‘જયહિન્દ’ દૈનિકના સ્થાપક વિભૂતિ સમાન પૂ. બાપુજીને આજે ૧૦૧મી જન્મજયંતી પ્રસંગે અમારી વંદના

BAPUJI3

‘જયહિન્દ’ સમાચાર પત્રોના સ્થાપક અને ગુજરાતના અખબારી આલમની તેમજ મુદ્રણ-પ્રકાશન ક્ષેત્રની એક વિભૂતિ સમાન સ્વ. નરોત્તમદાસભાઈ (બાબુભાઈ) શાહની, અમારા પરિવારના પૂ. બાપુજીની આજે ૧૦૧મી જન્મજયંતિ છે. આ પ્રસંગે અમે તેમને ભાવભરી સ્મૃતિ-વંદના અર્પણ કરીએ છીએ અને તેમણે પત્રકારિત્વ માટે સ્થાપેલા આદર્શોને આગળ વધારવાની પ્રતિબધ્ધતા દર્શાવીએ છીએ.
બાબુભાઈ શાહનો જન્મ તા.૨ જાન્યુઆરી ૧૯૧૬ના રોજ રાજકોટમાં થયો હતો. દેશની સ્વતંત્રતાની પ્રાપ્તિ સમયે સારાયે દેશનું તેમજ ગુજરાતનું પત્રકારિત્વ એક નવા યુગમાં પ્રવેશી રહ્યું હતું. તે સમયે સર્વ ક્ષેત્રોમાં ઉત્કર્ષ માટે જનતામાં ઉત્સાહ હતો અને પ્રગતિ તથા વિકાસ માટેના સંસાધનો સર્જવા માટે લોકોમાં ઉત્કંઠા હતી.
આ સમયે જનતા જનાર્દનની વિકાસની આ ભાવનાને વાચા આપવાના ધ્યેયથી પૂ. બાપુજીએ એક અખબારના સર્જનનું સાહસ કર્યું હતું. લોકોની વિકાસની આકાંક્ષા સંતોષવા, લોકોના પ્રશ્ર્નોને વાચા આપવા અને વિકાસના માર્ગોમાં સર્જાતા અવરોધો તથા તે અવરોધો દૂર કરવા માટે ઉપાયોની શોધ કરવા અખબારી માધ્યમ ઉત્તમ હોવાનું લક્ષમાં લઈને પૂ. બાપુજીએ આ સાહસ હાથ ધર્યું હતું.
આ ધ્યેય સિધ્ધ કરવા માટે સૌરાષ્ટ્રના કેન્દ્ર સમા રાજકોટને કર્મભૂમિ બનાવીને ત્યાંથી ‘જયહિન્દ’ સમાચાર પત્રોના પ્રકાશનનો આરંભ કર્યો હતો. તેમણે નેતાજી સુભાષચન્દ્ર બોઝના રાષ્ટ્રીય ચેતના જાગૃત કરતા સૂત્ર ‘જયહિન્દ’ને અનુસરીને, આ અખબારનું નામ, ‘જયહિન્દ’ પસંદ કર્યું હતું, અને પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતાના સુત્રથી જન-આકાંક્ષાને સ્થાન આપ્યું હતું.
એ નોંધનિય છે કે, તે સમયે દેશની જનતા માટે લોકતાંત્રિક વ્યવસ્થા એક નવા પ્રકારની રાજકીય વ્યવસ્થા હતી. લોકોની નવનિર્માણની ઝંખના સિધ્ધ કરવા સામે અનેક પડકારો સહજ હતા. જનકલ્યાણ માટેના ધ્યેયની સિધ્ધિમાં અખબારી આલમે મહત્વનું યોગદાન આપવાનું હતું. આ યોગદાન આપતી વેળાએ લોકોની લાગણીને વાચા આપવા માટે અનેક જન-આંદોલનો સર્જાતા હતા અને તેમાંના યોગ્ય આંદોલનોને ટેકો આપવામાં ‘જયહિન્દ’ અગ્રસ્થાને રહ્યું હતું. આ રીતે લોક-લાગણીને વાચા આપવામાં દેખીતી રીતે જ આ અખબાર અને પૂ. બાપુજીને શાસક- પ્રશાસક વર્ગ સાથે સંઘર્ષમાં આવવું પડતું હતું. છતાં આ બાબતમાં કોઈપણ પ્રતિ દ્વેષભાવ રાખ્યા વિના પૂ. બાપુજીએ સકારાત્મક વલણ રાખીને અને પત્રકારિત્વના આદર્શોને અનુલક્ષીને સર્વ પ્રતિ પ્રેમભાવ રાખીને, અજાતશત્રુ તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.
પૂ. બાપુજીએ અખબારી જગતમાં અન્યો સાથે સહકાર ભાવનાને પ્રોત્સાહન આપીને, અખબારી કર્મચારીઓ, એજન્ટો અને વિજ્ઞાપન બંધુઓ સાથે પારિવારિક ભાવનાની અનોખી કેડી કંડારી હતી. તેમણે અખબાર માટે માહિતી મેળવવા તથા મુદ્રણ કળામાં અત્યાધુનિક ટેકનોલોજીના આવિષ્કાર માટે પણ અજોડ દીર્ઘદૃષ્ટિ દાખવી હતી. આ દ્વારા તેમણે આ ક્ષેત્રે પ્રગતિશીલતાનો માર્ગ ચીંધ્યો હતો.
પૂ. બાપુજીએ સ્થાપેલા આ આદર્શોને અનુસરીને ‘જયહિન્દ’ ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહ્યું છે અને આજે પણ તેઓ ‘જયહિન્દ’ પરિવાર પર આશિષની વર્ષા કરી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *