જોડિયામાં ૧૦ ઇંચ:રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત્ પરંતુ જોર ઘટ્યુ કચ્છના અબડાસામાં ૧૩ ઇંચ વરસાદ

l3

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં મેઘરાજાએ આજે પણ તેમની મહેર ચાલુ રાખી હતી. આજે કચ્છના અબડાસામાં આભ ફાટયુ હોય એમ ૧૩ ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. બીજીબાજુ, સૌરાષ્ટ્ર પંથકમાં ગઇકાલ કરતાં વરસાદનું જોર ઓછું થતાં તંત્ર સહિત સ્થાનિક પ્રજાજનોએ કંઇક અંશે રાહતની લાગણી અનુભવી હતી. આજે રાજયના મોટાભાગના તમામ તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસામાં ૧૩ ઇંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો હતો. તો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં દસ ઇંચથી વધુ, ધ્રાંગધ્રામાં સાત ઇંચ, ચોટીલામાં છ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ જ પ્રકારે જામનગરના જોડિયામાં પણ ૧૦ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. આ સિવાય રાજયના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદના ઝાપટા ચાલુ રહૃાા હતા. ચોટીલા, રાજકોટ, મોરબી, ટંકારા સહિતના પંથકોમાં વરસાદી જોર ઘટતા અને પાણી ઓછુ થતાં હવે ભયંકર વિનાશ અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. ગઇકાલ રાતથી અત્યારસુધીમાં હજારો લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે, તો સેંકડો લોકોને જળપ્રલયની સ્થિતિમાંથી બચાવી સલામત સ્થળે ખસેડાયા હતા. ગઇકાલે રાજકોટમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૮ ઇંચ, ટંકારામાં છ કલાકમાં ૧૭ ઇંચ અને ચોટીલામાં ૧૫ કલાકમાં ર૪ ઇંચ વરસાદ અને જામનગરમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળપ્રલયની સ્થિતિ સર્જાઇ હતી. આજે પણ આ પંથકોમાં સમગ્ર દિવસ દરમ્યાન વરસાદ ચાલુ રહૃાો હતો પરંતુ તેનું જોર ઘટયું હતું. આજે આ પંથકોમાં ચારથી છ ઇંચ જેટલો વરસાદ નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી.

ર૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદથી અબડાસા અને આસપાસના પંથકો જાણે ટાપુમાં ફેરવાયા હતા, સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જ જોવા મળતી હતી. અબડાસા પંથકના કોઠારા સહિતના અનેક ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. બીજીબાજુ, રાજકોટ, ચોટીલા, મોરબી, ટંકારા પંથકમાં આજે પણ ચારથી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો, જામનગરના જોડિયામાં દસ ઇંચ અને સુરેન્દ્રનગરના દસાડામાં દસ ઇંચ વરસાદ ખાબકયો હતો. જેને પગલે જામનગર અને સુરેન્દ્રનગર પંથકના વિસ્તારોમાં પણ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના પોશીનામાં છ ઇંચ વરસાદ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *