જીએસટીએ વાળ્યો દાટ, સોનાને પણ લગાડ્યો ‘કાટ’

a1

વિશ્ર્વભરમાં, વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં છેલ્લાં આઠ વર્ષમાં ન ઘટ્યા હોય તેટલા સોનાની ખપત પહેલી વખત ઘટવાના સમાચારો આશ્ર્ચર્ય ફેલાવે એવા છે. ભારતમાં ભાવ ઘટવાનાં કારણો અને માગમાં ઘટાડો થવાના કારણો અલગ છે અને વિશ્ર્વમાં સોનાની માગ ઘટવાનાં કારણો અલગ છે, એટલું ખરું કે, ભારતમાં જે ખપત ઓછી થવાનાં કારણો છે, તેની અસર વિશ્ર્વની બજારમાં થતી જ હોય છે. હાલમાં અમેરિકાએ કરેલા વ્યાજ દરમાં વધારાની અસર સોનાની માગ ઘટવા પર થઈ હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું તારણ છે, કારણ કે વ્યાજ દર વધવાના કારણે સોનામાં રોકાણ કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.બહાર પડેલી વિગતો મુજબ સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં પૂરા થતાં ત્રિમાસિક ગાળામાં ૯૧૫ ટન સોનાની ખપત ઓછી થઈ હતી જે ગયા વર્ષના એજ સમયગાળાની ખપત કરતાં ૯ ટકા જેટલી ઘટેલી નોંધાઈ હતી. છેલ્લો આંક અર્થસૂચક રીતે ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફન્ડમાં જોવા મળ્યો હતો જે ૧૪૪.૩ ટનમાંથી માત્ર ૧૯ ટન ઘટી ગયો હતો, એવું જ ભારતની ઝવેરીબજારોમાં જોવા મળ્યું હતું. ત્રણ ત્રિમાસિક ગાળાના વિકાસમાં, ભારતમાં રપ ટકા માગમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેનું કારણ ભારતમાં લાગુ કરાયેલી નવી કરવેરા પદ્ધતિ હોવાનું નોંધાયું છે. એ તો સર્વ વિદિત હકીકત છે કે, વિશ્ર્વમાં ચીન પછી સોનાનો વધુ વપરાશ કરતો ભારત દેશ છે. ભારતના સોનાના વપરાશકારોએ જીએસટીના કારણે પહેલા ક્વાર્ટરમાં હાથ બાંધી રાખ્યા હતા અને બીજા ત્રિમાસિક ગાળામાં સોનાની થોડી થોડી ખરીદી શરૂ કરી હતી. પહેલાં ત્રણ મહિના સોનાની માગ માટે અત્યંત કટોકટી ભર્યા હતા. તેનું કારણ લાદવામાં આવેલો જીએસટી દર હતો. ગયા વર્ષના એજ ગાળાની સરખામણીમાં ૧૯ ટન સોનાની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારતમાં સોનાની માગમાં હજુ પણ જોઈએ તેટલો સુધારો જોવા નથી મળતો કારણ કે હજુ પણ નૉટબંધીની વિપરિત અસરમાંથી લોકો અને વેપારીઓ બહાર નથી આવ્યા. નૉટબંધીના અમલ થયાના શરૂઆતના થોડા મહિનામાં તો સોનાના વેપારમાં ૭૫ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. ધીરે ધીરે ચલણી નૉટો લોકોને મળવા લાગી પછી માગમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ હજુ પણ ગયા વર્ષના ૮મી નવેમ્બરના દિવસ પહેલાં, જેટલી સોનાની માગ હતી તેનાથી ૨૪ ટકા માગ ઓછી જ વરતાઈ રહી છે. એટલું ચોક્કસ જોવા મળ્યું કે, નૉટબંધી પછી સોનાની દાણચોરીનું પ્રમાણ ઘટી ગયું હતું અને હજુ પણ કાળાબજારની પ્રવૃત્તિ નબી ટૂ સીથ લેવલની જ જોવા મળે છે. ર૦૧૫ની જે સુખદ સ્થિતિ હતી તે મુજબ ૮૬૩ ટનની માગ નોંધાઈ હતી જે ર૦૧૬માં ઘટીને ૬૭૪ ટનની થઈ ગઈ હતી જે એકંદરે બાવીસ ટકા ઘટાડો થયો હોવાનું કહી શકાય. ત્યાર પછી ર૦૧૭માં અત્યારે સોનાની માગ ૬૫૦ થી ૭૫૦ ટન પર સ્થિર થઈ ગઈ હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ નોંધે છે. અને એવી આશા વ્યક્ત કરે છે કે, આવતા વર્ષે તેમાં સુધારો થશે. અલબત્ત સોનાની માગ ઘટવા પાછળ કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલા કાયદાઓ પણ એક મહત્ત્વનું પરિબળ બની રહ્યા છે. એ કાયદાઓએ લોકોને સોનું ખરીદવા માટે હતાશ કર્યા છે. તેમાં પણ હાલમાં મોટું અને મહત્ત્વનું કારણ ૧લી જુલાઈથી લાગુ કરવામાં આવેલો જીએસટીનો ૩ ટકાનો દર છે. બાવીસ કેરેટ સોનાની બનાવટની વસ્તુઓના નિકાશ પરનો પ્રતિબંધ વેપારીઓને હતાશ કરી ગયો. એ નવા કાયદાના કારણે ઝવેરાત, સિક્કા અને મેડલ્સ જેવી વસ્તુઓ પર ખૂબ અસર થઈ. સોનાની માગ અંગેની મળેલી છેલ્લી વિગતો મુજબ ઑક્ટોબર મહિનામાં સોનાની માગમાં ૩૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આયાત ૯૬.૭ ટનથી ઘટીને ૬૬.૮ ટન થઈ હતી અને છેલ્લા દસ મહિનામાં બધુ મળીને સોનાની ખરીદીનું પ્રમાણ ૭૭૭.૧ ટન જેટલું જોવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *