ટીમ હિન્દ મહાસાગરની કપ્તાની ભારતને કયા દેશો છે, જે નિયમ મુજબ નથી વર્તતા? તેના સીધા જવાબમાં બે દેશનાં નામ આવે, એક તો ચીન અને બીજું પાકિસ્તાન!

a3

હિંદ મહાસાગર વિસ્તારને શાંત, સ્થિર અને સમૃદ્ધ રાખવાની સમાન વિચારસરણી, હેતુ અને ધ્યેય સિદ્ધિ માટે મનીલા ખાતે ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાનો અને પ્રમુખની બેઠક યોજાય એ, એક ઐતિહાસિક પ્રકરણનો જન્મ ગણી શકાય. આ ચાર દેશોએ પોતાનું એક જૂથ બનાવ્યું છે, જેને ‘ક્વૉડ્રીલેટરલ કોઓલિએશન‘ નામ આપ્યું છે. ટૂંકમાં હિંદ મહાસાગરની અને ભારતીય ઉપખંડમાં શાંતિ અને સમૃદ્ધિ માટે તેમણે ભારતને સુકાની બનાવવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે, અને એના માટે ભારતની સાથે રહેવાની તૈયારી બતાવી છે. આ પહેલી બેઠક એ ચારેય દેશોના ઉચ્ચ અધિકારીઓએ યોજી હતી. એ બેઠક યોજાયા પછી તરત જ ચારેય દેશોએ તેમનાં અલગ અલગ નિવેદનો આપ્યાં છે, એ પણ એક સરખાં જ છે, આ બેઠકનું મહત્ત્વ આમ પણ ઘણું છે, પરંતુ જ્યારે ‘એશિયન સમિટ’ મળવાની છે, ત્યારે તેના આગલા દિવસે આ ચાર દેશો વચ્ચે થયેલી ચર્ચા અને લેવાયેલા નિર્ણયનું મહત્ત્વ વધી જાય છે, કારણ કે તેની સર્વાંગી અસર ‘એશિયન સમિટ’ પર પડવાની જ છે! જેની અસર વધારે પડવાની છે, એ નિર્ણય એ છે કે, હિંદ મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય કાયદાનો અમલ કરવો જરૂરી છે, એશિયન દેશોએ કાયદા મુજબ જ વર્તન કરવા પર, એ બેઠકમાં ભારપૂર્વક નક્કી કરાયું છે!
તો, તરત સવાલ એ પેદા થાય કે, કયા દેશો છે, જે નિયમ મુજબ નથી વર્તતા? તેના સીધા જવાબમાં બે દેશનાં નામ આવે, એક તો ચીન અને બીજું પાકિસ્તાન! હિંદ મહાસાગરના ક્ષેત્રમાં અશાંતિ ચીનના કારણે રહે છે, અને અસ્થિરતા પાકિસ્તાનના આતંકવાદના કારણે ફેલાય છે! હવે જ્યારે એ બેઠકમાં એવું નક્કી થાય કે હિંદ મહાસાગરમાં લાંબા સમય માટે શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે આતંકવાદને નાથવાની અને સામૂહિક ઘૂસણખોરી રોકવી જરૂરી છે, ત્યારે ચીન અને પાકિસ્તાનના પેટમાં તો ઊકળતું તેલ રેડાય! ચીન તો સમસમી ગયું છે, અને કહ્યું પણ ખરું કે, આ બાબતો માટે અન્ય ત્રણ દેશોની સલાહ અને સંકલનની શી જરૂર હોય? એ તો એશિયાખંડના દેશો સાથે રહીને પણ ચર્ચા કરી શકે? તેમણે સંબંધિત બાબતો માટે એ ત્રણ દેશોને ‘એક્સ્કલુસિંગ રિલેવન્ટ’ ગણાવ્યા! હવે આંતરરાષ્ટ્રીય રાજકારણ પર થોડી નજર નાખીએ! ભારત અત્યારે આંતરરાષ્ટ્રીય ફલક પર સૌના માટે આકર્ષક દેશ છે. અમેરિકાના અર્થતંત્રમાં ભારતની આઈટી સેવાનું મોટું પ્રદાન છે. ઑસ્ટ્રેલિયા અને જપાન બંને ભારતના મિત્ર દેશો છે. ટ્રમ્પ જેમ રશિયા સાથે પણ સંબંધો સુધારવાના મૂડમાં છે, તેના માટે પણ ભારત સાથે તેણે મૈત્રી ગાઢ બનાવવી જરૂરી છે. ચીન બહુ વિશાળ દેશ છે, પણ તેનું દિલ વિશાળ અને સ્વચ્છ નથી. મન મેલું છે. અમેરિકા તેને ભારતથી આગળ રાખવા ઈચ્છતું નથી. વળી ચીનનાં છમકલાં વિશ્ર્વવિખ્યાત છે. યુનોમાં તેના વીટોપાવરનો ચીન દ્વારા થતો ગેરઉપયોગ બધા જાણે છે! બીજી તરફ અમેરિકા પાકિસ્તાનને આતંકવાદનું સ્વર્ગ ગણે છે અને પાકિસ્તાનને તેમાં સુધારો કરવાનું કહી ચૂક્યું છે. પાકિસ્તાન અમેરિકાને છોડીને ચીનમાં ઘલાવાના પ્રયાસ કરી રહ્યું છે. આ બધી બાબતો અમેરિકા જેવી મહાસત્તાને થોડી ગમવાની છે? અત્યારે તો એ ત્રણેય દેશોએ ‘જૂથ’ રચીને ભારતની ગરિમા વધારી છે. ચીનને નથી ગમ્યું. તેણે કહ્યું કે, ‘હિંદ મહાસાગર’ (ઈન્ડો-પેસિફિક) શા માટે? ‘એશિયા સ્પેસિફિક’ શા માટે નહીં? ટ્રમ્પે એક જ રટણ કર્યે રાખ્યું છે. ‘ઈન્ડો-પેસિફિક’ અને એ શરૂઆત તેમણે ચીનના પ્રવાસે જતાં પહેલાં સાઉથ કોરિયામાં યોજેલી પત્રકાર પરિષદથી કરી છે! અમેરિકા અને જપાન બંને એવું ઈચ્છે જ છે કે, હિંદ મહાસાગરમાં ભારતની ભૂમિકા મહત્ત્વની રહે… હવે મનીલામાં મોદીની દરેક નેતાઓ સાથે થનારી બેઠક અને આજની ‘એશિયન સમિટ’ની પ્રતિક્રિયાઓ રસપ્રદ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *