પશ્મિના ધાગો કે સંગ, કોઈ આજ બુને ખ્વાબ, ઐસે કૈસે.. કશ્મીરી બરફમાં લહેરાતો ચોકલેટી કસબ:પશ્મિના

unnamed (2)

આમ જુઓ તો માણસ અને પ્રકૃતિનો નાતો માનવ ઉત્પતિથી ચાલ્યો આવે છે એની જ ગોદમાં રમવું, એના જ આવાસમાં રહેવું, એનો જ આહાર તરીકે પણ ઉપયોગ કરવો, એને જ પહેરવું અને એને જ ઓઢવું.
હવે જરા ટ્રેન્ડ બદલાયો છે પણ હજુય આ નવા બદલાયેલા ટ્રેન્ડમાં પણ છેલ્લો આસ્વાદ તપાસો તો એકાદ બટકુ પ્રકૃતિનું મળે તે ખરૂ જ. માણસ ભલે એનાથી દૂર સરી ગયો હોય પણ પ્રકૃતિએ પોતાનું કાર્ય નથી છોડયુ, એ હજુયે માણસને પોષે છે.
અને આ આજની હાયમાં કાલની લાયમાં ભાગી રહેલા માણસે એ તો માનવુ જ રહ્યું કે દર ત્રણ ચાર મહિને કામ પર ફુલ સ્ટોપ મારીને કોઈ હીલ સ્ટેશનની મુલાકાત લેવી પડે છે તો એ પ્રકૃતિથી દૂર થયો છે પણ છુટી તો નથી જ શકયો. પણ હું આવું બધુ શું કામ કહું છું? કારણ કે આજે આપણે પણ થોડા પ્રકૃતિ તરફ નમવાના છીએ. કહેવાય છે કે ભારતનું સ્વર્ગ તેમજ મનુષ્ય જીવનની રેલગાડીને વિશ્રામ આપતુ એક માત્ર જંકશન એટલે ‘જમ્મુ કાશ્મીર’. જીવનની આરામદાયક બપોર અને રસ નીતરતી સાંજને કશ્મીરી વાદીઓમાં માણવી એટલે માણસ માત્ર માટે તો બસ કેક અને પેસ્ટ્રી. પરંતુ હાલ ભારતની સ્વર્ગ સમાન આ ભોમના આસાર કંઈક અલગ વર્તાય છે. તેમ છતાય બારૂદી આલમ અને મંદિર -મસ્જિદનો મધ્યસ્થ ઉભેલી આ અકકડ ભોમમા પણ એક મખમલી રૂમાલની સુવાળી આભા જોવા મળે છે. વાત જાણે એમ છે કે પ્રકૃતિની ગોદમાં કીલ્લોલ કરતુ કશ્મીર આદિકાળથી તેના ઉન ઉદ્યોગ માટે પ્રખ્યાત રહ્યું છે. કશ્મીરી બકરીઓ અને તેની જુદી જુદી નસલોમાંથી મળતા ઉનનો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારના વસ્ત્રો બનાવવામાં આવે છે. ઉનમાથી બનતા આ તમામ વસ્ત્રોમાં એક અદભૂત લચીલો અને મનમોહક પ્રકાર મળી આવે છે. ‘પશ્મિના’
શુ છે પશ્મિના..?
પશ્મિના એ હિમાલયના સમગ્ર વિસ્તાર માત્ર માટે સ્વદેશી શબ્દ છે. પશ્મિના શબ્દ પર્સીયન ભાષા પરથી ઉતરી આવ્યો છે. જેનો મતલબ થાય છે મખમલી સોન/સોનુ, જે એક પ્રકારનું ઉન છે. જે ખાસ હિમાલય વિસ્તારમાં વિચરતી પશ્મિના નામની બકરીની પ્રજાતીના શરીર પરથી મળી આવે છે. જે પોતાની નરમાશ અને હૂંફાળાપણાને લીધે આજે વિશ્ર્વભરમાં પ્રચલીત બન્યું છે.
આજે જયારે પશ્મિના નામ માત્ર જ તેની કેફીયત વર્ણવી જાય છે ત્યારે તમામ દેશ વિદેશની પ્રતિભાશાળી હસ્તીઓ તેમજ સેલીબ્રીટીના ગળે લટકાતા પશ્મિના સ્કાર્ફ, મફલર કે શાલ ભારતની અદભૂત કલા સૌદર્યતાનું પ્રમાણ બક્ષે છે. પશ્મિના વસ્ત્રોની સુવાળી આભા અને તેના પર થતુ ઝીણવટ ભર્યુ વણાટ જોનારના હદય સોંસરુ ઉતરી જાય છે. ને તેથી જ હદયના તાંતણે અદભૂત વણાટ બાંધી જતા આ પશ્મિના ધાગોને પોતાના શબ્દોની લચકમાં હુલાવતા સુવાનંદ કીરકીરે કહે છે કે,
‘પશ્મિના ધાગો કે સંગ,
કોઈ આજ બુને ખ્વાબ ઐસે કૈસે, વાદી મે ગુંજે કહી.
નયે સાજ યે રવાબ ઐસે કૈસે, પશ્મિના ધાગો કે સંગ…’
કશ્મીરી પ્રકૃતિના લહેજામાં ઢળી જતા આ વણાટમાંથી બનેલ કપડુ સૌ પ્રથમવાર ભારત કશ્મીરમાં પહેરાયુ હતું આ ઉપરાંત ૧૧મી સદી પૂર્વેના અફઘાન ગ્રંથોમાં પણ કાશ્મીરમાં બનાવવામાં આવતા પશ્મિના વસ્ત્રોનો ઉલ્લેખ મળી આવે છે જો કે પશ્મિના ઉદ્યોગની સ્થાપના પરંપરાગત રીતે ૧૫મી સદીના ઉતરાર્ધમાં થઈ હોવાનું મનાય છે. જેની ખોજ એક પર્સીયન મહાપુરૂષે કરી હતી.
બન્યુ એમ કે…
ઈસ્લામ ધર્મના પ્રચારક મીર સૈયદ અલી હમદાદી એક વખત કશ્મીર આવ્યા હતા ફરતા ફરતા જયારે મીર અલી હમદાદી લદાખ પહોંચ્યા ત્યારે તેમણે પશ્મિના બકરાને પોતાના શરીર પર નરમ ઉનનું ઉત્પાદન કરતા જોયા. તેમણે થોડુક ઉન લઈ તેમાથી મોજા બનાવ્યા અને કશ્મીરી સુલતાન કુટબુદીનને ભેટ તરીકે આપ્યા. સુલતાન આ મખમલી ઉન અને તેની સૌદર્યતા જોઈને ચકીત થઈ ગયો અને આ અપ્રતિમ ઉનમાંથી બનતી વસ્તુઓનો ઉદ્યોગ સ્થાપવાની અલી હમદાદીને ભલામણ કરી સુલતાનની સલાહ માનીને હમદાદીએ ૭૦૦ કારીગરો સાથે કશ્મીરના લદાખ વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપ્યા આમ પશ્મિના ઉદ્યોગના પગલા મંડાયા, ધીમે ધીમે ગુણવતાવાન, ગરમ અને આ મખમલી રૂમાલ પશ્મિના લાગણીનું પ્રતિક બનતું ગયું.
કેવી રીતે વણાય છે કશ્મીરી બરફમાં આ ચોકલેટી વણાટ
માણસ માટે સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચ ગુણવતાવાળુ આ કાપડ હિમાલયના ઉંચાઈવાળા વિસ્તારોમાંથી મળી આવે છે. જયાં વસતી બકરીઓ ખુબજ ઠંડા તાપમાન સામે રક્ષણ મેળવવા પ્રકૃતિ દ્વારા પોતાના શરીર પર એક ખાસ પ્રકારીય ઉન ઉત્પન્ન કરે છે. આ ઉન ખૂબજ કાળજી પૂર્વક પર્વતીય વિસ્તારોમાંથી એકત્રીત કરીને કશ્મીર લાવવામા આવે છે. જયાના સુખી કારીગરો આ ઉનને પશ્મિના તરીકે જાણીતા માસ્ટર પીસમાં વણાટ કરે છે. શાલ, સ્કાફ, મફલર અને સ્વેટર જેવા વ્યકિત વિશેષની પ્રતિષ્ઠાને દીપાવવા વેશ પરિધાન આ ઉનમાંથી વણાય છે જેમાં સૌથી વધુ માંગ પશ્મિના શાલની રહે છે. આ શાલ હાથ અને મશીન બને વડે બનાવી શકાય છે. પરંતુ સૌથી શ્રેષ્ઠ હાથથી બનેલી શાલ ગણાય છે. હાથથી બનતી આ શાલમાં ઝીણુ અને બારીક વણાટ કરાય છે. જેને તૈયાર થતા ઓછામાં ઓછા છ મહિના કે એક વર્ષથી પણ વધારે સમય લાગે છે.
આ સાલમાં ચાંગથાંગ પ્લેટુ, કશ્મીર અને તીબેટીયન પ્રજાતીની બકરીનું ઉન વપરાય છે. દરેક બકરી પાસેથી ઓછામાં ઓછુ ૮૦ ગ્રામ સારુ ઉન મળી આવે છે. પશ્મિના માટે આ ઉનને હાથ વડે ચરખાથી કાંતવામાં આવે છે આ કામ સહેજ મુશ્કેલી ભર્યુ હોવાથી અનુભવી કારીગર જ વણાટ માટેના તાર કાતે છે.
આ ઉનને કાતીને ડાઈંગ કરવામાં આવે છે આ શાલને ઈકો ફ્રેન્ડલી બનાવવા માટે નેચરલ રંગોનો ઉપયોગ કરાય છે ત્યારબાદ આ તારને લુમ્સના હેંડલ પર ચડાવવામાં આવે છે. તમામ તારને લૂમ્સ પર સેટ કર્યા બાદ સોયમાં પરોવીને વપરાતા વણાટનો દોરો કાંતવામાં આવે છે. અને તેને હેન્ડલુમ પર વણાટ આપવામાં આવે છે. ત્યારબાદ એક ચોકકસ પ્રકારનું કાર્ય હાથ અને પગના પેડલ વડે થતુ જાય છે. અને એક પછી એક ભાત કાપડ પર ઉપસતી જાય છે અંતે એક શુધ્ધ અને ઉચ્ચ ગુણવતાવાળી શાલ એક કારીગર અને એક ગ્રાહકને ઉપલબ્ધ થાય છે. કશ્મીરી મારકેટમાં ૨૫ હજારથી લઈને બે લાખ સુધીની પશ્મિના સાલ મળી રહે છે. જયારે આ શાલ ખરીદાઈને વોર્ડરોબમાં મુકાય છે. ત્યારે વોર્ડરોબની શોભા ઝાઝરમાન બની જાય છે.
પશ્મિનાને વોર્ડરોબની શોભા બનાવતા પહેલા…
વોર્ડરોબની શોભા એવી પશ્મીના શાલને ખરીદતા પહેલા તેની પરખ કરી લેવી જરૂરી છે.
= પશ્મિના શાલ તેની રૂ જેવી મુલાયમતા માટે જાણીતી હોઈને તેને અડકીને અથવા હાથ પર ઘસીને સામાન્યત: તેની પરખ કરી શકાય છે.
= બીજી અને સરળ રીતે પશ્મીના શાલને હાથમાં પહેરવાની રીંગમાંથી પસાર કરતા આખી શાલ રીંગમાંથી સરળતાથી પસાર થઈ જાય છે અને શાલ પર સહેજ પણ ક્રીઝ કે ઘડી જોવા મળતી નથી.
= અસલ પશ્મિનાની ઓળખ તેને પ્રકાશમાં રાખતા જ નજરે તરી આવે છે. જે હેન્ડલુમ પર વણાતી હોઈને આ શાલમાં અનિયમીત વણાટ પ્રકાશમાં રાખતા જ દેખાઈ આવે છે.
= શાલની ખરી પરખ કરવી હોય તો પશ્મિનાના એક નાનો ટુકડો અથવા એક દોરો લઈ તેને સહેજ સળગાવો જો બળી ગયેલ પ્રકારની ગંધ અને કોરી રાખ જોવા મળે તો તે શુધ્ધ પશ્મીના છે તેમ સમજવું, અને જો આ ટુકડો પ્લાસ્ટીકની જેમ સળગીને સ્નીગ્ધ રાખ ઉત્પન્ન કરે તો સમજવુ કે તે પોલીએસ્ટરમાંથી બનાવેલી શાલ છે ખાસ કરીને શાલ લેતા પહેલા એક નજર જરૂર દોડાવવી કે જો શાલ પર કોઈ પણ લેબર ચીપકાવેલુ હોય તો આ શાલ ખરી પશ્મિની નથી, કારણ કે પશ્મિના ઉન પર ગુંદર જાજો સમય ટકી શકતોનથી.
જે પોતાનામાં એક સૌંદર્યવાન છે એવી પશ્ર્ચિમના શાલે વિશ્ર્વભરમાં પ્રતિતી પામી છે ત્યારે બારીકાઈ, ઝીણવટભર્યા કામ અને એકાગ્રતાથી જન્મતી આ કળાના પેરોગાર એવા કાશ્મીરના કેટલાય સામાન્ય વર્કર પણ આજે વિશ્ર્વભરમાં પ્રખ્યાત બન્યા છે. પોતાની કથળી ગયેલ જીવન પરિસ્તિતિમાં પણ શાહીના અખ્તર જેવા કેટલાય કારીગરોએ પશ્ર્ચિમના વણાટ કસબને યૌવન બક્ષ્યુ છે ત્યારે દિલ્હીના ઈન્ડીયા હેબીટેટ સેન્ટરમાં રજુ થયેલ એક ચિત્રાકૃતિએ સૌનું ધ્યાન તે તરફ ખેંચ્યું છે.
ફરગેટ મી નોટ: આ નામની સપ્તરંગી ચિત્રકૃતિમાં ચિત્રકાર બાબર અફઝલે ગહન દ્રષ્ટાંત સાથે વર્ણવેલી એમ છે કે, અંતરંગી ડીઝાઈન, મખમલી આભા અને સુવાળા ઉનનીચાહમાં કદાચ એ ભુલાય ગયુ છે કે આ શાલનું ઉન એક બકરીના શરીરનું વસ્ત્ર છીનવીને બનાવાય છે. એક અહેવાલ અનુસાર ત્રણ-ચાર વર્ષ પહેલા જ એક સાથે ૨૪,૦૦૦ પશ્મિના બકરીઓનું સખત ઠંડીને કારણે મૃત્યુ થયુ હોવાનું રહસ્ય સામે આવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *