જળસંકટ મામલે કેન્દ્રની દરમ્યાનગીરી માંગતુ ગુજરાત

l1

ગુજરાતમાં આગામી ઉનાળામાં તોળાતા સંભવિત પાણીકાપ સામે અત્યારથી જ ઉહાપોહ શરૂ થતા સરકાર સાવધ બની છે અને ખાસ કરીને નર્મદાના પાણી મામલે કેન્દ્રની દરમ્યાનગીરી માંગી છે.
રાજય સરકારે આગામી ઉનાળામાં સિંચાઈ અને ઉદ્યોગોને નર્મદાનું પાણી નહીં આપવાનું જાહેર કરી જ દીધુ છે. ઉપરાંત શહેરોને પીવાના પાણીમાં પણ કાપ મુકવાનો ઈશારો કરી દીધો છે. મધ્યપ્રદેશ દ્વારા પાણી છોડવામાં મોટો કાપ મુકવામાં આવ્યો છે. પરિણામે નર્મદા બંધનું જળસ્તર સાવ નીચુ ગયુ છે. આ સંજોગોમાં વધુ પાણી છોડવા માટે મધ્યપ્રદેશને સૂચના આપવા માટે કેન્દ્રની દરમ્યાનગીરી માંગી છે.
રાજયના નર્મદા વિભાગના સીનીયર અધિકારીઓને દિલ્હી દોડાવવામાં આવ્યા હતા. જયાં ગુજરાતમાં જળસંકટ વિશે વાસ્તવિક ચિત્ર રજુ કરવામાં આવ્યુ હતું. ગુજરાત માટે વધુ પાણી છોડવા માટે કેન્દ્ર તથા નર્મદા કંટ્રોલ ઓથોરીટી સમક્ષ માંગ કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પણ જરૂરી દરમ્યાનગીરી કરવા વડાપ્રધાન કાર્યાલયનું ધ્યાન દોરવામાં આવ્યું છે. પીએમઓ દ્વારા પણ યોગ્ય પગલા લેવા જળસંપતિ મંત્રાલયને સૂચના આપવામાં આવી છે.
સૂત્રોએ કહ્યું કે ગત વર્ષની સરખામણીએ મધ્યપ્રદેશે બહુ ઓછી પાણી છેડયુ છે. કેન્દ્ર સરકારે ગુજરાતની વાત માની છે અને બે-ત્રણ દિવસમાં વધુ પાણી છોડવામાં આવશે. તેવી બાંહેધરી આપી છે. જાન્યુઆરી ૨૦૧૭માં નર્મદાના દરરોજ સરેરાશ ૧૯૫૦૦ થી ૨૫૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવતુ હતું તેની સરખામણીએ આ વર્ષે માત્ર ૧૮૦૦ થી ૨૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં વરસાદ ઓછો થયો હોવાથી હજુ પણ કાપ મુકે તેવી શકયતા છે. મધ્યપ્રદેશના નર્મદાના સ્ત્રાવક્ષેત્રોમાં આ વર્ષે છેલ્લા ૧૫ વર્ષનું સૌથી ઓછુ પાણી વરસ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *