ધાર્મિક-સામાજીક-રાજકીય-સંતુલન સાધી શકે તેવા સંતોને ટિકીટની વિચારણા થશે રાજયના સાધુ-સંતોની માંગણીઓ પર સરકારનું હકારાત્મક વલણ:ઉપવાસ-આંદોલન હાલ મુલત્વી

l5

ગુજરાતમાં વિવિધ શાસક સ્થળો તથા પવિત્ર જગ્યાઓનું પ્રતિનિધિત્વ કરતા સાધુ સંતો આજે ગાંધીનગરમાં જૂનાગઢના ભવનાથ સ્થિત ભારતી આશ્રમના મહામંડલેશ્ર્વર- ભારતીબાપુના નેતૃત્વમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપના રાષ્ટ્રીય નેતા અમીત શાહ તથા ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીને મળ્યા હતા અને સાધુ સંત સમાજ દ્વારા જે વિવિધ નવ માંગણીઓ અંગે અલ્ટીમેટમ અપાયું હતું તે અંગે રજુઆત કરી હતી. સાધુ-સંત સમાજની આ નવ માંગણીઓમાં મોટાભાગની માંગણીઓ મુખ્યમંત્રીએ સ્વીકારીને હાલ આચારસંહિતા અમલી હોવાથી ચૂંટણી બાદ તેમાં શકય તેટલી ઝડપે અમલ કરવાની ખાતરી આપતા પૂ. બાપુનો ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ હાલ મોકુફ રખાયો છે. આજની બેઠક અંગે માહિતી આપતા પૂ. ભારતીબાપુએ જણાવ્યું હતું કે રાજયભરમાં જે જે હિન્દુ ધાર્મિક-આશ્રમો જગ્યાઓ છે તેની જમીન ટોકન દરે રેગ્યુલાઈઝ કરવા અમારી માંગ હતી તે સરકારે સ્વીકારી છે અને તેનો બાદ તેનો અમલ થશે. આ ઉપરાંત યાત્રાધામ વિકાસ બોર્ડમાં સાધુ-સંતોને પણ પ્રતિનિધિત્વ મળશે. જૂનાગઢમાં જે ગીરનાર ડેવલપમેન્ટ ઓથોરીટી છે તેમાં પૂ. ભારતીબાપુ જેનું નામ સૂચવે છે તે પ્રતિનિધિત્વ આપવાની પણ સંમતી અપાઈ હતી. આ ઉપરાંત રાજયની વિધાનસભાની જે ચૂંટણીઓ યોજાઈ રહી છે તેમાં સાધુ સંતોને પણ જનતાના પ્રતિનિધિ બનવા તક મળે તે જોવા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ સમક્ષ કરવામાં આવી હતી. અમીત શાહે આ અંગે હકારાત્મક અભિગમ અપનાવતા કહ્યું કે ધાર્મિક-સામાજીક અને રાજકીય સ્તરે જે સંતુલીત રીતે કામ કરી શકે તેવા સાધુ-સંતોને પ્રતિનિધિત્વ આપવા પક્ષ વિચારશે. આમ સાધુ-સંતો રાજય સરકાર તથા ભાજપના આ હકારાત્મક અભિગમથી સાધુ-સંતોની રજુઆત સાંભળી તેનો સંતોષ વ્યક્ત કરાયો હતો. આ સમગ્ર મુલાકાતમાં આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્રનાથ બાપુ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *