭ દિવસની રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *