ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી વિલંબની વકી તમામ વકીલ મંડળોની ચૂંટણી હવે ૧૫મી ડિસેમ્બરે યોજાશે

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના વકીલો માટેના નવા પ્રેકટીસ રૂલ્સ અનુસંધાનમાં સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર દેશની તમામ બાર કાઉન્સીલ હેઠળ નોંધાયેલા વકીલોના વેરીફિકેશન કરી મતદાર યાદી તૈયાર કરવાની હતી પરંતુ ઘણા રાજયોમાં વેરીફિકેશન પ્રક્રિયા જ પૂર્ણ થઇ નહી હોવાથી દેશના દસ રાજયોમાં બાર કાઉન્સીલ ટર્મ પૂર્ણ થઇ ગઇ હોવાછતાં ત્યાંની ચૂંટણીઓ અટવાઇ પડી છે.

બીજીબાજુ, ગુજરાત બાર કાઉન્સીલમાં પણ વકીલોની વેરીફિકેશન પ્રક્રિયા વિલંબિત થઇ છે અને તેને પૂર્ણ થતાં હજુ ખાસ્સો સમય લાગે તેમ હોઇ તા.૧૭મી ડિસેમ્બરે ગુજરાત બાર કાઉન્સીલની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે ખૂબ જ મહત્વની એવી ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી પણ વિલંબિત થાય તેવી પૂરી શકયતા છે. દરમ્યાન ગુજરાત રાજયના ર૫૦થી વધુ વકીલમંડળો(બાર એસોસીએશનો)ની ચૂંટણી ડિસેમ્બર મહિનાના બીજા શુક્રવારે તા.૮મીએ યોજાવાની હતી પરંતુ લગ્નસરાની સીઝનને લઇ આ તારીખમાં ફેરફાર કરી તા.૧૫મી ડિસેમ્બર કરવામાં આવી છે, જેથી હવે રાજયના તમામ બાર એસોસીએશનોની ચૂંટણી તા.૧૫મી ડિસેમ્બરે યોજાશે. આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત બાર કાઉન્સીલની જનરલ બોડીની બેઠકમાં આજે રાજયના વિવિધ બાર એસોસીએશન તરફથી તા.૮મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી લગ્નસરાની સીઝનને લઇ તારીખ બદલવા જે રજૂઆત કરાઇ હતી, તેને ધ્યાને લેવાઇ હતી અને પુખ્ત્ા વિચારણાના અંતે તારીખમાં ફેરફાર કરી તા.૧૫મી ડિસેમ્બર ચૂંટણીની તારીખ નક્કી કરાઇ હતી.

બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ કેલ્લાએ ઉમેર્યું હતું કે, ગુજરાતના આશરે ર૦ હજારથી વધુ વકીલોએ બીસીઆઇના નવા રૂલ્સ મુજબ, ફરજિયાતપણે ભરવાના થતાં વેરીફિકેશન ફોર્મ હજુ ભર્યા જ નથી. રાજયના ૩૦,ર૫૦ વકીલોએ પોતાના આ ફોર્મ ભર્યા છે. જે પૈકી દસ હજાર વકીલોની માર્કશીટ અને દસ્તાવેજો ગુજરાત બાર કાઉન્સીલે ગુજરાત યુનિવર્સિટી સહિતની સાત યુનિવર્સિટીને વેરીફિકેશન માટે મોકલી આપ્યા છે. જો કે, વેરીફિકેશનની સમગ્ર કામગીરી પૂર્ણ થતાં હજુ ચારથી પાંચ મહિના જેટલો સમય વીતી જાય તેમ છે અને ત્યાં સુધીમાં તા.૧૭-૧ર-ર૦૧૭એ ગુજરાત બાર કાઉન્સીલની ટર્મ પણ પતી જાય છે એટલે વેરીફિકેશનની પ્રક્રિયા વિલંબિત થવાના કારણે ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી પણ વિલંબિત થાય તેવી પૂરી શકયતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *