પોતાના મૃત સ્વજનના અંગોના દાનથી કોઈના જીવનમાં નવી રોશની- ચેતના આપવાનું ઈશ્ર્વરીય કાર્ય જ માનવતાની સાચી દિશા:રૂપાણી

m1

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હૃદયરોગ, કેન્સર જેવા જટિલ રોગના ઈલાજ માટે ગુજરાતમાં મેડિકલ રિસર્ચ અને ફાર્માસ્યુટિકલ રિસર્ચની સુવિધાઓ વ્યાપક બનાવવાની નેમ દર્શાવી છે.
તેમણે એવો પણ સંકેત આપ્યો કે, આવા જટિલ રોગની સારવાર માટે જરૂરતમંદ દર્દીઓને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી યોગ્ય સહાય આપવાની દિશામાં પણ રાજ્ય સરકાર વિચારાધિન છે.
મુખ્યમંત્રીએ અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલના ઉપક્રમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ રિસિપિઅન્ટસ અને અંગદાન કરનારા દાતા પરિવારોના સન્માન સમારોહમાં સંબોધન કયુર્ં હતું.
રૂપાણીએ કહ્યું કે, પોતાના મૃત સ્વજનના અંગોના દાનથી કોઈના જીવનમાં નવી રોશની-નવી ચેતના આપવાનું ઈશ્ર્વરીય કાર્ય જ માનવતાની સાચી દિશા છે.
તેઓએ અંગ પ્રત્યારોપણને સમયની માંગ ગણાવી ઉમેયુર્ં હતું કે, હૃદય પ્રત્યારોપણ એ એક મોટી ઘટના છે અને હૃદય પ્રત્યારોપણથી અનેક પરિવારોને નવજીવન મળે છે. આપણી સંસ્કૃતિમાં પણ અંગ પ્રત્યારોપણનું વર્ણન છે. ભગવાન ગણેશ અને દધીચી ઋષી તેના ઉત્તમ ઉદાહરણ છે. અંગદાનને પગલે અનેક દર્દીઓ નવું જીવન મળે છે ત્યારે અંગદાન માટે જાગૃતિ જરૂરી છે.
હૃદય પ્રત્યારોપણને દીલથી દીલને જોડવાની ઘટના ગાવી તેઓએ જણાવ્યું હતું કે, ૧૯૬૮માં યુ.કે.માં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ભારતમાં ૧૯૯૪માં દિલ્હીમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે ગુજરાતમાં ૨૦૧૬માં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે. સિમ્સ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૪ (ચાર) હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, મુખ્યમંત્રીએ સ્વયં પણ દેહદાન-અંગદાનનો સંકલ્પ કરેલો છે. સિમ્સ હોસ્પિટલના ડો. કેયુર પરીખે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલે દર્દીઓની સેવાને પ્રાધાન્ય આપ્યું છે. ટૂંકા ગાળામાં ચાર દર્દીઓને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન બક્ષ્યું છે. ઉપરાંત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા હોસ્પિટલના પ્રયાસોને રાજ્ય સરકારનો હકારાત્મક સહયોગ સાંપડ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે હૃદય દાન કરનાર દાતાઓના પરિવારોનું મુખ્યમંત્રી તથાઅન્ય મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *