માર્ગોના ખાડા-પેચવર્ક કામો ૧૦ દિવસમાં પુરા કરો:રૂપાણી

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના આઠ મહાનગરોમાં આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદથી શહેરી માર્ગોને થયેલા નુકસાનની યુદ્ધના ધોરણે મરામત કામગીરી ૨૦ ઓકટોબર સુધીમાં પૂર્ણ કરવા તંત્રીવાહકોને તાકીદ કરી છે.
મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યના આઠેય મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૂરત, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરના મેયર-સ્ટે. કમિટિ ચેરમેન તથા મ્યુનિ. કમિશનરો સાથે વીડીયો કોન્ફરન્સ બેઠક યોજી મહાનગરોની માર્ગોની સ્થિતિ, થઈ રહેલા મરામત કામોનો જાયજો મેળવ્યો હતો.
રૂપાણીએ ગુજરાતમાં સારા રસ્તા, સારી સ્વચ્છતા, સારી વ્યવસ્થાની જે આગવી છાપ જનમાનસમાં છે તે સતત જળવાઈ રહે અને નગરજનોને રસ્તા માર્ગોની મરામત, પેચવર્ક, રિપેરીંગ થઈ રહ્યા છે તેની સતત અને પ્રત્યક્ષ અનુભૂતિ થાય તે રીતે તંત્રવાહકો આપત્તિને અવસરમાં પલટાવી કાર્યરત થાય તેવો અનુરોધ કર્યો હતો.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સાફ શબ્દોમાં જણાવ્યું કે, માર્ગો મરામતના કામો સમયસર અને ગુણવત્તાયુકત પૂર્ણ થાય તે અતિ આવશ્યક છે. ગુણવત્તા પ્રત્યે નિષ્કાળજી- બેદરકારીઓને પણ આવા મરામત કામોની સ્થળ મુલાકાત લઈને જાતે નિરીક્ષણ કરવા તાકીદ કરી હતી. મહાનગરોનાં માર્ગોમાં થયેલા ખાડા ૧૦ દિવસમાં પેચવર્ક, રિસરફેસથી પૂરીને પૂર્વવત સ્થિતિ લાવવાની તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
રૂપાણીએ રોજબરોજની આવી મરામત કામગીરીનો અહેવાલ શહેરી વિકાસ અગ્રસચિવને પહોંચાડતા રહેવા પણ મ્યુ. કમિશનરોને સૂચન કર્યું હતું.
નીતિન પટેલે ચૂંટાયેલા પદાધિકારીઓ પણ પોતાના વોર્ડ, વિસ્તારના માર્ગોના મરામત કામોના સ્થળે જઈને કામગીરી નિરીક્ષણ કરે તેમ મેયરો-સ્ટે. કમિટિના અધ્યક્ષોને સૂચવ્યું હતું.
આગામી દિવાળી પહેલાં નગરોના રસ્તા, સોસાયટી, ગલી-કૂચીના માર્ગો પણ પેચવર્ક, રિસરફેસ અને રિપેરીંગથી પહેલાં જેવાજ બની જાય તેની તકેદારી રાખે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ બેઠકમાં મુખ્ય સચિવ ડો.જે.એન. સિંહે શહેરી વિકાસ વિભાગ દ્વારા મહાનગરોને રસ્તા રિપેરીંગ હેતુથી ફાળવાયેલ ગ્રાન્ટની રકમ અને તે અંતર્ગત થયેલા કાર્યોની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીના મુખ્ય અસરગ્રસચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમ.કે. દાસ, શહેરી વિકાસ અગ્રસચિવ મૂકેશ પૂરી અને વરિષ્ઠ અધિકારીઓ આ વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *