નર્મદા રથના કાર્યક્રમોમાં અન્ય પક્ષોને વિશ્ર્વાસમાં કેમ નથી લેવાતા? : જય કુમાર

નર્મદા રથને નામે નર્મદા નીર પ્રજાને મળશે તેવી ભ્રામક હવા ફેલાવીને ભારતીય જનતા પાર્ટી સરકારી તંત્ર નો બેફામ ઉપયોગ કરી પ્રજાને સ્વપ્નના બતાવી રહી છે તેવી પ્રતિક્રિયા વિપક્ષી અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવીએ કરીને સરકારી જવાબદાર અધિકારીઓ આ બાબતે જાહેરમાં ખુલાસો કરે કે નર્મદા રથના વિવિધ કાર્યક્રમોનો ખર્ચ કોણ ઉઠાવે છે. ભાજપના કમળના નિશાનવાળા વાવટા ફરકાવવામાં આવે છે અને ભાજપનો પ્રચાર પ્રસાર સરકારી માધ્યમદ્વારા કરાવામાં આવે છે તેમજ આવા કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને હાજર રખાય છે તે કેટલે અંશે ઉચિત અને વ્યાજબી છે તેવો વેધક સવાલ કર્યો છે.

સંઘવીએ વધુમાં સરકારીતંત્રના ભાજપીકરણ સામે આંગળી ચિંધતા જણાવેલ કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ શા માટે ભાજપના ઝંડાવાળા અને ભાજપના પ્રચારવાળા ચૂંટણી લક્ષી અભિયાનમાં કેમ જોડાય છે. નર્મદા રથને નામે થતા કાર્યક્રમોમાં માત્રને માત્ર ભાજપવાળાને કેમ જોડવામાં આવે છે. કેમ અન્ય રાજકીય પક્ષો અને સંસ્થાઓને વિશ્ર્વાસમાં લેવામાં આવતા નથી. આવા કાર્યક્રમો પ્રજાની સ્વૈચ્છિક હાજરી થતી નથી. તેથી આંગણવાડી, મધ્યાહન ભોજન, અને આશાવર્કરો વિગેરે કર્મચારીઓ પર ભારણ નાખીને કાર્યક્રમનો ફિયાસ્કો અટકાવવા તલાટી, મામલતદાર અને કલેક્ટર સુધીની વગનો ઉપયોગ કરવામાં જોહુકમી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *