જયરાજસિંહ સામે ગુજરાત પ્રવેશ પ્રતિબંધ યથાવત:ધારાસભ્યની અરજી નકારતી સુપ્રીમ

l5

ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૧૪ વર્ષ જુના ચકચારી નિલેશ રૈયાણી હત્યા કેસમાં આજીવન કેદની સજા અપાયા બાદ ધારાસભ્ય જાડેજા દ્વારા આ પ્રકરણમાં અપીલ દાખલ કરી અને શરતી જામીન માંગવામાં આવેલ હતા. જે અંગેના હીયરીંગમાં ધારાસભ્ય જયરાજસિંહને ગુજરાત બહાર રહેવાની શરતે જામીન આપવામાં આવેલ હતા.
દરમ્યાન આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા જ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા તેઓના ગુજરાત પ્રવેશ અંગેની અપીલ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. જેનું હીયરીંગ આજે થતા ધારાસભ્ય જાડેજાની અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલ છે.
જેથી ધારાસભ્ય જાડેજાનો ગુજરાત પ્રવેશ હવે મુશ્કેલ બનેલ છે. અહી એ ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની બેઠક પર ભાજપ તરફથી ધારાસભ્ય જાડેજાના પત્ની ગીતાબાની મજબૂત દાવેદારી ગણાઈ છે ત્યારે ધારાસભ્ય જયરાજસિંહને ગુજરાત પ્રવેશ અંગે સુપ્રીમ દ્વારા મંજુરી નહી અપાતા અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે.
અહી એ પણ ઉલ્લેખનીય છે કે ચકચારી ૧૪ વર્ષ જૂના નિલેશ રૈયાણી હત્યા કેસમાં ધારાસભ્ય જાડેજાને આજીવન કેદની સજા ફટકારાયા બાદ તેઓને શરતી જામીન અપાતા ધારાસભ્ય જાડેજા હાલ રાજસ્થાનમાં છે પરંતુ ગુજરાત પ્રવેશ માટે તેઓએ સુપ્રીમમાં કરેલી અરજીને કોર્ટે ફગાવી દેતા આગામી ચૂંટણી માટે તેઓનો ગુજરાત પ્રવેશ હવે મુશ્કેલ બનેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *