મોદી , શાહ અને ગાંધી: ગુજરાતની ચૂંટણી ત્રણેય માટે આંધી

a4

ગુજરાતનાં પરિણામોની આ દૂરોગામી સંભાવનાઓને બરાબર પિછાની લઈ કોંગ્રેસ પક્ષે હિમાચલ
પ્રદેશને મુખ્યમંત્રી વીરભદ્રસિંહના ભરોસે સોંપી ગુજરાતમાં જી-જાનની બાજી લગાવી દીધી છે
ગુજરાતની ચૂંટણીનું જે સર્વાંગી ચિત્ર ઉપસી રહ્યું છે તેમાં આ ચૂંટણી પરિણામોની અસર ભાજપ અને કોંગ્રેસના ભાવિ રાજકારણ પર તો પડવાની જ છે, પરંતુ વધારામાં રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભાવિ રાજકારણ પર પણ પડવાની છે. ૧૮ ડિસેમ્બરે ગુજરાત અને હિમાચલ પ્રદેશ બન્ને રાજ્યોમાં ભાજપનો ડંકો વાગશે તો આ બન્ને રાજપુરુષોની જોડી અજય અને અપરાજિત મનાવા લાગશે અને ઉત્તરપ્રદેશની વિધાનસભાના પરિણામો પછી બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે જેમ કહ્યું હતુ કે ૨૦૧૯ની ચૂંટણીમાં વિપક્ષોને નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ જડશે નહીં તેનો સર્વ સ્વીકાર થવા લાગશે.
ગુજરાતનાં ચૂંટણી પરિણામો રાજકીય પરિભાષામાં, ગેમ ચેન્જર બની રહેશે તે તો નિર્વિવાદ છે, પરંતુ બાજી પલટાવનારાં આ પરિણામો કોની તરફેણમાં આવશે, ભાજપ કે કોંગ્રેસની તરફેણમાં ? એ સૌથી રસપ્રદ છે. આ પરિણામો જે કંઇ આવશે, પણ તે કેવળ ગુજરાત પૂરતાં સીમિત રહેવાનાં નથી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ અને આવતે વર્ષે થનારી કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઓ પર તેની સીધી અસર કોઈ રોકી શકવાનું નથી. સંભવત: ગુજરાતનાં પરિણામોની આ દૂરોગામી સંભાવનાઓને બરાબર પિછાની લઈ કોંગ્રેસ પક્ષે હિમાચલ પ્રદેશને મુખ્યમંત્રી વીરભદ્રસિંહના ભરોસે સોંપી ગુજરાતમાં જી-જાનની બાજી લગાવી છે. રાહુલ ગાંધીના ગુજરાતના ઉપરાછાપરી પ્રવાસો અને પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ કે ઓબીસીના નેતા અલ્પેશ ઠાકોર અને દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણી જેવા જ્ઞાતિ-જાતિવાદી નેતાઓએ ઊભા કરેલા ધ્રુમ્રપટને કારણે ૨૨ વર્ષોનો રાજકીય વનવાસ કોંગ્રેસને પૂરો થતો દેખાવા લાગ્યો છે, તો સામે ભાજપનો વિજયરથ ગુજરાતમાં અટકી પડે તો આવતે વર્ષે થનારી રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભાજપને માટે આકરાં ચડાણો તો સાબિત થવા લાગે, પરંતુ વધારામાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ પણ મુશ્કેલ બની રહે.
આ વર્ષના આરંભમાં પંજાબની ચૂંટણી કોંગ્રેસ જીતી હોવા છતાં તે ગેમ ચેન્જર બની શકી ન હતી. આનું કારણ એ છે કે સૌ પ્રથમ તો પંજાબમાં નરેન્દ્ર મોદી અને ભાજપનો પરાજય ન હતો, પરંતુ એક દાયકાથી શાસન કરતા અકાલીદળનો પરાજય હતો અને અહીં ભાજપ માત્ર જુનિયર ભાગીદાર હતો. આ ઉપરાંત પંજાબમાં કોંગ્રેસનો વિજય થયો હોવા છતાં આ સાથે થયેલી ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પંજાની પાંચેય આંગળીઓ કપાઈ ગઈ હતી અને નવી વિધાનસભામાં તેને માત્ર સાત જ બેઠક મળી. વધારામાં ગોવા, મણિપુર અને અરુણાચલમાં ત્રિશંકુ પરિણામો વચ્ચે ભાજપે સત્તા કબજે કરી લેતાં પંજાબનો વિજય તેને માટે સાવ ઝાંખો થઈ ગયો હતો. આ સાથે ગુજરાતમાં કોંગ્રેસનો વિજય થાય તો પણ તેનો ભવિષ્યનો રાજકીય ઉદય નિશ્ચિત બની રહેશે તેવું પણ સ્વીકારી શકાય તેમ નથી. ખાસ કરીને ૧૮મી ડિસેમ્બર જ્યારે પરિણામો આવશે ત્યારે સાથે હિમાચલ પ્રદેશનાં પરિણામો પણ બહાર પડશે અને અહીં કોંગ્રેસની સત્તાવાપસી લગભગ નહીંવત જ છે. આથી ગુજરાતમાં વિજય અને હિમાચલ પ્રદેશનો પરાજય એકબીજાના છેદ સંપૂર્ણપણે તો નહીં ઊડાવી મૂકે તો પણ કોંગ્રેસનો ઉત્સાહ તો સારા પ્રમાણમાં વધારી દેશે. પરંતુ આ સંભાવનાઓ સામે કોંગ્રેસનો વનવાસ વધારે પાંચ વર્ષ માટે લંબાય તેવી ભૂમિગત વાસ્તવિકતાઓ વચ્ચે ગુજરાત અને હિમાચલ બન્ને રાજ્યોમાં કોંગ્રેસનો પરાજય થશે તો કોંગ્રેસમુક્ત ભારતનું ભાજપનું સૂત્ર વધારે માન્યતા પ્રાપ્ત કરવા લાગશે અને આવતા વર્ષે થનારી રાજ્યોની ચૂંટણીઓમાં કેસરિયા ધ્વજને વધારે લોકસમર્થન પ્રાપ્ત થવા લાગશે. આવાં પરિણામો તો ચૂંટણીઓ આવશે ત્યારે આવશે, પરંતુ ગુજરાતના વિજય સાથે નોટબંધીની સાથોસાથ જીએસટીના વિવાદ પર પણ પડદો પડી જશે અને વધારામાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનો શક્તિશાળી મોરચો ખડો કરવામાં વિપક્ષને મુશ્કેલીઓ પડશે.
વધારામાં કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની તાજપોશીની તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે પરાજય સાથે અધ્યક્ષપદનો આરંભ થતાં કોંગ્રેસ પક્ષને બેઠો કરવાની કવાયત વધારે મુશ્કેલ બની રહેવાની છે.
કોંગ્રેસ માટે ગાંધી-નહેરુના વારસાગત નેતૃત્વમાંથી મુક્ત થવું સહેલું નથી અને પક્ષનો એક મોટો વર્ગ આ પરિવારિક નેતૃત્વને અનિવાર્ય પણ માને છે તેમ છતાં પરાજયના વણથંભ્યા સિલસિલાને રોકવા માટે નહેરુ-ગાંધી પરિવારના પારિવારિક નેતૃત્વની સામે અવાજ ઊઠવા લાગે તો પણ નવાઈ નહીં. ખાસ કરીને ૨૦૧૪ પછી એવું બનતું ચાલ્યું છે કે જે વિસ્તારોમાં રાહુલ ગાંધી ચૂંટણીપ્રચાર કરતા હતા તે વિસ્તારોમાં કોંગ્રેસનો મહદ્અંશે પરાજય જ થતો રહ્યો છે. હવે ગુજરાતમાં તો સોનિયા ગાંધી ચૂંટણીથી સાવ અલિપ્ત જ રહ્યાં છે અને એકમાત્ર રાહુલ જ સર્વમાન્ય નેતા તરીકે ચૂંટણીની જવાબદારી અદા કરતા રહ્યા છે ત્યારે પરાજયની જવાબદારી પણ તેમના એકલાના માથે આવે તે પણ સ્વાભાવિક જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *