ફિલ્મ પદ્માવતી : કામાંધ રાજા સામે ‘સતીત્વ’ની ગરિમાનો ઇતિહાસ

padmavatic

સંજય લીલા ભણસાલીની પૂર્વ-ફિલ્મોની જેમ જ આવનારી ફિલ્મ પદ્માવતી પણ વિવાદમાં ઘસડાઈ ગઈ છે. ફિલ્મનું શુટિંગ શરૂ થયું ત્યારે જ રાજસ્થાનમાં કરણી સેના દ્વારા ફિલ્મની વાર્તામાં પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજી વચ્ચેના સંબંધો ખોટી રીતે રજૂ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વર્તમાનમાં આ ફિલ્મનું એક ગીત અને ટ્રેલર રજૂ થયું છે. ફિલ્મ ૧લી ડિસેમ્બરના રોજ રીલીઝ થવાની છે ત્યારે સમગ્ર દેશમાં – ખાસ કરીને રાજપૂત સેના દ્વારા તેનો ઉગ્ર વિરોધ થયો છે. ખાસ કરીને ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી અને રાણી પદ્માવતીના સપનામાં જોયેલાં પ્રેમદૃશ્યો (ડ્રિમ સિક્વન્સ)નો વિરોધ થઈ રહ્યો છે. અન્ય રાજ્યો જેમ ગુજરાતમાં પણ ફિલ્મનો સખત વિરોધ થઈ રહ્યો છે. અખિલ ગુજરાત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય સંગઠને ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ‘પદ્માવતી’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
અખિલ ગુજરાત યુવા સંઘના પ્રમુખ પીટી જાડેજાએ પત્ર લખી જણાવ્યું છે કે, ‘અલાઉદ્દીન ખિલજીએ જનતા પર અત્યાચાર કર્યા હતા. તે એક રાક્ષસ હતો. ક્ષત્રિય મહિલાઓની આન-બાન અને શાન ખંડિત ન થાય તે માટે પદ્માવતીની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ ફિલ્મને ગુજરાતમાં રિલિઝ કરતાં અટકાવવી જોઈએ.’ આ ઉપરાંત દેશભરના વિવિધ સંગઠનો દ્વારા આ ફિલ્મને રિલિઝ થતી અટકાવવા માટે પ્રધાનમંત્રી સહિત વિવિધ મંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ વિરોધ પાછળનું ખરૂકારણ શું છે તે જાણવુ જરૂરી છે.
રાજપૂત ગૌરવ ટ્રસ્ટના બટુકસિંહ આર. વાઘેલાએ જણાવ્યું કે, ‘રાજસ્થાનમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો છે. ગુજરાતમાં હાઈકોર્ટમાં રીટ કરાઈ છે. પદ્માવતી ક્ષત્રિયાણી હતાં, એ દેવી હતાં અને ૧૬ હજાર રાણીઓ સાથે એમણે જૌહર કર્યું હતું. આવાં સતી રાણીને અલાઉદ્દીન ખિલજીને આવેલા સપનામાં અલાઉદ્દીન સાથે રોમાન્સ કરતાં બતાવ્યાં, જે ભલે કલ્પનાની વાત છે તો પણ લાખો લોકો ફિલ્મ જોવાના છે. કપોળકલ્પિત વાત લોકોમાં જાય છે તેથી અમારી લાગણી દુભાઈ છે.’ ફિલ્મનો વિરોધ કરનારા અન્ય કેટલાંક લોકોનું કહેવું છે કે, ‘ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસમાં ગૌરવભર્યું સ્થાન ધરાવતી વ્યક્તિઓને ખોટી રીતે રજૂ કરવાની પરવાનગી આપવામાં આવવી ન જોઈએ. આ અંગે ધર્મપ્રેમી અને સંસ્કૃતિપ્રેમી હિન્દુ સમાજમાં ખૂબ જ રોષ છે. ફિલ્મ અને મનોરંજનના નામે ઇતિહાસ અને સંસ્કૃતિની અયોગ્ય રજૂઆત થાય નહીં એ આવશ્યક છે. પદ્માવતી ફિલ્મનું નિર્માણ પૂર્ણપણે વેપારી હેતુઓથી કરાયું છે. તેમાં પદ્માવતીના પાત્રનું ચિત્રણ હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે એવું છે.’
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજ શેખાવતે કરેલી ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જાહેર હિતની રિટ અરજીમાં એવા મુદ્દા ઉપસ્થિત કરાયા છે કે, ‘રાણી પદ્માવતીની વાત ૧૩મી અને ૧૪મી સદીની છે, જે ચિત્તોડગઢના પદ્માવત રાજ્યની રાણી હતી. દિલ્હી સલ્તનતના ક્રૂર શાસક અલાઉદ્દીન ખિલજીએ વર્ષ ૧૩૦૩માં ચિત્તોડગઢ પર હુમલો કર્યો હતો, તેનું કારણ પદ્માવતી ન હતું. રાણી પદ્માવતીનું વાસ્તવિક નામ પદ્મિની છે. જૈન ગ્રંથમાં રાણી પદ્માવતીના પતિ એવા મેવાડના રાજપૂત શાસક રાવલ રતનસિંહનો ઉલ્લેખ છે, પરંતુ ખિલજી સાથે તેના કોઈ સંબંધની ચર્ચા નથી. જૈન ધર્મનું પુસ્તક ૧૪મી અને ૧૬મી સદીમાં લખાયું હતું. સંજય લીલા ભણશાલીની ફિલ્મમાં ઇતિહાસની વાસ્તવિક કથાથી અલગ જ ચિત્ર અને રાણી પદ્માવતીનું ચરિત્ર રજૂ કરાયું છે, જેના કારણે મહાન હિન્દુ રાજપૂત રાણી પદ્માવતીની છબી, પ્રતિષ્ઠા અને ગરિમાને હાનિ પહોંચી છે.’
અગાઉ સંજય લીલા ભણસાલીની જ ફિલ્મ ‘રામ-લીલા’ પણ જાતિગત કારણોસર વિવાદમાં આવી હતી અને તેમણે છેલ્લી ઘડીએ ફિલ્મમાં કેટલાક ફેરફાર કર્યા હતા. ત્યારબાદ એ ફિલ્મ રિલીઝ થઈ શકી હતી. એ રીતે ‘બાજીરાવ મસ્તાની’ પણ ફિલ્મની કેટલીક બાબતોનો વિરોધ થયો હતો. જો પદ્માવતીનાં ઇતિહાસની વાત કરીએ તો પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજીનો ક્યારેય આમનો-સામનો થયો નથી. સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મમાં બંનેને સાથે રોમાન્સ કરતાં દેખાડ્યાં છે તેવી ચર્ચા છે. ત્યારે તાજેતરમાં ભણસાલીએ રજૂ કરેલા એક વીડિયોમાં તેઓએ કહ્યું છે કે, ‘ડ્રિમ સિકવન્સનાં જે દૃશ્યોનો વિરોધ થઈ રહ્યો છે તેવાં કોઈ દૃશ્યો ફિલ્મમાં છે જ નહીં. ઉપરાંત રાણી પદ્માવતીના માન-મરતબાનું પૂરું ધ્યાન પણ રખાયું છે.’ તેમની આ ચોખવટ વિરોધીઓના ગળે ઊતરે છે કે નહીં તે તો સમય જ બતાવશે.
સમગ્ર દેશમાં પદ્માવતીનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભણસાલી અને કેટલાક લોકો આ ફિલ્મને ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’નું નામ આપી રહ્યા છે.
આવા સર્જકોની માનસિકતા અને તેની પાછળનાં કારણો તપાસવાની ખાસ જરૂર છે. ખાસ કરીને ડાબેરી વિચારધારા ધરાવનારા લોકોને ‘હિન્દુ પ્રતિભા’ઓ અને હિન્દુત્વને નીચું પાડવામાં વિકૃત આનંદ આવતો હોય છે. ઇતિહાસને મારીમચડીને રજૂ કરવાની આ રમત ડાબેરી વિચારધારાવાળા લોકો વરસોથી કરી રહ્યા છે. ફિલ્મો સમાજની વિચારધારા પર કબજો જમાવતું એક સશક્ત માધ્યમ છે. તેથી આવા લોકો હવે ફિલ્મનો સહારો લઈ હિન્દુઓને બદનામ કરવાની મેલી રમત રમી રહ્યાં છે. ફિલ્મ સમાજના દરેક વર્ગની માનસિકતા ઘડવામાં પણ સક્ષમ છે. ખાસ કરીને યુવાવર્ગ ફિલ્મોને ખાસ અનુસરે છે. તેને જ સાચો ઇતિહાસ માને છે.
‘મુગલ-એ-આઝમ‘ અને ‘જોધા અકબર‘ જેવી અનેક ફિલ્મોમાં આ પ્રકારનાં ચેડા થયા છે અને સમાજે તેનો વિરોધ પણ કર્યો છે. ભણસાલીની રામલીલા અને બાજીરાવ-મસ્તાનીમાં પણ ખોટો ઇતિહાસ હતો. તેમણે રજૂ કરેલી ‘સરસ્વતીચંદ્ર’ નામની સિરિયલમાં તો તેમણે ઇતિહાસના ફુરચા ઉડાવી દીધેલા તો દેવદાસ ફિલ્મમાં પણ તેમણે મૂળ કથા સાથે ચેડાં કરીને પારો અને ચંદ્રમુખીને ભેગી નચાવી હતી. આમ ગોવર્ધનરામ ત્રિપાઠી અને શરદબાબુની નવલકથાને તેમણે ખૂબ મોટી હાનિ પહોંચાડી હતી. આવી ફિલ્મો બનાવનારાઓની ડાબેરી વિચારધારાને બળ આપવા માટે વિદેશી ફંડિંગ મળતું હોવાના પણ અનેક આક્ષેપો છે.
ભાજપા નેતા અને સેંસર બોર્ડના સભ્ય અનિલ ગુપ્તાએ કેન્દ્રને પત્ર લખીને ફિલ્મ-નિર્માતા અને નિર્દેશક સંજય લીલા ભણસાલીની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવાની માંગણી કરી છે. ભાજપાના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ્ સ્વામીએ ફિલ્મ ‘પદ્માવતી’ની પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો હાથો ગણાવ્યો છે.
સંજય લીલા ભણસાલી અત્યારે પોતાની ફિલ્મ પદ્માવતીનો વિવાદ કરીને પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. પદ્માવતી અને અલ્લાઉદ્દિન ખિલજીની કથા કહેતી ફિલ્મમાં જે હોય એ પરંતુ ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે ખિલજી ક્રૂર શાસક હતો અને તેનો ઇરાદો હિન્દુ સ્થાપત્યોનો નાશ કરવો, લૂંટ-ફાટ અને સામૂહિક કત્લેઆમ કરવાનો જ હતો.
રાણી પદ્માવતીને લઈને કેટલાક લોકો કહે છે કે, ઇતિહાસમાં આ નામનું કોઈ જ પાત્ર ન હતું. પદ્માવતી એ તો હિન્દી સાહિત્ય પદ્માવતીનું એક કાલ્પનિક પાત્ર માત્ર હતું. ૧૬મી સદીમાં મલિક મુહમ્મદ જાયસી દ્વારા લખાયેલ ‘પદ્માવત’ નામના કાવ્યમાં પદ્માવતીનો ઉલ્લેખ મળે છે, પરંતુ તે માત્ર એક સાહિત્યિક પાત્ર માત્ર હતી. તેને ઇતિહાસ સાથે કશી જ લેવા-દેવા નથી ત્યારે ઇતિહાસનાં અનેક પુસ્તકો, ત્યાં સુધી કે રાજસ્થાન સરકારના પાઠ્યક્રમ અને પ્રવાસન વિભાગનાં પુસ્તકોમાં પણ રાણી પદ્માવતીના જૌહરની ગાથાઓ વાંચવા મળે છે. આજે પણ ચિત્તોડગઢના કિલ્લામાં આવનાર પ્રવાસીઓને રાણી પદ્માવતી અને તેના જૌહરની બાબતે અચૂક બતાવવામાં આવે છે.
રાણી પદ્માવતીના સાહસ અને બલિદાનની ગાથા ઇતિહાસમાં અમર છે અને આજે પણ રાજસ્થાનની મહિલાઓ માટે પ્રેરણા સમાન છે. પદ્માવતીનું પ્રારંભિક જીવન સિંહલપ્રદેશ (શ્રીલંકા)માંથી શરૂ થયું હતું – તેવી માન્યતા છે. તેના પિતાનું નામ ગંધર્વસેન અને માતાનું નામ ચંપાવતી હતું. ઉંમરલાયક થતાં પદ્માવતીનો સ્વયંવર યોજાયો જેમાં ચિત્તોડના રાજા રાવલ રતનસિંહે રાજા મલખાન સિંહને હરાવી પદ્માવતી સાથે લગ્ન કર્યાં. ચિત્તોડના રાજા રતનસિંહ એક કુશળ શાસક હતા અને કલાના કદરદાન પણ હતા. તેના દરબારમાં અનેક પ્રતિભાશાળી લોકોે રાઘવ ચેતન નામનો એક સંગીતકાર પણ હતો, પરંતુ રાઘવ ચેતન કાળો જાદુ કરતો તે અંગે રાજાને જાણ ન હતી. તે કાળા જાદુનો ઉપયોગ પોતાના હરીફોને મારી નાખવા કરતો તે રાજાના હાથે રંગે હાથ પકડાયો. રાવલ રતનસિંહે તેને તત્કાળ ચિત્તોડ છોડી ચાલ્યા જવા જણાવ્યું. પોતાના આ અપમાનનો બદલો લેવા રાઘવ દિલ્હી ગયો જ્યાં અલાઉદ્દીન ખિલજી સાથે શિકાર વખતે મુલાકાત થઇ તેણે ખીલજીને અનેક રીતે ચિત્તોડગઢ પર આક્રમણ કરવા ઉશ્કેરી જોયો, પરંતુ ખિલજી રાજપૂતો સાથે ફોગટમાં વેર બાંધવા તૈયાર ન હતો. પરિણામે તેણે ખિલજી સમક્ષ રાણી પદ્માવતીના સૌંદર્યનાં વખાણ કરતા સૌંદર્યના હવસી ખિલજીના મનમાં રાણી પદ્માવતી વિશે કામનો કીડો સળવળ્યો અને કોઈપણ ભોગે પદ્માવતીને પોતાના હરમમાં લાવવાનું નક્કી કર્યું.
કેટલાક ઇતિહાસકારો કહે છે કે, ષડયંત્ર કરી ચિત્તોડગઢના મહેલમાં મહેમાન બની ગયો હતો, આ દરમિયાન તેણે રાણી પદ્માવતીને મળવાની અને જોવાની વાત કરી હતી, પરંતુ રાજાએ રાજપૂતાણી પોતાનું મુખ કોઈ અન્ય મર્દને બતાવતી નથી એમ કહી તેણે ખિલજીને સ્પષ્ટ ના પાડી દેતાં ખિલજીએ ચાલાકી વાપરી રતનસિંહને મનાવ્યા બાદ તેણે પદ્માવતીને તેનું મુખ બતાવવા માટે મનાવી લીધી, પરંતુ પદ્માવતીએ શરત રાખી કે તે સીધે-સીધું પોતાનું મો ખિલજીને નહીં બતાવે અને ૧૫૦ સ્ત્રીઓ સાથે સરોવરમાં તેનું જોવું. ખિલજીએ આ શરત મંજૂર રાખી. પદ્માવતીની પાણીમાં પડછાયા રૂપે જોઈ અલાઉદ્દીન ખિલજી પદ્માવતીના મોહમાં પાગલ બન્યો. દિલ્હી પરત ફરતી વખતે તેની સાથે આવનાર પદ્માવતીના પતિ રતનસિંહને બંદી બનાવી દેવડાવ્યા અને ચિત્તોડગઢની સામે પદ્માવતીને સોંપો અને રાણાને લઈ જવા શરત રાખી.
ચિત્તોડગઢ સમક્ષ રાજરાણીની ગરિમા અને રાજની આબરૂ બચાવવા ધર્મસંકટ ઉભુ થતા રાજપૂત વીર યોદ્ધાઓએ કળ વાપરવાનું નક્કી કર્યું. પદ્માવતીને સોંપી દેવામાં આવશેની વાત કરી, આગલા દિવસે ૧૫૦ પાલખીઓ ખિલજીની શિબિર તરફ રવાના કરવામાં આવી, પરંતુ પાલખીમાં પદ્માવતી નહીં, શસ્ત્રો અને સૈનિકો હતા. પાલખીને રતનસિંહને બંદી બનાવાયા હતા ત્યાં ઊભી કરી દેવામાં આવી અને સશસ્ત્ર સૈનિકો રતનસિંહને છોડાવી લઈ ગયા. ખિલજીના સેનાપતિએ યુદ્ધ નિયમો વિરુદ્ધ જઈ કપટપૂર્વક સેનાપતિ ગોરાના સાથળ પર વાર કર્યો હતો. અને ગોરા નીચે ઢળતાં જ તલવારથી મસ્તક અલગ કરી દીધું હતું. આ બાબતથી ઉશ્કેરાયેલા ખિલજીએ પોતાના તમામ સૈન્યને ચિત્તોડગઢ પર હુમલો કરી તેને તહેસનહેસ કરી નાખી રાણી પદ્માવતી સહિતની રાજપૂત સ્ત્રીઓને ઉઠાવી લાવવાના આદેશો આપ્યા. ૧૩૦૩માં ખિલજીના સૈન્યે ચિત્તોડગઢના કિલ્લાને ચારેય તરફથી ઘેરી લીધો. સતત છ મહિના સુધી રાજપૂતો અને ખિલજીના સૈન્ય વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલતું રહ્યું, તેમાં સમય લાગી જતા છેવટે ચિત્તોડગઢના રાજપૂતોએ દુશ્મન સામે કેસરિયાં કરવાનું નક્કી કર્યું રાજા રતનસિંહ સહિત ૩૦,૦૦૦ રાજપૂત વીરોએ માથે કેસરી સાફા બાંધી તિલક અને તલવાર સજાવી હરહર મહાદેવના ગગનભેદી નાદ સાથે કિલ્લાના દરવાજા ખોલી ખિલજીના સૈન્ય પર તૂટી પડ્યા તો બીજી બાજુ રાણી પદ્માવતીના નેતૃત્વમાં ૧૬,૦૦૦ રાજપૂતાણીઓએ ગૌમુખમાં સ્નાન કરી વિશાળ ચિતા પ્રગટાવી તેમાં કૂદી પડી અને જોતજોતામાં રાજપૂતાણીઓ રાખ બની ગઈ. ચિત્તોડગઢ પર જીત મેળવ્યા બાદ ખિલજી રાજપૂતાણી પદ્માવતીને દિલ્હી લઈ જવા માટે મહેલમાં ધસી આવ્યો, પરંતુ સમગ્ર રાજમહેલના પ્રાંગણમાં આગ અને ધુમાડાના ગોટેગોટા હતા, તેની નજર સામે મોટા યજ્ઞ કુંડમાં રાખનો ઢગલો હતો. સુલતાન રાણી પદ્માવતીના શરીરને તો શું તેની ભસ્મને પણ સ્પર્શ કરી ન શક્યો અને ઘણા સુલતાનોને હરાવનાર ખિલજીને પદ્માવતી નામની એ રાજપૂતાણીના સતીત્વ અને પતિવ્રતે ધૂળ ચાટતો કરી દીધો. આ ફિલ્મ પદ્માવતીનો સત્ય ઇતિહાસ છે કે જેણે હાલ ફિલ્મના નામે વિરોધ કરી રહાયો છે. જેનો
કેટલોક અંશ સાધના મેગેઝીનમાંથી લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *