ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે:ચૂંટણી પંચ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી હતી. જે દરમ્યાન ચૂંટણી પંચના અધિકારીઓએ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ તથા સત્તાધીશો સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી.

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ મુક્ત અને વાજબી વાતાવરણમાં યોજવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી અને સ્પષ્ટ કરી દીધુ હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં જ યોજાશે. કેટલા તબક્કામાં ચૂંટણી યોજાશે તે અમે પછી સ્પષ્ટ કરીશું. મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જયોતિએ એ પણ સ્વીકાર્યું હતું કે, સોશ્યલ મીડિયાનો જે મીસયુઝ થાય છે તેની સામે કંઇપણ થઇ શકે તેમ નથી, તેની પર પ્રતિબંધ લાદી શકાય નહી.

મુખ્ય ચૂંટણી કમિશનર જયોતિએ એક મહત્વના મુદ્દા પરત્વે ધ્યાન દોર્યું હતું કે, વિવિધ રાજકીય પક્ષો અને અન્ય લોકો તરફથી ચૂંટણી દરમ્યાન મતદાનનો સમય વધારવા મહત્વની રજૂઆત મળી છે તે અંગે ઉપરના લેવલે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. ગોવા પછી ગુજરાત દેશમાં પ્રથમ એવું રાજય છે કે, જયાં ઇવીએમ મશીનની સાથે વીવીપેટનો પણ ઉપયોગ થશે. મતદાન બાદ વિવાદીત પરિસ્થિતિમાં જરૂર પડશે તો જ વીવીપેટની સ્લીપની ગણતરી હાથ ધરવામાં આવશે.

ચૂંટણી દરમ્યાન નાણાંનો દૂરપયોગ નાથવા માટે ર૪ કલાકના કંટ્રોલ રૂમ રાજયમાં શરૂ કરવામાં આવશે અને સર્વેલન્સ સ્કવોડની ટીમો ચેકીંગ માટે ઉતારાશે. સાથે સાથે બેંક ટ્રાન્ઝેકશન પર પણ સતત નજર રખાશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજયમાં વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ૫૫ હજાર જેટલા પોલીંગ સ્ટેશન ઉભા કરાશે, જયાં સીસીટીવી કેમેરા, લોખંડી સુરક્ષા વ્યવસ્થા સહિતની ફુલ પ્રુફ વ્યવસ્થા તૈનાત હશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સૌપ્રથમવાર પોલીંગ બુથ ૫૦૧ર૮ પોલીંગ બુથ પર મહિલા સુરક્ષા કર્મચારી તૈનાત કરાશે. ગુજરાત રાજયમાં તા.ર૫મી સપ્ટેમ્બરે મતદાર યાદી સુધારણા પૂર્ણ થઇ ગઇ હતી અને રાજયમાં કુલ ૧૦ લાખ, ૪૬ હજાર નવા મતદારો ઉમેરાયા છે. આ સાથે રાજયના કુલ મતદારો ચાર કરોડ, ૩૩ લાખ મતદારો નોંધાયા છે. રાજયમાં કુલ ૫૦,૧ર૮ મતદાન મથકો ઉભા કરાશે, ગત ચૂંટણી કરતાં આ વખતે પાંચ હજાર જેટલા મતદાન મથકોનો વધારો કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *