પ્રાગૈતિહાસિક શહેર ‘પ્રાગ’ની ઐતિહાસીક માળાનો સોનેરી મણકો:ચાર્લ્સ બ્રીજ

Alak Malak (1)

રસની તરતી સાંજે ને અદ્દમરાતી સ્વરસાવકોના હાલરડામાંતો બસ રતુંબડી ને સુંવાડી આભાનો લસરકો અર્થાત શાંત ઝરણાના પાણીમાં વહેતુ સંગીત અને શરીરે મોરપીછની સુવાળપ ફેરવતા શબ્દોની લયબઘ્ધતા જ પસંદ આવે. જેના સ્વર કર્ણપટલ પર પડતા જ બસ એક અગમ્ય સૃષ્ટિનો આનંદ શરીરે વ્યાપે અને મસ્ત તારલીયાઓને વીંધીને અવકાશગમન એટલે કે સપનાઓની દુનિયામાં ખોવાઈ જવાનું મન થઈ આવે.
“સપનુ જે ખુલ્લી આંખે પણ આવે ને બંધ આખે પણ આવે, ખુલ્લી આંખે દેખાતુ સપનુ કદાચ સાચુ થઈ પણ શકે, પણ બંધ આંખે દેખાતા સપનાને થપ્પો કરવો જરાક અધરુ પડતુ હોય છે. આવી જ સ્વપ્નસૃષ્ટિને સજીવન કરી તેની રતુંબડી આભાને નજર સમુ ખળુ કરતું દુનિયાના સુંદર અને ઐતિહાસિક શહેરોમાનું એક એટલે ‘પ્રાગ’. જેણે પોતાની ખુબસુરતી અને ઐતિહાસિક કલાકૃતિના પાયા કેટલાય પર્યટકોના હૃદયમાં ખોસી દીધા છે.
ઈસ્ટ યુરોપીયન દેશોના સૌથી સુંદર શહેરમાં પ્રાગની ગણના થાય છે. ઝેક રિપબ્લિકનું પાટનગર એવુ પ્રાગ શહેર જાતજાતના મહેલો, ઉચા મિનારાવાળા આવાસો, કિલ્લાઓ, ચોતરાઓ, ચર્ચો તેમજ અનેક પુતળા પુતળીઓથી ભરેલું છે. આ તમામ સ્થાપત્યો, શિલ્પો અને ઐતિહાસિક સ્થળો પોતાનામાં એક સોનેરી રસગાથાનો ભંડાર સાચવીને બેઠા છે. જયા એટલા સ્થાપત્યો છે કે કદાચ જો આખી જીંદગી પણ તેને ખોળવામાં કે સમજવામાં આવે તો પણ તે ઓછી પડી જાય. અને આપણા આવા એક નહી દસ આર્ટીકલ પણ ઓછા પડે.
પણ મહત્વની વાત એ છે કે, વર્ષો પુરાણા પોતાના અલૌકિક બાંધકામ, કિલ્લાઓની સાંદગી, નયનરમ્ય સ્થાપત્ય તેમજ ગોથીક શૈલીમાં બનાવવામાં આવેલા ચર્ચોની અદભુત બાંધણીને પોતાની ગોદમાં બેસાડીને પ્રાગ તેની અપ્રતિમ સૌદર્યતાને યૌવન બક્ષી રહયું છે.
પ્રાગના આ સ્થાપત્યોથી ભરેલ તારામંડળનો સૌથી તેજસ્વી તારલીયો એટલે ચાર્લ્સ બ્રીજ જેને જોતા પણ ચમકી જવાય તેવું છે. શહેરના તમામ સ્પર્શ કરતા સૌથી અચંબીત ને મોહક અદાળુ નામ એટલે ચાર્લ્સ બ્રીજ. જેને કદાચ એક આઉટડોર મ્યુઝીયમ પણ કહી શકાય એવો પ્રશ્ર્ન સ્વભાવિક થઈ આવે કે એક પુલ માત્રને મ્યુઝિયમ કેવી રીતે કહી શકાય ? પણ આ શહેરની આંખ સમો આ પુલ તેની વિશિષ્ટતા અને ઐતિહાસિકતાને લીધે વિશ્ર્વ નકશામાં અનેરૂ સ્થાન પામ્યો છે.
ઐતિહાસિક શહેર પ્રાગના નાક સમાન ચાર્લ્સ બ્રીજ
ભાગ્યે જ કોઈ ઐતિહાસિક વારસો કે મુલ્યવાન ખજાનાને સીકયુરીટી કે આરક્ષણ વગર જ રાખવામાં આવે છે. પરંતુ પ્રાગ શહેરની મઘ્યમાંથી વહેતી વાલ્ય નદી પર બાંધવામાં આવેલ પ્રાગ શહેરના અભુતપુર્વ વારસારૂપ આ પુલને પબલિક પ્લેસ તરીકે જાહેર કરાયેલ છે. જે ઈ.સ.૧૧૫૮ થી ૧૧૭૨ના સમયગાળા દરમ્યાન જયુડીપશ બ્રીજ તરીકે ઓળખાતો હતો. અનેક કુદરતી આફતોમાં નાશ પામ્યા બાદ પુલ ફરી બંધાતો રહયો. ઈ.સ.૧૩૫૭માં ચાર્લ્સ ચોથાએ એક નવા પુલનું ચણતર કરાવ્યુ જે છેક ૧૫મી સદીમાં પુરૂ થયું ૫૧૫.૮ મીટર લાંબા અને ૯.૫ મીટર પહોળા આ પુલને ટેકો આપવા ૧૬ જેટલા થાંભલાઓ બનાવવામાં આવ્યા છે.
શરૂઆતમાં આ નવા પુલને સ્ટ્રોન બ્રીજ તરીકે ઓળખવામાં આવ્યો ત્યારબાદ તેનું નામકરણ પ્રાગ બ્રીજ તરીકે કરાયું. અને આખરે ૧૮૭૦માં તે ચાર્લ્સ બ્રીજ તરીકે ઓળખાયો.
આઉટડોર ચાર્લ્સ બ્રીજની બન્ને તરફ ટાવરો ઉભા કરવામાં આવ્યા છે. બારોક સ્ટાઈલમાં બનાવેલ આ ટાવર અદ્દભુત કળા સ્થાપત્યનું વર્ણન કરે છે. નરી આંખે આ કળાને નિહાળવા કરતા સહેજ વાર માટ ે આંખ બંધ કરીને આ ટાવરોનો સ્પર્શ અત્યંત આહલાદક છે. કલાપ્રેમી અને શિલ્પકારો તો આ કોતરણી અને ઝીણવટ ભર્યા કાર્યને જોઈએ આંગળીઓ ચાવી જાય છે. જેમ કાશીની વિદ્યા ભણેલ બ્રાહ્મણ શ્રેષ્ઠ ગણાય છે તેમ શિલ્પીઓએ પણ પોતાની કળાને શ્રેષ્ઠતા અર્પવા આ કારીગરીને નિહાળવી જ રહી.
તો ચાલો…જોઈએ આ આબડ ધોબડ પથ્થર પરના વણાદને
ચાર્લ્સ બ્રીજની બંને બાજુએ આવેલા ટાવરની પાળી પર મુકાયેલા ૩૦ જેટલા પુતળાઓ સાચે જ શિલ્પકળાનું એક અદ્દભુત સ્થાનક બની ચુકયું છે. ઈ.સ.૧૬૮૩ થી ઈ.સ.૧૭૧૪ના સમયગાળા દરમ્યાન મુકવામાં આવેલ આ ૩૦ પુતળાઓ તે સમયના સંત મહાત્માના છે. આ પુતળા ઉપરાંત આખા બ્રીજ પર થોડા થોડા અંતરે મુકાયેલા શિલ્પ સંકુલો અદ્દભુત કલા કારીગરીનું પ્રમાણ બક્ષે છે. આ તમામ પુતળાઓને હાલ તેની મુળ જગ્યા પરથી ખસેડીને મ્યુઝીયમમાં મુકવામાં આવ્યા છે. અને તેની જગ્યાએ આ પુતળાઓ જેવા જ રિપ્લિકા મુકવામાં આવ્યા છે.
બીજુ એક પુલની ઉત્તર દિશા બાજુ ત્રણ પુતળાઓનો સમુહ જોવા મળે છે. જેમા સેન્ટ કોસમોસ, જીસસ ક્રાઈસ અને સેન્ટ ડેમિયન છે. જીસસ ક્રાઈસ તો આપણા માટે બહુ જાણીતુ પાત્ર છે.
પરંતુ સેન્ટ કોસમોસ અને સેન્ટ ડેમિયનનું જીસસની સાથે હોવું પણ એક કથા સુચવે છે.
સેન્ટ કોસમોસ અને સેન્ટ ડેમિયન બન્ને ભાઈઓ ડોકટર હતા. જેઓ કિશ્ર્ચન ધર્મનો પ્રચાર કરતા હતા.
બંને બહુ ભલા દુખિયા અને રોગીઓની વિના મુલ્યે અને નિ:સ્વાર્થભાવે સેવા કરતા. જે તે સમયના રોમન ગવર્નરને ન ગમતુ તેણે આ બન્ને ભાઈઓ ઉપર દમન ગુજારવાનું ચાલુ કર્યુ. પરંતુ કોસમોસ અને ડેનિયન એકના બે ન થયા તેમણે પોતાનું કાર્ય અવિરત ચાલુ રાખ્યુ. રોષે ભરાયેલ ગવર્નરના હાથે સિરિયામાં બન્નેનો શિરચ્છેદ કરાયો. ત્યારબાદ એમની ગણના સંતપુરૂષોમાં થવા લાગી. આજે ચાર્લ્સ બ્રીજના એક ખુણે ઉભેલ આ ત્રણ પુતળાનો સમુહ અદ્દભુત શિલ્પકલાનો નમુનો છે.
આ જ પ્રમાણે ચાર્લ્સ બ્રીજ ઉપર મુકવામાં આવેલ અન્ય પુતળાઓ પાછળ પણ કોઈક ને કોઈક રહસ્ય છુપાયેલું છે. જેમાં ચોથા નંબરનું સેન્ટ ઈવાનનું પુતળુ, સેન્ટ જહોન, સેન્ટ ફેલીકસ, સેન્ટ વિન્સેન્ટ ફેરર, જીસસ ક્રાઈસનું પચ્ચીસમાં નંબરનું પુતળું જેને એક સ્તંભ પર ખીલા વડે જડી દઈને તેમનું મૃત્યુ નીપજાવાયુ હતુ આ તમામ દારૂણ્યતા કરૂણતા અને જીવનગાથાને આ પથ્થરો પર અદ્દભુત રીતે વર્ણવાઈ છે.
ચાર્લ્સ બ્રીજ પર મુકવામાં આવેલા તમામ પુતળાઓમાંથી કોઈ એક ને શ્રેષ્ઠ ગણવું તો મુશ્કેલ છે. એક વાર આ શિલ્પોને જોયા પછી શિલ્પકલા વિશેનું તમામ જ્ઞાન પરીપુર્ણ થઈ જાય છે.
ખુબ જ ભીડભાડ ભર્યા આ પુલને માત્ર રાહદારીઓ માટે જ ખુલ્લો રાખવામાં આવ્યો છે. રોજ હજારો પ્રવાસી આ પુલની મુલાકાત લે છે પણ જો જો આ હજારોની ભીડમાં તમે કયાંક આ પુતળાઓ સાથેની સેલ્ફી લેવાનું નો ભુલી જાવ.
પોતાનામાં સૌર્ઘ્યવાન એવા પ્રાગ શહેરના ચાર્લ્સબ્રીજની સૌદર્યતા સાચે જ અવર્ણનીય છે. હવે જરા વિચારો આ તો આપણે તારામંડળના ધ્રુવના તારા વિશે જ જાણ્યું, હજુ આવા તો બીજા અનેક તારાઓ છે એ કેવા હશે? વિચારો…. વિચારો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *