પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દુરાનીનો ઘટસ્ફોટ ૨૬/૧૧ મુંબઈ હુમલાનો પાકિસ્તાન સ્થિત આતંકી જુથે જ અંજામ આપેલો

taj

૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલા સંદર્ભે પાકિસ્તાનની પોલ આખરે ખુલી જ ગઈ. પાકિસ્તાનના જ એક પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મહેમૂદ અલી દુરાનીએ પોતાના દેશના આ નાપાક કૃત્યનો ખુલાસો કર્યો છે. તેમણે સ્વીકાર્યું છે કે, આ મામલે પાકિસ્તાનમાં જ સ્થિત એક આતંકી જૂથે હુમલાને અંજામ આપ્યો હતો. હુમલાને કલાસિક કેસ ગણાવાયો હતો. સુરક્ષા સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીના આ નિવેદનના પગલે ફરી એકવાર સમગ્ર દુનિયા સામે પાકિસ્તાનનો પર્દાફાશ થઈ ગયો છે.
૧૯માં એશિયાઈ સુરક્ષા સંમેલનમાં ભાગ લેવા માટે આવેલા મહેમૂદ અલી દુર્રાનીએ જણાવ્યું કે, મુંબઈમાં ૨૬મી નવેમ્બર-૨૦૦૮ના રોજ થયેલા આતંકી હુમલાને પાકિસ્તાન સ્થિત એક આતંકી સંગઠને જ અંજામ આપ્યો હતેા. આ આતંકવાદી હુમલો સરહદપારથી કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, સરહદપારથી કરવામાં આવેલા હુમલાઓનો આ એક કલાસિક કેસ હતો. જમાત ઉદ દાવાના આતંકવાદી હાફિઝ સઈદ અંગે દુર્રાનીએ જણાવ્યું કે તે કોઈ કામનો નથી અને પાકિસ્તાનને તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
અત્રે જણાવવાનું કે વર્ષ ૨૦૦૮માં દરિયાઈ રસ્તે આવેલા આતંકીઓએ મુંબઈ પર અનેક જગ્યાઓ પર આતંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં સામેલ એક આતંકી અજમલ કસાબને જીવતો પકડી લેવાયો હતો અને ત્યારેજ આ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી. કે હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે. તમામ પુરાવા આપવા છતાંય પાકિસ્તાને હંમેશા આ આરોપોને ફગાવ્યા હતાં.
મુંબઈમાં થયેલા આતંકી હુમલા વખતે પાકિસ્તાનમાં સુરક્ષાના સૌથી મોટા પદ પર એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદ પર મોહમ્મદ અલી દુર્રાની હતાં. પહેલીવાર તેમણે ટીવી ચેનલ પર એ વાતનો સ્વીકાર કર્યો હતો કે અજમલ કસાબ પાકિસ્તાની હતો. અત્રે જણાવવાનું કે કસાબના પાકિસ્તાની હોવાની વાત કબુલતાની સાથે જ પાકિસ્તાને દુર્રાનીને તરત પદેથી હટાવી દીધા હતાં. દુર્રાનીના નિવેદન અંગે ઉજ્જવલ નિકમે આપી પ્રતિક્રિયા મુંબઈ હુમલા અંગેનો કેસ લડી રહેલા સરકારી વકીલ ઉજ્જવલ નિકમે દુર્રાનીએ આપેલા નિવેદન અંગે પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દુર્રાનીએ ભારે સાહસ દેખાડયું છે. પાકિસ્તાન સરકાર આ અંગે ઈન્કાર કરી શકે નહિં. મુંબઈ પર ૨૬/૧૧નો હુમલો એ પાકિસ્તાની કારસ્તાન હતું. કસુરવારોને સજા થવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *