ગુજરાત સરકાર અને ગૂગલ ઈન્ડિયા વચ્ચે થયા એમઓયુ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી ‘ડિજીટલ ગુજરાત’ના પ્રયાસોને ફાસ્ટ-ટ્રેક પર લાવવાના ઉદાત હેતુથી ગુજરાત સરકારે ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્ર્વવિખ્યાત કંપની ગુગલ ઈન્ડિયા સાથે એમઓયુ કર્યા છે.
પ્રધાનમંત્રીના ડિઝીટલ ઈન્ડીયાના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત ડિઝીટાઈઝેશનના આ એમઓયુથી અગ્રેસર બન્યું છે.
ગાંધીનગરમાં આ એમઓયુ ગુગલ ઈન્ડીયાના પબ્લિક પોલિસી ડિરેકટર ચેતન ક્રિષ્ણાસ્વામી તથા મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહ તેમજ પ્રવાસન, શ્રમ-રોજગાર, ઉચ્ચશિક્ષણ, ગ્રામ વિકાસ અને સાયન્સ ટેકનોલોજીના અગ્રસચિવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતાં.
આ એમઓયુ અન્વયે ગ્રામીણ મહિલાઓને ડિઝીટલ વિશ્ર્વથી માહિતગાર કરવા ગુગલ ઈન્ડિયા ગુજરાત સરકાર સાથે મળીને પ્રયાસ કરશે. ગુગલ ઈન્ડિયા ‘ઈન્ટરનેટ સાથી’ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ અને બાળકોને રોજિંદા જીવનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ પણ પૂરી પાડશે.
આ ઉપરાંત, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને તેમના વ્યાપારની વૃદ્ધિ માટે ડિઝીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની તાલીમ અને લઘુ ઉદ્યોગકારોને ‘ડીઝીટલ અનલોકડ’ કાર્યક્રમ હેઠળ ગુગલ ઓનલાઈન બિઝનેસ માટે મદદરૂપ થશે. લાયકાતપાત્ર સ્ટાર્ટ-અપ ઉદ્યોગોને ગુગલ એક વર્ષ ૨૦,૦૦૦ યુએસ ડેાલર સુધીની ગુગલ કલાઉડ સુવિધા પણ આપશે, તેમ આ એમઓયુ અંતર્ગત નક્કી થયું.
રાજ્યના યુવાધનને આધુનિક મોબાઈલ અને વેબ ટેકનોલોજી અંગે માહિતગાર કરીને તેમના કૌશલ્યવર્ધનના પ્રયાસો વેગવાન બનાવાશે. ડિગ્રી/ ડિપ્લોમાં અને એમસીએનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ગુગલ એન્ડ્રોઈડ ફંડામેન્ટલના કોર્સ અને મોબાઈલ ડેવલપમેન્ટ તાલીમ ઓફર કરશે.
ગુજરાતનો ઈતિહાસ અને ભવ્ય સાંસ્કૃતિક વારસાને વિશ્ર્વ સમક્ષ ઉજાગર કરવા ગુગલ અને ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ, તેમજ પ્રવાસન વિભાગ સાથે મળીને રાજ્યના ઈતિહાસ, સ્થાપત્ય વારસા અને સાંસ્કૃતિક વિરાસતનો ડિઝીટલ સંગ્રહ તૈયાર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *