દ્વારકાથી લગ્ન કરી જાનૈયા ભરેલી બસને અકસ્માત નડતા ચારનાં મોત : ર૧ને ઈજા

દ્વારકાથી લગ્ન કરી પરત ફરી રહેલ સુરતના ભદ્રેશ્વરા પરિવાર સહિત જાન્ૌયા ભરેલી લકઝરી બસ ભરૂચના નબીપુર પાસે રોડ પર ઊભેલી ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માતમાં નવોઢા સહિત ચાર લોકોનાં મોત થયા હતા. જ્યારે ર૧થી વધુ લોકો ઘાયલ થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મોડેલ ટાવર અર્પણ કોમ્પ્લેક્ષમાં રહેતા તુલસીભાઈ ભદ્રેશ્વરાના પુત્રના લગ્ન હોય તેઓ પરિવાર અને સગા-સંબંધીઓ સહિત સુરતની જ ખાનગી ટ્રાવેલ્સની બસ નંબર જીજે.૧૪.એક્સ-૫૭૭૭ લઈ દ્વારકા ગયા હતા. જ્યાં લગ્નવિધી પતાવી તેઓ પરત ફરી રહૃાાં હતા. વહેલી સવારે નેશનલ હાઈવે પર ભરૂચ નજીક નબીપુર પાસે લકઝરી બસના ડ્રાઈવરની ભૂલના કારણે બસ રોડ પર ડિવાઈડર બાજુ ઊભેલી ટ્રકમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો.

ધડાકાભેર અકસ્માત સર્જાતા જ જાનૈયાઓની ચીસો ઊઠી હતી. બનાવના પગલે આસપાસના લોકો ઘટના સ્થલે દોડી આવ્યાં હતા. અકસ્માતમાં ડરાઈવર બાજુનાં ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બસમાં ફસાયેલા ઘાયલોની દર્દૃનાક ચીસોએ વાતાવરણ ગાજી ઊઠ્યું હતું. દોડી આવેલા લોકોનાં ટોળાએ બસમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. કેટલાક લોકોને બસના પતરા કાપી બહાર કાઢવા પડ્યા હત. અકસ્માતમાં કુલ ર૧થી વધુ લોકો ઘાયલ થયા હતા. જ્યારે નવોઢા હિમાની, તેના સસરા તુલસીભાઈ ભદ્રેશ્વરા અને સાસુ ગીતાબેન ભદ્રેશ્વરા અને તેના ફુવા મળી કુલ ચાર લોકોનાં કમકમાટીભર્યાં મોત થયા હતા.

લકઝરી બસમાંથી બહાર કઢાયેલ ઘાયલોને સારવારઅર્થે ૧૦૮ સહિતના સાધનોમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. જ્યાં એક સામટા દર્દિઓ આવતા અફડાતફડીનો માહોલ ઊભો થયો હતો. બનાવની જાણ થતાં જ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને કોગ્રેસના ઉમેદવાર જયેશ પટેલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતા.

મોટાભાગના ઘાયલોને સુરત ખાતે ખસેડાયા હતા. બનાવ અંગે નબીપુર પોલીસે અકસ્માત ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતકોમાં હિમાની (નવોઢા) ઉર્ફે દિપા હસમુખભાઈ, તુલસીભાઈ ભદ્રેસરા, ગીતાબેન ભદ્રેસરા અને મહેશભાઈ બચુભાઈ ભેડા-અમદાવાદનો સમાવેશ થાય છે.

નવોઢા હિમાનીનું પાનેતર જ બન્યું કફન

દ્વારકાના હસમુખભાઈની પુત્રી હિમાની લગ્ન કરીને આંખોમાં સંસારના સ્વપ્ન આંજી સાસરી તરફ આવતી હશે ત્યારે તેને કલ્પના પણ નહીં કરી હોય કે હજી સાસરીની ડેલી પર પગ મૂકશે તે પહેલાં જ કાળ તેને ભરખી જશે અને તેનું પાનેતર જ તેનું કફન બનશે. નબીપુર પાસે સર્જાયેલા અકસ્માતમાં સંસારપથ પર જવા નીકળેલ નવોઢા હિમાનીએ આ દુનિયાથી જ અલવિદા લઈ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *