મોબાઈલથી હવે કુટુંબોમાં પણ ખતરાની રીંગટોન

a2

તમો એ વાત મહેસુસ કરો જયારે તમારો મોબાઈલ તમારી આસપાસ ન હોય, આ સ્થિતિ ફકત તમારી કે મારી નથી પુરા ભારત જ નહી પુરી દુનિયાની છે.સ્માર્ટ ફોનના આગમન બાદ જે રીતે તે વિશ્ર્વભરમાં ફેલાયો છે તેથી હવે તે શરાબ કે સિગારેટ કરતા પણ ખતરનાક વળગણ બની ગયુ છે. આજે દુનિયામાં સરેરાશ વ્યકિત સવારે આંખ ખુલે એટલે પહેલા મોબાઈલ ચેક કરે છે રાત્રીના બેડમાં પણ તેનું આખરી કામ પણ મોબાઈલ પર નોટીફીકેશન ચેક કરવાનું હોય છે. સ્માર્ટ ફોને આપણી રોજબરોજના સામાન્ય ક્રમને પણ બદલી નાંખ્યા છે. હાલમાં જ વિશ્ર્વના ૩૦ દેશો જે સૌથી વધુ સ્માર્ટફોન ધરાવે છે (આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે) અને આ દેશોમાં ૮૩ ટકા લોકો સ્માર્ટ ફોન ધરાવે છે. તેમાં અમેરિકા-રશીયા-ચીન જેવા દેશોનો સમાવેશ થાય છે તેમાં જણાયુ કે ૭૮ ટકા લોકો જાગ્યાના ૧૫ મીનીટમાં અને ૫૦ ટકા તો પાંચ જ મીનીટમાં તેનો મોબાઈલ ચેક કરે છે.
એક સમયે મોબાઈલ એ વોઈસ કોલીંગ ઉપરાંત એસએમએસ અને વધુમાં વધુ ઈ-મેલ ચેક કરવાનું ઈન્સ્ટ્રુમેન્ટ હતું પણ આજે સ્માર્ટફોન હાથમાં હોય તો મલ્ટીકાસ્ટ જેવી સ્થિતિ બને છે પણ ગઈકાલે એક ઘટનાએ સૌને હચમચાવી દીધા, રાજકોટનાં ૧૪ વર્ષના એક તરૂણે ફકત મોબાઈલ પર ગેઈમ રમવા અંગે પિતાએ ટપારતા તેણે પળનો વિચાર કર્યા વગર ગળાફાંસો ખાઈને જીંદગીનો અંત લાવી દીધો તો આઘાત એ લાગ્યો કે મોબાઈલનું વળગણ આ હદ સુધી હોઈ શકે તે છીનવાઈ જવાથી જીંદગી પણ દુષ્કર લાગે! આ સ્થિતિ પ્રથમ નથી મોબાઈલના કારણે પતિ-પત્નિ ભાઈ-બહેન, માતા-પિતા, મિત્રો અને સાથીદારો સાથે તનાવ વિવાદ ઝઘડાથી લઈને હત્યા સુધીની સ્થિતિ બનવા લાગી છે. આજે ઘરમાં એ દ્રશ્ય સામાન્ય થઈ ગયુ છે કે દરેક સભ્ય પોતાના મોબાઈલ-ટેબ્લેટ-લેપટોપ પર વ્યસ્ત હોય. અત્યંત નજીક જ હોવા છતાં એક બીજાથી લાખો કી.મી.દુર હોય તેવો અહેસાસ થાય છે. મોબાઈલમાં વ્યસ્ત હોય તો કદાચ કોઈ ડિસ્ટર્બ કરે તો પણ ગમતું નથી. ૨૦ મી સદીની આ મહાન શોધ આજે ૨૧ મી સદીનું સૌથી મોટુ વળગણ બની ગયુ છે. વાસ્તવમાં આ વળગણ એટલુ ઘેરૂ છે કે બ્રિટન અને અમેરિકામાં યુગલો અંગત પળ માણવાના બદલે સેલફોનમાં વ્યસ્ત રહેવાનું વધુ પસંદ કરે છે.
એ ચોકકસ છે કે સેલફોન કે સ્માર્ટફોનના લાભો એ ગેરલાભ કરતાં અનેક ગણા વધુ છે પણ તેનો જો મર્યાદિત ઉપયોગ થાય તો વાસ્તવમાં તેના વળગણથી અમેરિકાના એક વખતના પ્રમુખ બારાક ઓબામા પણ બાકાત નથી. જેઓ પોતાના બન્ને બ્લેક બેરી ફોનથી અલગ રહી જ શકતા નથી. પણ હવે આ રોગ આપણા બાળકો અને ટીનએજર સુધી પ્રસરી ગયો છે ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સનાં બીહેવીયર એડીકશન કલીનીકમાં ૧૯ વર્ષનાં એન્જીનીયરીંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીને લવાયો હતો. કોલેજમાંથી એટલે કાઢી મુકયો કે તેને તે કલાસ એટેન્ડ કરતો જ ન હતા તે રોજના ૧૪ કલાક તેના મોબાઈલ પર ચેટ-ગેઈમીંગ અને પોર્ન સાઈટ સુધી જતો હતો. એઈમ્સના આ કલીનીકમાં રોજ સરેરાશ સાત એવા ટીનએજર ૧૩ થી ૧૪ વર્ષના આવે છે જેને મોબાઈલની આદત તમામ મર્યાદા પાર કરી ગઈ હોય છે. એઈમ્સના સાઈકીયાસ્ટ્રીટ ડો.યતીન પાલસિંઘ કહે છે કે અમારી પાસે સ્માર્ટ ફોનનો શિકાર બનેલા ટીનએજર્સને સારવાર માટે લઈ આવતા માતા પિતા પણ સ્વીકારે છે કે તેમના સંતાનોને આ આદત પાડવા માટે તેઓ પણ જવાબદાર છે. પોતાનું બાળક સ્માર્ટ છે તે દર્શાવવા અગાઉ માતા-પિતા તેના સંતાનને મહેમાનો સમક્ષ ડાન્સ કરાવતા અંગ્રેજી બોલાવતા કે કોઈ હોબીનું વર્ણન કરતાં આજે એ સ્થિતિ છે કે માતા પિતા ખુદ સ્માર્ટ ફોનમાં વ્યસ્ત હોય છે તો તેમના સંતાનો તેમના ડીસ્ટર્બ ન કરે તેથી તેને સ્માર્ટફોન પકડાવી દે છે. મોટા શોપીંગ મોલથી લઈને સિનેમા ઘર કે રેસ્ટોરામાં એવા બાળકો જોવા મળશે જે તેના માતા કે પિતા આરામથી શોપીંગ કરે છે અથવા તો મુવી જુએ છે અને બાળકને મોબાઈલમાં વ્યસ્ત હોય છે.
મતલબ કે મોબાઈલ ફોને હવે બેબી સીટરનું સ્થાન લઈ લીધુ છે જયાં નાના બાળકો માતા-પિતાને ડીસ્ટર્બ ન કરે તેથી તેને સ્માર્ટ ફોન આપી દેવામાં આવે છે. વાસ્તવમાં ડો.યતીન પાલસિંઘ કહે છે કે સ્માર્ટ ફોન એ હેરોઈન કે કોકેઈન જેવુ વળગણ બાળકોમાં ઝડપથી થાય છે. નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ મેન્ટલ હેલ્થ ન્યુરો સાયન્સ કલીનીકમાં એસએચયુટી (સાયન્સ ફોલ હેલ્ધી યુઝ ઓફ ટેકનોલોજી) નામનો ખાસ વિભાગ શરૂ કરાયો. જેમાં મોબાઈલની આદતથી ડીસ ઓર્ડર થયેલા બાળકો ટીન એજર્સનો ઈલાજ કરવામાં આવે છે અને ત્યાં રોજના પાંચ કેસ આવે છે. હવે તેઓ માનસશાસ્ત્રીઓ (સાયકોલોજીસ્ટ) અને મનોચિકિત્સક (સાઈકીયાટ્રીકસ) માટે એસએચયુટી નો ખાસ કોર્ષ શરૂ કર્યો છે. જે મોબાઈલ કે તેવી ટેકનોલોજીનાં વળગણથી કેમ છુટકારો મળે તેનો અભ્યાસ કરાવે છે.
વાસ્તવમાં આ ફકત હજું પ્રારંભ જ છે. ભારતમાં ડેટા વપરાશ વધવા લાગ્યો છે. છતાં વિશ્ર્વના અનેક દેશોથી તે પાછળ છે. જાણીતી રેટીંગ એજન્સી કિસીલના જણાવ્યા મુજબ આગામી પાંચ વર્ષમાં ડેટા વપરાશ પાંચ ગણો વધી જશે અને પ્રક્રિયામાં બાળકો ટીન એજર્સ અને યુવાનો સ્માર્ટ ફોનના જે ‘અવતાર’ બની જશે તેવું નિષ્ણાંતો માને છે. દિલ્હીની મેકસ હોસ્પીટલના બીહેવીયર સાયન્સના વડા ડો. સમીર મલ્હોત્રા કહે છે કે તમોના ડિપાર્ટમેન્ટ યોજના ૫-૬ કેસ હેન્ડલ કરે છે. આ વળગણ એટલું ગંભીર બની રહ્યું છે કે બાળકો હવે ઉંઘમાં પણ તેની આંગળીઓ સ્માર્ટફોન સ્ક્રીન પર ફેરવતા હોય તે રીતે આસપાસ ફેરવતા હોય છે. વાસ્તવમાં બાળકો ટીન એજમાં જે મોબાઈલ એડીકશન આવે છે. તેની માતા-પિતા-ભાઈ-બહેન-મિત્રોના કૌટુંબિક સામાજીક સંબંધો પણ અસર પાડવા લાગ્યા છે અને આગામી દિવસોમાં તેના રીલેશનશીપ-સંબંધો જાળવવાની ક્ષમતા પર પણ નકારાત્મક અસર પાડશે. બ્રિટન અને યુરોપમાં તો આ રોગ હવે વકરી ગયો છે. અહીં સંબંધો અગાઉ જ તકલાદી હતી અને તેમાં સ્માર્ટફોનથી તિરાડ વધી મોટી બની છે. બ્રિટનમાં પાંચથી ૧૪ વર્ષના દરેક બીજા બાળક પાસે આજે સ્માર્ટ ફોન છે અને તેઓ તેમના મિત્રોને રોજ સેકડો સંદેશા-વિડીયો-ફોટો મોકલે છે. મોબાઈલ એડીકશન પર વ્યાપક સંશોધન કરનાર અગ્રણી સોશ્યોલોજીસ્ટ ડો. હિસાબો લીશીએ તારણ આપ્યું છે કે ટીન એજર્સ તેની દરેક મીનીટનો ઉપયોગ મિત્રને મેસેજ કે વિડીયો ફોટો મોકલવામાં કરે છે તેમાં કોમ્યુનીકેશનનો કોઈ અર્થ જ હોતો નથી. બસ કિપ-ઈન-ટચ નો જ ભાવ હોય છે. વાસ્તવિક સંદેશાઓનું સ્થાન સુપર ફેસીયલ કોમ્યુનીકેશને લીધું છે. જેમાં તેનો એકટ ઓફ કોમ્યુનીકેશન કે દર્શાવવાનો જ હોય છે. બ્રિટનમાં એક સમય એવો હતો કે જયારે રૂબીક કયુબ કે ફર્યુર્બી દરેક (પઝલ) ટીન એજરના હાથમાં જોવા મળતી હતી અને ટીન એજર્સ તે પઝલ ઉકેલવામાં જ વ્યસ્ત જણાતા હતા અને સ્પર્ધા પણ કરતા હતા. પ્લે ગ્રાઉન્ડમાં પણ બાળકો સ્પર્ધા કરતા આજે મોબાઈલ તેમનું નવું પ્લેગ્રાઉન્ડ છે જે પૂર્ણ કાલ્પનિક છે. સ્કુલ-કોલેજોમાં સ્ટુન્ડસ પક્ષના એકથી વધુ વોટસએપ ગ્રુપ બનાવે છે અને જે સૌથી વધુ ગ્રુપમાં હોય તે સૌથી વધુ હોશીયાર ગણાય છે તો ગ્રુપમાં નહી હોવા બદલ ટીન એજર્સ ખુદને તરછોડાયેલા કે એકલા મહેસુલ કરે છે. મોબાઈલ એ રમત ગમતના મેદાનનું સ્થાનતો લઈ જ લીધુ છે. ટીન એજર્સ તેના અભ્યાસના સમય ચોરી લઈને ટેક્ષ મેસેજ કે ચેટ કરી લે છે. હવે તો ઓનલાઈન એજયુકેશનલ એપ્લીકેશન પણ વધવા લાગ્યા છે જેથી ટીન એજર્સને ઓનલાઈન રહેવા માટેનું એક ઔર બહાનું મળી ગયું છે.
આ સ્થિતિમાંથી ઉગરવા સ્માર્ટ-પેરેટીંગ એટલે કે માતા-પિતાએ સ્માર્ટ બનવું પડશે. મોબાઈલથી બાળક કે ટીન એજર્સને દૂર તો રાખી શકાશે નહી. હવે તો સ્કુલોમાં પણ ટેબ્લેટ-ડીજીટલ બુક અને કલાસમાં ડીજીટલ બોર્ડ આવી ગયા છે. બાળકોની શાળા-ઓના એપ્લીકેશન તેના મોબાઈલ પર આવ્યા છે. જેથી તેનાથી દૂર થવું સહેલું નથી અને શકય પણ નથી પણ માતા-પિતાએ ખુદે મોબાઈલના ઉપયોગ પર કંટ્રોલ કરવો જરૂરી છે. ચોકકસ પણે હવે નોકરી-વ્યવસાયમાં મોબાઈલ કે ડીજીટલ ગેઝેટ એ આવશ્યકતા બની ગયા છે અને હવે ઘર પણ વાઈફાઈ-ડીઝીટલ બનવા લાગ્યા છે પણ હવે એ સમય આવી ગયો છે કે કૌટુંબિક સંસ્કારની જેમ હવે મોબાઈલ સંસ્કાર પણ બાળકમાં આવે તે જરૂરી છે.
માતા-પિતાએ મોબાઈલનો બેબીસીટર તરીકે ઉપયોગ છોડવો પડશે તેના સંતાનોને ટચ સ્કીનના પ્લે ગ્રાઉન્ડની સાથે વાસ્તવિક પ્લેગ્રાઉન્ડ પર લઈ જવા પડશે આજે જયારે રાજકોટમાં એક ટીન એજર્સે મોબાઈલના કારણે આત્મહત્યા કરી તો તેના પિતા ટીવી ચેનલમાં અફસોસ દર્શાવતા હતા તેની પાસે જ બેસેલા એક કુટુંબીજન તેના સ્માર્ટ ફોન પર વ્યસ્ત હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *