ગોંડલના ગોડાઉનમાં લાગેલી ભેદી આગ એ નિર્દોષ ખેડૂતોને પણ દઝાડ્યા! સૌરાષ્ટ્રના સેંકડો ખેડૂતોનાં નાફેડમાં રૂા.૫૩૬ કરોડ સલવાયા

સૌરાષ્ટ્રમાં વિવિધ સહકારી મંડળી મારફત ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલી મગફળીમાં થયેલ ગોલમાલ-કૌભાંડના કારણે નાફેડે મંડળીઓનાં પૈસા સ્થગિત કરી દેતા સૌરાષ્ટ્રના અનેક ખેડુતોને પૈસા ન મળ્યા હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે.
ગુજરાતના સેંકડો ખેડૂતોએ કરોડોનું પ્રિમિયમ ચૂકવ્યા પછી પણ તેમને પાક વિમાનું કવચ મળ્યુ નથી. ગોંડલ, ગાંધીધામના ગોડાઉનમાં રૂ.૩૫ કરોડનો જથ્થો ભડકે બળ્યા પછી સરકારે શરૂ કરેલા ખરીદ કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મગફળી વેચનારા સેંકડો ખેડૂતોને ચૂકવવાના થતા રૂ.૫૩૬ કરોડ ૧૭ લાખ નાફેડમાં સલવાઈ પડયા છે. સૌરાષ્ટ્રમાં ગુજકોટ, ગુજકોમાસોલ હેઠળની અનેક સહકારી મંડળીઓમાં મગફળીના નામે માટી, રોડા અને ભૂંસી- ફોતરીની બોરીઓ સરકારે મંજૂર કરેલા કેન્દ્રો પર ખરીદવામાં આવી હોવાના રિપોર્ટ ખુદ નાફેડે ભારત સરકારને મોકલ્યા છે. આથી, ગુજરાત સરકારે મંડળી મારફતે નવી ખરીદ જ બંધ કરાવી છે પરંતુ, આ રિપોર્ટ વચ્ચે સેંકડો ખેડૂતોની કાળી મજૂરીના રૂપિયા છુટા થયા નથી.
અત્યાર સુધીમાં ગુજરાતમાં ૪.૧૫ લાખ ખેડૂતો પાસેથી રૂ.૩૬૩૯ કરોડ ૧૮ લાખની મગફળી ખરીદવામાં આવી છે. જેમાંથી રૂ.૩,૧૦૩ કરોડ ૦૧ લાખનું ચૂકવણૂ સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં થઈ ગયાનું કહેતા રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે બાકીના રૂ.૫૩૬ કરોડ સત્વરે ચૂકવાય તેના માટે નાફેડ તરફથી કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યુ હતુ.
૩૩ લાખ મે.ટન મગફળીના ઉત્પાદન સામે ભારત સરકારના નાફેડએ પાંચ એજન્સીઓ રોકીને ગુજરાતમાંથી ૮ લાખ મે.ટનની ખરીદીને મંજૂરી આપી હતી. તેમાં કૌભાંડો થતા ૨૬૧ સહકારી મંડળીઓના કેન્દ્રોથી ખરીદી બંધ કરી દેવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *