પ્લસ્ટિક ઉદ્યોગને નવી ગતિ આપવા સાણંદમાં રાજ્ય સરકાર પ્લાસ્ટિક પાર્કનું નિર્માણ કરશે:મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝના વ્યાપ દ્વારા રોજગાર નિર્માણ, ઈનોવેશન સ્ટાર્ટઅપ જેવા આધુનિક આયામોની નેમ વ્યકત કરી છે. પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ એ ભવિષ્યનું વિકાસનું નવતર ક્ષેત્ર છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ સંદર્ભમાં તેમણે જાહેર કર્યું હતું કે, પ્લાસ્ટિક ઉદ્યોગકારો, ઉદ્યોગોને નવી ગતિ આપવા સાણંદમાં રાજ્યનો બીજો પ્લાસ્ટિક પાર્ક નિર્માણ થશે. ભરૂચના દહેજમાં આ પ્રકારનો ડેડિક્રેટેડ પ્લાસ્ટિક પાર્ક રાજ્ય સરકારે કાર્યરત કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
રૂપાણીએ ગાંધીનગરમાં યોજાઈ રહેલા પાંચ દિવસીય પ્લાસ્ટઈન્ડિયા-૨૦૧૮ એક્ઝિબિશન-કોન્ફરન્સ અને ક્ધવેન્શનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્લાસ્ટિક ઉત્પાદનો ‘ઝિરો ડિફેકટ’ પર્યાવરણ પ્રિય ઉત્પાદનો બની રહે તથા રિસાયકલિંગ અને ન્યૂ ઈન્વેન્શન્સથી પ્લાસ્ટિક ઉત્પાદનો વધુ સહજ બને તેવી રાજ્ય સરકારની અપેક્ષા છે.
આ માટે ગુજરાત સરકારે પ્લાસ્ટિક ઉદ્યોગની ટેકનોલોજીમાં નવા શોધ-સંશોધનોને વેગ આપવા વાપીમાં પ્લાસ્ટઈન્ડિયા ઈન્ટરનેશનલ યુનિ.ની સ્થાપનાની પ્રક્રિયા ગતિમય બનાવીવ છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
તેમણે કહ્યું કે, દેશના પોલિમર ઉત્પાદનમાં ૫૦ ટકાથી વધુ ફાળો ગુજરાતનો છે. એટલું જ નહિં, દેશના ચોથા ભાગનું પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરીને ગુજરાત મોસ્ટ ઈકોફ્રેન્ડલી સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે.
તેઓએ કેન્દ્રના વર્તમાન બજેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એમએસએમઈ સેકટર માટે જે વિશેષ પ્રોત્સાહનો જાહેર કર્યા છે તેનો લાભ પ્લાસ્ટિક ઉદ્યોગોને પણ મળશે તેમ જણાવ્યું હતું. ગુજરાતમાં આપણે એમએસએમઈ સેકટરના ઉદ્યોગોને સાત ટકા વ્યાજ સબસિડી જેવા પ્રોત્સાહનો આપ્યા છે તેને પરિણામે પ્લાસ્ટિક ઉદ્યોગમાં નવા ઉદ્યોગકારો- યુવા સ્ટાર્ટઅપને બળ મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *