ચારેબાજુથી ઘેરાઈ ગયા બાદ ત્રાસવાદીએ શરણાગતિ સ્વીકારી સોપિયનમાં બે ત્રાસવાદી મોતને ઘાટ:એક જીવિત ઝડપાઈ ગયો

shopian-encounter-adil-terrorist-caught-ndtv_650x400_71505015342

જમ્મુ કાશ્મીરના સોપિયન જિલ્લામાં સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં આજે બે ત્રાસવાદીઓ ઠાર થયા હતા. જ્યારે અન્ય એક ખતરનાક ત્રાસવાદીને ઘાતક હથિયારો સાથે જીવતો પકડી લેવામાં આવ્યો હતો. માર્યા ગયેલા ત્રાસવાદીઓ પૈકી એક ત્રાસવાદીની ઓળખ હિઝબુલ મુઝાહીદ્દીનના તારીક ભટ્ટ તરીકે થઇ છે. બીજી બાજુ એક ત્રાસવાદીને સુરક્ષા દળોએ જીવતો પકડી પાડ્યો હતો. તે લશ્કરે તોઇબાનો હોવાનું જાણવા મળ્યું છે અને તેની ઓળખ અદીલદાર તરીકે થઇ છે. દાર ત્રણ મહિના અગાઉ લશ્કરે તોઇબા સાથે જોડાયો હતો.

આ અથડામણની શરૂઆત શનિવારે મોડી રાત્રે થઇ હતી. જે આજે દિવસ દરમિયાન જારી રહી  હતી. તાજેતરના મહિનાઓમાં આ એવી પ્રથમ ઘટના છે જ્યારે કોઇ ત્રાસવાદીએ અથડામણ દરમિયાન શરણાગતિ સ્વીકારી હતી. એન્કાઉન્ટર બાદ પોલીસે આ આતંકવાદીની ઓળક જાહેર કરી હતી. ચારેબાજુથી ઘેરાઈ ગયા બાદ આ ત્રાસવાદીએ શરણાગતિ સ્વીકારી લીધી હતી. જમ્મુ કાશ્મીરના પોલીસ અધિકારીઓએ તેને ખાતરી આપી હતી કે, તેને મારી નાંખવામાં આવશે નહીં. ત્યારબાદ તે મકાનના કાટમાળમાંથી બહાર આવ્યો હતો અને પોલીસ અધિકારીઓની સામે એકે ૪૭ રાયફલ અને હથિયારો મુકી દીધા હતા. આદીલ સોપિયાના ચીટીપોરા વિસ્તારનો નિવાસી છે. પુછપરછ માટે તેને તરત જ ત્યાંથી લઇ જવાયો હતો. ઘટનાસ્થળથી અન્ય એક ત્રાસવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઠાર થયેલો તારીક અહેમદ અનેક આતંકવાદી હુમલામાં સામેલ રહૃાો હતો. જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક એસપી વૈદ્યએ કહ્યું હતું કે, જે લોકોએ હથિયારો ઉઠાવ્યા છે તેઓ આત્મસમર્પણ કરી શકે છે. સરકાર તેમના મામલામાં ઉદાર વલણ અપનાવીને વિચારણા કરશે. સુરક્ષા દળોએ સોપિયામાં ઇમામ સાહિબ વિસ્તારમાં શનિવારે સાંજે કેટલાક મકાનોને ઘેરી લઇને ઓપરેશન હાથ ધર્યું હતું. ત્રાસવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. સુરક્ષા દળો ઓપરેશન ચલાવી રહૃાા હતા ત્યારે ત્રાસવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *