બેકારીમાં સોના જેવા યુવાધનને લાગ્યો કાટ

aa1

સરકારે ર૦૧૮-૧૯ના બજેટમાં કૃષિક્ષેત્રને મહત્ત્વ આપ્યું, એ યોગ્ય જ છે, કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન છે અને ખેતી પ્રધાન રહેવું, એ જ તેના હિતમાં છે એ, એટલા માટે કે, મોટા ઉદ્યોગો દેશના અર્થતંત્રમાં એટલો ફાળો નથી આપી શકતા કે, આપણે યુરોપના દેશોની માફક કૃષિ પેદાશો આયાત કરી શકીએ! નિકાસ ન થાય તો ચાલે, પણ દેશમાં કૃષિ પેદાશોની અછત ન વર્તાવી જોઈએ.
કૃષિક્ષેત્ર પાસેથી રોજગારીની કેટલી અપેક્ષા રાખી શકાય એ દેશના નાણાં પ્રધાન બરાબર જાણતા જ હશે! કંઈ નહીં તો કૃષિ પરિવારો બે પૈસા વધારે રળતા હશે તો તેમની બેરોજગારીનો પ્રશ્ર્ન હલ થઈ જશે. એ દિશામાં મક્કમપણે આગળ વધવાની જરૂર છે જ.
એક અંદાજ મુજબ દેશમાં બાર કરોડ લોકો બેરોજગાર હોવાનું જાણવા મળે છે. જે અંદાજે દેશની લોકવસ્તીના ૧૧ ટકા જેટલું પ્રમાણ ગણાય! એ આંકડાના કારણે ભારત દેશ દુનિયાનો સૌથી વધારે બેરોજગાર ધરાવતો દેશ બની ગયો છે. તેમાં પણ ર૦૧૫ના વર્ષમાં બેરોજગારીનો દર, પાંચ વર્ષના સૌથી ઊંચા સ્તરે જોવા મળ્યો હતો. એ નાણાકીય વર્ષ દરમિયાન માત્ર ૧ લાખ ૩૫ હજાર લોકોને જ નોકરી મળી હતી.
છેલ્લા ચાર વર્ષથી સ્થિતિ એવી પેદા થઈ છે કે, દરરોજ ૫૫૦ વ્યક્તિ બેરોજગાર બને છે. તેમાં પણ મહિલાઓનું બેરોજગારીનું પ્રમાણ ૮.૭ ટકાના દરે વધ્યું છે અને આઘાતજનક બાબત એ છે કે, શ્રમ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતમાં સ્વરોજગારીની તકો પણ ઘટી જતી જોવા મળે છે! તેથી નોકરીઓનું પ્રમાણ ઓછું થતું ગયું છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ ર૦૧૮-૧૯ના વર્ષ દરમિયાન ભારતમાં બેરોજગારી ૩.૫ ટકાના દરે વધવાની શક્યતા છે. જોકે આ સ્થિતિ સમગ્ર વિશ્ર્વમાં ઓછા-વધતા અંશે પેદા થવાની છે. તેના છેલ્લા અહેવાલ મુજબ ભારતમાં ર૦૧૮ના વર્ષમાં ૧.૮૬ કરોડ અને ર૦૧૯માં ૧.૯૦ કરોડ લોકો બેરોજગાર બનવાના છે. ર૦૧૭માં એ સ્થિતિ ૧.૮૩ કરોડની હતી.
આવા સંજોગોમાં, જોકે સરકારે મજાક તો નહીં જ કરી હોય, પણ આશ્ર્ચર્ય તો ઊભું કર્યું જ છે કે, વડા પ્રધાન એમ કહે કે, પકોડા વેચવા પણ એક પ્રકારનો રોજગાર છે અને એજ બાબતે ભાજપના પ્રમુખ અમિત શાહે વડા પ્રધાનની વાતને ટેકો આપ્યો… આ બાબત દેશ આખામાં મજાક બનીને પ્રસરી છે. કરોડો યુવાનો ઉચ્ચ શિક્ષણની ડિગ્રી હાથમાં લઈને ફરે છે, લાખો યુવાનો સરકારી તાલીમ કેન્દ્રોમાંથી પ્રમાણપત્ર મેળવ્યા છતાં નોકરી માટે ભટકે છે, ત્યારે નપકોડાથની વાત તેમના માટે નદાઝ્યા પર ડામથ આપવા જેવી ગણી શકાય.
વડા પ્રધાને હોદ્દો સંભાળ્યો તે પહેલાં જ વચન આપ્યું હતું કે, દર વર્ષે બે કરોડને રોજગારી પૂરી પાડવામાં આવશે. સ્થિતિ આપણી સામે છે, પછી તો વિપક્ષ વડા પ્રધાનને પૂછે જ ને કે તમારી રોજગારીની વ્યાખ્યા શું છે? પકોડા? આઈએલઓએ દર્શાવ્યા તેમાંથી તમે કેટલાને સરકારી નોકરીઓ આપી? અરે, કોણ પૂરું પાડવાનું છે, બાર કરોડ લોકોને રોજગારી? નાણાં પ્રધાન જેટલી બજેટ રજૂ કરતાં એમ કહે છે કે, જોબ માર્કેટમાં નઅત્યંતથ સુધારો થઈ રહ્યો છે!
અને ર૦૧૮ના વર્ષમાં ૭૦ લાખ બેકારોને રોજગારી આપવાની તકો ઊભી કરવામાં આવશે. કહેવાય છે કે, એ વાત તેમણે એસ.બી.આઈ.ના ગ્રુપ ચીફ એડવાઈઝર ડૉ. સૌમ્યક્રાંતિ ઘોષ અને આઈઆઈએમ બેંગલોરના પ્રોફેસર પુલક ઘોષ દ્વારા તૈયાર કરવામાં અહેવાલના આધારે કરી છે.
મોદીએ આઠ રાજ્યો ઉપરાંત લોકસભાની ચૂંટણીઓ જીતવાની છે, એવા સમયે દેશમાં રોજગારી અંગેનો માહોલ અત્યંત કંગાળ જોવા મળે છે અને એ એજ બેરોજગાર યુવાનો છે, જેમણે મોદીના વચન પર વિશ્ર્વાસ મૂકી ખોબલે ખોબલે મત આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *