પક્ષ છોડીને ગયેલા એક ધારાસભ્ય રજેરજની માહિતી આપતા હતાં એહમદ પટેલને જીતાડવામાં શકિતસિંહે વન મેન આર્મી જેવી ભૂમીકા ભજવી હતી

l5

ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને જીતાડવામાં શકિતસિંહ ગોહિલે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય કમ રાષ્ટ્રિય પ્રવકતા શકિતસિંહ ગોહિલે આજે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, કોંગ્રેસમાંથી ગયેલા ધારાસભ્યો પૈકીના એક ધારાસભ્યનું દિલ કોંગ્રેસમાં હોવાથી તેઓએ ભાજપની રજેરજની માહિતી પહોંચાડી હતી જો કે, તેએાએ મીડિયા સમક્ષ આ ધારાસભ્યનું નામ આપ્યું ન હતું.
ગુજરાતની રાજયસભાની ત્રણ બેઠકોની ચૂંટણીમાં છેલ્લા એકાદ પખવાડીયાથી ચાલતા રાજકીય કાવાદાવા-દાવપેચ અને લોકશાહીને લાંછનરૂપ ગણી શકાય તેવા ખેલના ઘટનાક્રમનો અંત આવી ગયો છે. કોંગ્રેસના સીનીયર નેતા અહેમદભાઈ પટેલ ખરાખરીની લડાઈમાં જીતી ગયા છે. ત્યારે તેનો ઘણોબધો કોંગ્રેસના પ્રદેશ નેતા શક્તિસિંહ ગોહિલને ફાળે ગયો છે. ખુદ કોંગ્રેસની નેતાગીરી સ્વીકાર કરતા અચકાતી નથી કે પખવાડીયા સુધીના તેમના વડપણ હેઠળના ઓપરેશનમાં ‘વનમેન આર્મી’ની ભૂમિકા ભજવી છે. ભાજપના કાવાદાવા ઉઘાડા પાડયા, એટલું જ નહી. દાવપેચ નિષ્ફળ બનાવ્યા અને અણીના સમયે કાનૂની મુદો ઉપસ્થિત કરાવીને જીત નિશ્ર્ચિત બનાવી દીધી હતી.
રાજયસભાની ચૂંટણીમાં ભલે તમામ નેતાઓ અને આખી પાર્ટીની સંગઠીત લડાઈ હતી છતાં શક્તિસિંહની ભૂમિકા સર્વોચ્ચ સાબીત થઈ છે.
કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલાએ છેડો ફાડયો અને તેમના સમર્થક ધારાસભ્યોના રાજીનામાનો સિલસિલો શરૂ થયો ત્યારથી જ રાજયસભાની ચૂંટણીમાં બાપુની મદદથી ભાજપ નવાજુની કરવા માંગતો હોવાની છાપ ઉપસવા લાગી હતી અને ત્યારે કોંગ્રેસ નેતાગીરી એલર્ટ થઈ હતી. આ વખતથી જ સમગ્ર રાજકીય ઘટનાક્રમની શરૂઆત થઈ હતી.
સૌરાષ્ટ્રમાંથી પરેશ ધાનાણી, ઈન્દ્રનીલ રાજયગુરુએ ૯ ધારરાસભ્યોને એકત્ર કર્યા તેમ રાજયના ચારેય ભાગોમાંથી રાતોરાત ધારાસભ્યોને ભેગા કરી લેવાયા હતા અને બેંગ્લોર રવાના કરી દેવાયા હતા. અમદાવાદમાં રહીને શક્તિસિંહની દેખરેખ હેઠળ ઓપરેશન થયુ. તેઓ બીજા દિવસે પછી ધારાસભ્યો પાસે બેંગ્લોર પહોંચી ગયા.
ઉચ્ચ ગુજરાતમાં પુરની પરિસ્થિતિ છતાં કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોર જલ્સા કરવા ઉપડી ગયાના હરિફ રાજકીય પક્ષોએ સર્જેલા ઉહાપોહનો પણ બેંગ્લોર જઈને જડબાતોડ જવાબ આપ્યો હતો. ધારાસભ્યોને ‘મજબૂરી’થી લાવવા પડયા હોવાનું જાહેર કરીને કાવાદાવા ઉઘાડા પડયા હતા. ભાજપે સર્જેલા ઉહાપોહની હવાકાઢી નાખી હતી.
બેંગ્લોરમાં દસ-દસ દિવસ સુધી ધારાસભ્યોને સાચવવાની જવાબદારી પણ તેમના શિરે હોય તેમ હટયા ન હતા. આ કેમ્પમાં અમુક ધારાસભ્યોનું મન શંકરસિંહ વાઘેલા તરફ હોવાની અટકળો હતી છતાં કોઈને અડવા દીધા ન હતા. જો કે મતદાનના દિવસે એક સભ્યએ પલ્ટી મારી હતી છતાં બાકીના ૪૩ને અકબંધ રાખી શકયા હતા.
કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવાના ઓપરેશનનો પાર્ટ-૧ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ અણીના સમયે કાબીલેદાદ કાનૂની યુદ્ધમાં અહેમદ પટેલની જીત નિશ્ર્ચિત બનાવી દીધી હતી.
કોંગ્રેસના બે બળવખોર ધારાસભ્યો ભોળાભાઈ ગોહીલ અને રાઘવજી પટેલે મતપત્રક કોંગ્રેસ ઉપરાંત ભાજપના નેતાઓને બતાવતા કાનૂની મુદો ઉપસ્થિત થયો હતો. શક્તિસિંહ ગોહિલે આ વખતે જ રીટર્નીંગ ઓફીસર સમક્ષ વાંધો લીધો હતો. કોઈ કાર્યવાહી ન થતા મતદાન પછી સીધો ચૂંટણી પંચમાં ધા નાંખ્યો હતો.શક્તિસિંહ ગોહીલ ખુદ એડવોકેટ છે અને કાનૂની નિષ્ણાંત છે. બંધારણીય જોગવાઈઓથી સારી રીતે વાકેફ છે. હરિયાણા-રાજસ્થાનના ચુકાદા ટાંકીને પંચમાં મામલો પહોંચાડયો હતો. દિલ્હીમાં આખો હવાલો રાષ્ટ્રીય નેતાઓએ ઉપાડયો છતાં અદભૂત સંકલનની આ કાનૂની વિવાદમાં સફળતા મેળવી હતી અને તેના આધારે અહેમદભાઈ પટેલની જીત નિશ્ર્ચિત થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *